ઉમેદવારીપત્રો
પરત ખેંચવાના અંતિમ દિવસે રાપર તાલુકા પંચાયતની ચોવીસ બેઠકો પર 66 દાવેદારો મેદાનમાં રહ્યા છે. શામ, દામ, દંડ, ભેદ
અજમાવવા છતાં એક પણ બેઠક બિનહરીફ કરી શકાઈ ન હતી. ચોવીસ પૈકીની બાર બેઠકોમાં ભાજપ અને
કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે જ્યારે અન્ય બાર બેઠકોમાં આમ આદમી પાર્ટી અને અપક્ષો
પણ મેદાનમાં છે જ્યાં ત્રિપાંખિયો કે ચતુર્પાંખિયો જંગ ખેલાશે. ઉલ્લેખનીય છે કે મહિલા
અનામત અને સામાજિક શૈક્ષણિક મહિલા અનામત ધરાવતી સુવઈ, સણવા, કીડીયાનગર, જાટાવાડા જેવી બેઠકો પર જ વધુ મહિલાઓએ દાવેદારી નોંધાવી હતી. ઉમેદવારી
પાછી ખેંચવાનો સમયગાળો પૂરો થતાં કમજોર કડી જેવા નબળાં ઉમેદવારોને સુરક્ષિત સાચવીને
બેઠેલા પક્ષોએ હાશકારો અનુભવ્યો હતો. - ભુજ તાલુકા પંચાયતમાં સામસામો જંગ : ભુજ તા. પંચાયતની 32 પૈકી રતડિયા અને સુખપર-2 બેઠક બિનહરીફ થતાં હવે 30 બેઠક પર ચૂંટણી જંગ જામશે. આ 30 બેઠક પર 72 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
મોટાભાગની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. કેટલીક બેઠકો પર આપ તેમજ
અપક્ષના ઉમેદવારોએ જંગમાં ઝંપલાવ્યું છે. - માંડવી તા.પં.માં ભાજપને વધુ બે બિનહરીફ : માંડવી, તા. 15 : નામાંકન પત્રો પાછાં ખેંચવાના આજે અંતિમ
દિને અને સમયે આઠ ઉમેદવારોએ પાછા પગ ભરી હાથ ઊંચા કરી દેતાં 20ના જનરલ બોર્ડવાળી તાલુકા પંચાયતની આગામી
ચૂંટણીમાં એકંદર ત્રણ બેઠકો કમળના ખોળામાં નિર્વિરોધ થઇ જઇ રહી છે. આ અગાઉ પ્રતિસ્પર્ધી
નહીં હોવાથી નાની વિરાણી એસ.ટી. અનામત ભાજપ તરફે ઢળ્યા પછી આજે બિદડા-2 અને બાયઠ એમ વધુ બે સીટો અંકે થતાં હવે 17 ક્ષેત્રોમાં રણસંગ્રામ ખેલાશે. આજે બાયઠ બેઠક ઉપર બે અપક્ષો ઉપરાંત એક-એક
કોંગ્રેસનો પંજો મેદાન બહાર નીકળી ગયો હતો. રામપર અને કાઠડા તા.પં. બેઠક ઉપર ત્રિપાંખિયો
જંગ યોજાશે, જ્યારે બાકી ભાજપ અને કોંગ્રેસ સીધાં ટકરાશે
તેવું ચિત્ર જાણવા મળ્યું હતું. ઉપરાંત તાલુકામાં જિલ્લા પંચાયતની ચાર બેઠક પૈકી તમામ
ઉપર કમળ-પંજા વચ્ચે સીધાં બળાબળનાં પારખાં થશે. તા.પં.ની 20 પૈકી ભાગ-1માં સમાવિષ્ટ 10 બેઠકોના ચૂંટણી અધિકારી પ્રદ્યુમનસિંહ જેઠવા
અને એ.આર.ઓ. હરેશભાઇ આમનાએ આપેલી વિગતો પ્રમાણે આજે બાયઠથી બે અને ગુંદિયાળી ઉપરથી
1 મળી ત્રણ અપક્ષો ખસી ગયા હતા. આ ઉપરાંત
બિદડા-2 અને બાયઠ બેઠકો ઉપરથી કોંગ્રેસ વતી લડતા
ઉમેદવારોએ હાથ ઊંચા કરી મેદાન છોડતાં બિદડા-2 અને બાયઠ બેઠક નિર્વિરોધ થતાં બે સીટો બિનહરીફ ભાજપની ગોદમાં જશે. આજે
નાના ભાડિયા સીટ પરથી એક આપના ઉમેદવાર પણ ખસી ગયા હતા. આ પરિસ્થિતિમાં બાયઠના દિનેશ
ધનજી માતંગ જ્યારે બિદડા-2ના શાંતાબેન
કાનજી સંઘાર એમ બન્નેની ભાગ્યરેખા અને ભાજપની પાંખડીઓ ચમકારો આપી રહી છે. - ગાંધીધામના વોર્ડ નં.-7માં ચારણ સમાજ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર
: ગાંધીધામ, તા. 15 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે
ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, ત્યારે ગાંધીધામ-આદિપુરમાં ચારણ સમાજ દ્વારા નારાજગી વ્યક્ત કરીને ચૂંટણી
બહિષ્કારનો નિર્ણય લેવાયો છે. મહાપાલિકાના વોર્ડ નંબર એક અને સાતમાં બહુમત વસ્તી ધરાવતા ચારણ સમાજને પ્રતિનિધિત્વ
ન અપાતાં નારાજગી પ્રસરી છે. નારાજગી વ્યક્ત કરવા માટે
ગાંધીધામમાં તાજેતરમાં બેઠક યોજાઈ હતી,
જેમાં વોર્ડ નંબર-7માં ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હોવાનું પ્રમુખ મોહનભાઈ ખીમસુરિયા, મંત્રી નવીન પચાણભાઈ સેતાણિયાની યાદીમાં
જણાવાયું છે.