ભુજ, તા. 15 : અહીંની નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક માટે હવે 100 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા
છે. વોર્ડ-11ની 4, વોર્ડ 4 અને વોર્ડ
8માં એક-એક મળી કુલ છ બેઠક બિનહરીફ થઇ છે.
ચકાસણી સમયે 109 ફોર્મ માન્ય રહ્યા બાદ અંતિમ
દિવસે 9 ઉમેદવારી ફોર્મ પરત ખેંચાતાં આખરી ચિત્ર
સ્પષ્ટ થયું હતું. છ બેઠક બિનહરીફ થતાં હવે ભુજ સુધરાઇમાં 38 બેઠક પર ચૂંટણી યોજાશે. - ગાંધીધામ
વોર્ડ 4માં સીધો જંગ, 6માં
સૌથી વધુ 19 ઉમેદવાર : ગાંધીધામ, તા. 15 : કચ્છની પ્રથમ ગાંધીધામ મહાનગરપાલિકામાં
51 બેઠક માટે 158 ઉમેદવાર મેદાનમાં છે. વોર્ડ
નંબર ત્રણમાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરી શક્યાં નથી જેનાં પગલે અહીં ભાજપના અન્ય
પછાત વર્ગના મહિલા ઉમેદવાર બિનહરીફ થયા છે. મોટાભાગના વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત
આપ અને સમાજવાદી પાર્ટી અને ગુજરાત સર્વ સમાજ
પાર્ટી તથા અપક્ષ વચ્ચે જંગ છે. વોર્ડ નંબર ચારમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે, તો વોર્ડ ત્રણમાં બંને રાષ્ટ્રીય પક્ષોના ત્રણ
-ત્રણ ઉમેદવાર ઉપરાંત એક આપના ઉમેદવાર છે. આ ચૂંટણીમાં ભાજપના 51 અને કોંગ્રેસના 48 ઉમેદવારો મેદાનમાં છે. સૌથી
વધુ 19 ઉમેદવાર વોર્ડ છમાં છે, જ્યારે વોર્ડ ત્રણ અને વોર્ડ 11માં આઠ-આઠ ઉમેદવાર મેદાનમાં છે. 26મીએ આ તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં
કેદ થશે. હાલ બંને રાષ્ટ્રીય પક્ષો પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે અને ધીમેધીમે ચૂંટણીનો
માહોલ બની રહ્યો છે.