ભુજ, તા. 15 : આરોગ્ય અને રોગોથી રક્ષણ માટે
શીતળા માતાની આરાધના સાથે પરંપરાગત રીતે ઊજવાતી શીતલા તેરસની કચ્છમાં ભાવભેર ઉજવણી
કરાઇ હતી. વહેલી સવારથી શીતલા માતાના મંદિરોમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી. માતાજીને
નાળિયેર, ફૂલ, પ્રસાદ વિ. ધરાવી
પરિવારની સુખ-સમૃદ્ધિ તથા બાળકોના આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી. મંદિરોમાં પૂજન-અર્ચન
અને આરતીના કાર્યક્રમો યોજાયા હતા. ભુજના હમીરસર નજીક આવેલાં કલ્યાણેશ્વર મંદિરે તેમજ
પાળેશ્વર ચોક સ્થિત મંદિરે ભાવિકોએ શ્રદ્ધાપૂર્વક વ્રત અને પૂજન કર્યું હતું. મંદિર
પરિસર બહાર મેળો જામ્યો હતો. નાના વેપારીઓ રમકડાં, ખાણી-પીણી,
નાળિયેર, પ્રસાદીના વેચાણાર્થે ભરાયેલી મિની બજારે
ઉત્સવના આનંદમાં વધારો કર્યો હતો. દહીંસરા ગામના ભૂતેશ્વર મહાદેવ મંદિરે વાર્તા,
પૂજન, નૈવેદ્ય, આરતી અને
પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મોટી વિરાણીમાં ઐતિહાસિક શીતલા માતાજીના મંદિરે
સવારથી દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી. માતાના જીવનચરિત્રના પાઠનું વાંચન કરાયું
હતું. સંતાનોના આરોગ્ય માટે માતાઓ આગલા દિવસે બનાવેલી રસોઇ જમી સદીઓની પરંપરાનું પાલન
કરે છે, તેવું પૂજારી જેન્તીગિરિ બાવાજીએ જણાવ્યું હતું. ગઢશીશામાં
શીતલા માવડી આંખડીએ પાંખડીએ રક્ષા કરજો એવી પ્રાર્થ દર્શને આવેલા ભૂલકાઓ દ્વારા કરાઇ
હતી. અબડાસા તા.ના ગરડા પંથકમાં જંગલમાં આવેલા પ્રાગટય દેવી શીતલા માતાજીના સ્થાને
બે દિવસ મેળામાં માનવ મહેરામણ ઊમટયો હતો. બાજુમાં તળાવમાં નહાવાથી કોઢ બીમારી મટી જાય
તેવી માન્યતા છે તેમજ આંખોની બીમારી મટાડવા પણ માનતા રાખે તો પરિપૂર્ણ થાય છે. આસપાસના
ગામોમાંથી પગપાળા માનતા માટે લોકો આવે છે. મહાઆરતી, મહાપ્રસાદ,
સંતવાણી તેમજ બખ મલાખડા જેવા કાર્યક્રમો યોજાયા હતા. હિન્દુ-મુસ્લિમ
એકતા સાથે ઉજવણી કરાઇ હતી. વાયોર પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી ગોહિલ દ્વારા મેળામાં
ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. કોઠારામાં દરવર્ષની જેમ મેળાનું આયોજન કરાયું હતું. મંદિરમાં
દર્શનાર્થે ભીડ જામી હતી.