દર વર્ષે હૃદયરોગથી 28.6 લાખ લોકોનાં મૃત્યુ થાય છે અને વિશ્વભરમાં હાર્ટએટેકથી
થતાં મૃત્યુમાંથી વીસ ટકા ભારતમાં થાય છે. વળી, છેલ્લા એકાદ દાયકામાં
કોઈ પણ જાતનાં પૂર્વલક્ષણો વિના એકાએક આવતા હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે. આ ચોંકાવનારાં
તથ્યો સાથે હાલમાં જ આવેલા એક અભ્યાસનો અહેવાલ ચિંતા વધારનારો છે. હૃદયનાં સ્વાસ્થ્ય
સંબંધી વિવિધ ટેસ્ટ્સમાં જેઓ જોખમ મુક્ત હોવાનું તારણ નીકળ્યું હતું એવા એંસી ટકા લોકોને
હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેઓનું હાઈ રિસ્ક નથી એવું તારણ ટેસ્ટ રિપોર્ટસમાં આવ્યું
એવા લોકોને પહેલો હાર્ટએટેક આવ્યાનું આવું ઉચ્ચ પ્રમાણ જોતાં પાશ્ચાત્ય પરીક્ષણ પદ્ધતિઓ
અને સાધનો ભારતીયોમાં હૃદય સંબંધી સમસ્યા હોવાનું પૂર્વાનુમાન કરવામાં નિષ્ફળ રહ્યાં
છે. પાંચ હજારથી વધુ દરદીઓના ટેસ્ટ રિપોર્ટસના વિશ્લેષણને પગલે આ ચિંતાજનક તારણ સામે
આવ્યું છે. આ ટેસ્ટ્સના રિપોર્ટસના આધારે તબીબો પ્રતિબંધાત્મક સારવાર અંગે માર્ગદર્શન
આપતા હોય છે. પશ્ચિમી ટેસ્ટ પદ્ધતિઓ વ્યક્તિની વય અને એલડીએલ કોલેસ્ટેરોલ આ બે પાસાં
પર મોટાપાયે મદાર રાખે છે. સંશોધકોના મતે ભારતીયો દક્ષિણ એશિયન ફેનોટાઈપથી અલગ વર્તણૂક
ધરાવે છે, જ્યાં મોટા ભાગે હૃદય સંબંધી જોખમ વહેલું ઉદ્ભવે છે
અને એ પણ વ્યક્તિનું વજન વધુ ન હોવા છતાં ડાયાબિટીસ અને ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોવાને
કારણે. પશ્ચિમી ધારાધોરણો કે મોડેલ પ્રમાણેની વૈશ્વિક ટેસ્ટ્સ ભારતીયોમાં ખરા જોખમનું
આકલન કરી વહેલી ચેતવણી આપવામાં નિષ્ફળ નીવડી રહી છે. ભારતમાં હૃદયરોગ સાયલન્ટ કિલર
બની રહ્યો છે. કેમ કે, એક તો પ્રતિબંધાત્મક પગલાં, વહેલું નિદાન અને લાંબા ગાળાની સંભાળ તથા સારવારમાં અનેક ગાબડાં છે. સ્થિતિ
એટલી ગંભીર છે કે, દસમાંથી એક પુખ્ત વયની વ્યક્તિમાં હૃદય સંબંધી
બીમારી હોવાનું જોવા મળે છે. વહેલું નિદાન ન થઈ શકવાનું એક મહત્ત્વનું કારણ હાલમાં
જ હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે. વ્યક્તિને હૃદયરોગનું જોખમ છે કે
નહીં, એવા તારણ પર આવવા માટે હાલ ઉપલબ્ધ ટેસ્ટ્સ અને મોડેલ દ્વારા
માત્ર 11થી 20 ટકા લોકો હાઈ-રિસ્ક ધરાવતા આગાહી કરી શકાઈ હતી. પશ્ચિમના
દેશોની વસ્તીને ધ્યાનમાં રાખી બનાવવામાં આવેલી આ ટેસ્ટ્સ ભારતમાં રિસ્ક ફેક્ટરનું આકલન
કરવામાં નિષ્ફળ જઈ રહી છે, એમાં મુખ્ય પરિબળ એ છે કે વેસ્ટર્ન
કન્ટ્રીઝમાં હાર્ટએટેકનું જોખમ ભારતની સરખામણીમાં મોટી વયે ઉદ્ભવે છે. ભારતમાં હૃદય
સંબંધી સમસ્યા નાની વયે જોવા મળે છે અને તેની વર્તણૂક પણ અલગ છે. આ અભ્યાસ મુજબ,
હૃદયરોગનો હુમલો આવવાની સરેરાશ વય 54 વર્ષ જોવા મળી છે. વધુ પડતું વજન હૃદયરોગનું કારણ બને
છે એવી ધારણા છે, પણ ભારતમાં તો સ્થૂળ ન હોય એવા લોકોમાં પણ હાર્ટએટેકનું પ્રમાણ
વધુ જોવા મળે છે. ધૂમ્રપાન, માનસિક-સામાજિક તાણ સાથે ડાયાબિટીસ
તથા ઊંઘનો અભાવ જેવાં કારણોને પગલે પણ લોકોમાં આ સમસ્યા વકરે છે. ભારતીયોમાં બોડી માસ
ઈન્ડેક્સ (બીએમઆઇ) નીચો હોવા છતાં શારીરિક ચરબીની ટકાવારી વધુ જોવા મળે છે અને આનું
મુખ્ય કારણ આપણી જીવનશૈલી છે. સમય આવી ગયો છે કે, ભારતીય જેનેટિક્સ,
પોષણ અને પર્યાવરણ સંબંધી પરિબળો ધ્યાનમાં લઈ પરીક્ષણો અને તેના રિપોર્ટિંગના
પેરામીટર્સ નક્કી કરાય.