• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

મદનપુરામાં હરેકૃષ્ણ સરોવરનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કે પહોંચ્યું

કોડાય (તા. માંડવી), તા. 15 : મદનપુરા ગામે જળસંચયનું ભગીરથ કાર્ય હાથ ધરાયું છે. ગામને નંદનવન બનાવવા માટે 10 એકર વિસ્તારમાં 10 ફૂટ ઊંડાઈ ધરાવતા અને  કરોડો લિટર પાણી સંગ્રહ ક્ષમતા ધરાવતાં તળાવનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જળસિંચન ક્ષેત્રે પંથકને અનોખો માર્ગ દર્શાવતા મુંબઈ-મદનપુરા કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના સહયોગથી હરેકૃષ્ણ ઉમિયા સરોવરનું નિર્માણ હાથ ધરાયું છે. આ તળાવનું 75 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ તળાવ ગામનું પ્રથમ  `જળ મંદિર' બનશે, જે ગ્રામજનો સાથે સાથે પશુ-પક્ષીઓ માટે પણ ઉપયોગી સાબિત થશે. મુંબઈ સમાજના મહામંત્રી શાંતિલાલ રતનશી રૂડાણીએ સંસ્થાઓ તથા ગામના દાતા-શ્રેષ્ઠીઓ તેમજ નાના મોટા અનેક દાતાઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, કચ્છમાં પાણીનો સંગ્રહ મોટા પ્રમાણમાં થશે, તો ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે, જેના પરિણામે હરિયાળી વધશે અને ખેતી ક્ષેત્રે સમૃદ્ધિ આવશે. મુંબઈ સમાજના પ્રમુખ મોહનભાઈ રામજિયાણીએ `જળ એ જ જીવન' હોવાનું જણાવી આ કાર્યને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ જળમંદિર ખેડૂતો, ગ્રામજનો સાથે સાથે આબોલા જીવો અને પક્ષીઓ માટે પણ તૃષ્ણા સંતૃપ્તિનું સાધન બનશે. ગામના અગ્રણી  રમેશભાઈ લાલજીભાઈ રામજિયાણીએ જણાવ્યું હતું કે, તળાવનું નિર્માણ પૂર્ણ થયા બાદ તેની જાળવણી ગ્રામજનો કરશે અને તળાવની આસપાસ વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. છેલ્લા બે માસથી હરેકૃષ્ણ ઉમિયા સરોવર માટે ખાણેત્રું કાર્યમાં સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી સેવા આપવામાં આવી રહી છે. આ કાર્યમાં વિજયભાઈ રામજિયાણી, અશ્વિનભાઈ રામજિયાણી સહિત અનેક આગેવાનો સહયોગ આપી  રહ્યા છે. 

Panchang

dd