કેન્દ્ર સરકારના કોઈપણ પગલાં સામે આકરો મોરચો ખોલવા સતત તત્પર
રહેતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાલે ચૂંટણીપંચ દ્વારા હાથ ધરાઈ રહેલી
મતદારયાદીની ખાસ સમીક્ષા સામેની લડત હવે સર્વોચ્ચ
અદાલતના ઉંબરે પહોંચાડી છે. મમતા બેનર્જીએ તો તેમના રાજ્યના લોકોના અધિકારોનું હનન
થઈ રહ્યાનો આરોપ મૂક્યો છે, પણ બુધવારે
અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે, દરેક સમસ્યાનો ઉકેલ આવી શકે છે
અને કોઈપણ પાત્ર વ્યક્તિ મતાધિકારથી વંચિત રહે નહીં તેનો આપણે ખ્યાલ રાખવો પડશે. આમ તો આ મતદારયાદીની સમીક્ષા સામે મમતા
બેનર્જી સહિતના વિપક્ષી નેતાઓ અને વિપક્ષ શાસિત રાજ્યોએ અદાલતો સમક્ષ વાંધા ઉઠાવેલા
છે, પણ બુધવારે પશ્ચિમ બંગાળ સરકારે સર્વોચ્ચ અદાલત
સમક્ષ એઁવી દલીલ કરી કે, જે નામોને હટાવવાની યાદી તૈયાર થઈ છે
તેની માટેનાં કારણો પણ જાહેર થવા જોઈએ, જેથી સંબંધિત વ્યક્તિને
તેની નોંધણીમાં કઈ અધૂરાશ છે તેની ખબર પડે તો તે સુધારો કરી શકે. એવો દાવો કરાયો છે
કે, બંગાળમાં નામ, પેટાનામ અથવા વયમાં ગોટાળાને
લીધે લગભગ 1.36 કરોડ લોકોને
તાર્કિક વિસંગતિનાં કારણે નોટિસ અપાઈ ચૂકી છે. આ મુદ્દાના સંદર્ભમાં સર્વોચ્ચ
અદાલતે બાંગલા ભાષા બોલનારાઓનાં નામોના ઉચ્ચારમાં થોડો ફેરફાર આવે એટલે નામોની નોંધણી ભૂલભેરલી જણાય છે. આવી ભૂલ કે ઉણપ છતાં પાત્ર મતદારોનાં
નામ યાદીમાં યથાવત્ રહેવા જોઈએ. અદાલતે આખી પ્રક્રિયાને પારદર્શક અને નિષ્પક્ષ બનાવવાની જરૂરતનો પુનરોચ્ચાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે,
મતદારયાદીની આ સમીક્ષાનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે. બિહાર અને તે પછી ઉત્તરપ્રદેશમાં આ પ્રક્રિયાની
સામેનો વિરોધ હવે પશ્ચિમ બંગાળ સુધી પહોંચ્યો છે. દક્ષિણના વિપક્ષ શાસિત રાજ્યોમાં
પણ આ પ્રક્રિયા સામે વાંધા વ્યક્ત થઈ રહ્યા છે.
આમ તો આ પ્રક્રિયામાં પોતાનું સ્થાન બદલનારા કે જેમના મોત થયાં છે એવા મતદારોનાં
નામોને મતદારયાદીમાંથી હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તેની સાથોસાથ ગેરકાયદેસર રીતે
પોતાનાં નામ મતદારયાદીમાં ઉમેરાવનારાનાં નામો શોધીને તેમને પણ યાદીમાંથી હટાવવા પર
ધ્યાન અપાઈ રહ્યંy છે. આ કાર્યવાહી
સામે ખેરખર કોઈને વાંધો હોઈ શકે નહીં, પણ બંગાળ જેવાં રાજ્યમાં ગેરકાયદે
મતદારોની મસમોટી સંખ્યા હોવાની આશંકાને લીધે આ કાર્યવાહીનું મહત્ત્વ અને તેનો વિરોધ વધી જાય છે. આ વખતે જો કે,
જે લોકોનાં નામ મતદાર તરીકે કમી કરવાની જે યાદી તૈયાર થઈ છે તેમાં કારણ
દર્શાવવાની મમતા બેનર્જીની દલીલને સર્વોચ્ચ અદાલતે ગ્રાહ્ય રાખી છે. આમ હવે ચૂંટણીપંચ મતદારોનાં નામ કમી કરવાનાં પગલાંમાં
કારણ પણ બતાવે અને આની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવશે એવી અપેક્ષા રખાઈ રહી છે, પણ સર્વેચ્ચ અદાલત સમક્ષ ચાલી રહેલી
સુનાવીણની હવે પછીની તારીખમાં મમતા બેનર્જી નવી માંગ કે નવો આરોપ કે નવી દલીલ નહીં
લાવે એ કહી શકાય તેમ નથી.