ભચાઉ, તા. 9 : મૂળ
ભચાઉના અને હાલ મુંબઈના પારલા વિસ્તારમાં સ્થાયી એક જાણીતા બિલ્ડર પરિવારના નિવાસસ્થાને
સવારે બનેલી આગની ઘટનામાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે. આવતીકાલે જ હતભાગીના પરિવારમાં
લગ્નપ્રસંગ યોજાવાનો છે. કરુણ ઘટનાથી વાગડ અને મુંબઈ જૈન સમાજમાં શોકની લાગણી પ્રસરી
છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે સુવિધા બિલ્ડિંગના તેરમા માળે અચાનક આગ ફાટી નીકળી
હતી. આ ઘટનામાં ભરતભાઈ પરબતભાઈ સત્રાના પત્ની ભાવનાબેન સત્રાનું આગની ઝપેટમાં આવી જતાં અવસાન થયું છે. આગની ઘટના સમયે ભાવનાબેન પૂજા કર્યા
બાદ રસોડામાં હાજર હતા, જ્યારે પરિવારના અન્ય સભ્યો છત ઉપર
નાસ્તો કરવા ગયા હતા. તે દરમિયાન બેડશીટમાંથી ગાદલાંમાં આગ ફેલાઈ ગઈ હતી. આગની જાણ
થતાં તરત જ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો,
પરંતુ બળેલા સામાન સાથે હતભાગી ભાવનાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં
પરિવારના અન્ય સભ્યોના જીવ બચી ગયા છે. ઘટનાના પગલે સમગ્ર મુંબઈ સ્થિત વીશા ઓસવાળ સમાજ
તેમજ ભચાઉ અને વાગડ વિસ્તારમાં ઘેરો શોક ફેલાયો છે. આવતીકાલે તારીખ 10 ફેબ્રુઆરીના રોજ પરિવારના ભત્રીજા દેવાંશ અને જીનલનાં લગ્નપ્રસંગનું આયોજન હતું, પરંતુ આ અચાનક બનેલી ઘટના બાદ બંને
પરિવારો દ્વારા લગ્ન સમારંભને સાદગીપૂર્વક, ઘરમેળે યોજવાનો નિર્ણય
લેવામાં આવ્યો છે. સાંજે સ્વર્ગસ્થની અંતિમવિધિ સંપન્ન કરવામાં આવી હતી.