ભુજ, તા. 9 : ગઈકાલે
રાત્રે માંડવીમાં બુલેટ ઉપર સવાર ગામના 24 વર્ષીય
યુવાન કરણ ભારુભાઈ ગઢવીને અકસ્માત નડતાં કરુણ મોત નીપજ્યું હતું. બીજી તરફ ગત તા. 5/2ના ભુજના મખણા માર્ગે બાઈક સ્લીપ થતાં ગામના 75 વર્ષીય વડીલ સવાભાઈ ખેતશી રબારીને માથામાં ગંભીર ઈજા
થતાં ગઈકાલે તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. મૂળ નાની ઉનડોઠ હાલે માંડવી રહેતો
જુવાનજોધ કરણ ગઈકાલે રાતે પોતાની બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે 8.30 વાગ્યાના અરસામાં વન વિભાગ ઓફિસ પાસે સંભવત: અન્ય ટુ-વ્હીલર
સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કરણને ગંભીર પ્રકારની ઈજા પહોંચતાં તેનું મૃત્યુ
થયું હતું. આ બનાવથી પરિવાર પર આભ તૂટી પડયું હતું અને કરણના મિત્રવર્તુળમાં ગમગીની
છવાઈ હતી. કરણની બુલેટ સાથે અન્ય ટુ-વ્હીલરની ટકક્કર થઈ હતી કે કેમ તે અંગે વિધિવત
વિગતો મળી ન હતી, પરંતુ ટક્કર થયાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. જો કે આ
બનાવની વિગતો જાણવા માંડવી પોલીસનો સંપર્ક સાધતાં તેમનો ફોન નો-રિપ્લાય મળ્યો હતો.
બીજી તરફ ગત તા. 5/2ના
સાંજે ભુજ તાલુકાના મખણાના વાડીવિસ્તારમાંથી બાઈકચાલક હમીરભાઈ અને તેની પાછળ મખણાના
75 વર્ષીય સવાભાઈ ખેતશીભાઈ રબારી બેસીને મખણા આવી રહ્યા
હતા ત્યારે માર્ગ વચ્ચે બાઈક સ્લીપ થતાં સવાભાઈને માથાંમાં ગંભીર પ્રકારની ઈજા પહોંચી
હતી. આથી તેમને પ્રથમ સારવાર ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં અપાયા બાદ આયુષ હોસ્પિટલ
ખસેડાયા હતા. જ્યાં તેમનું ગઈકાલે રાત્રે મૃત્યુ થતાં પોસ્ટમોર્ટમ અર્થે જી.કે. જનરલ
હોસ્પિટલ લઈ અવાયા હતા. અડધી રાત્રે ફરજ પરના તબીબે વિધિવત મૃત ઘોષિત કર્યાની વિગતો
હોસ્પિટલની પોલીસચોકીમાં જાહેર કરાઈ હતી.