નવી દિલ્હી,
તા. 9 : પૂર્વ
સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેનું અપ્રકાશિત પુસ્તક `ફોર
સ્ટાર્સ ઓફ ડેસ્ટિની લીક થવા સામે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હી
પોલીસનાં સ્પેશિયલ સેલે આની એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. દિલ્હી પોલીસે વિવિધ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સમાચાર માધ્યમોમાં ફરતા અહેવાલોનું સંજ્ઞાન લીધું છે
જેમાં દાવો કરવામાં આવ્યો છે કે `ફોર
સ્ટાર્સ ઓફ ડેસ્ટિની' પુસ્તકની પ્રી-પ્રિન્ટ કોપી સાર્વજનિકમાં
ફરતી કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે `પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ' દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પુસ્તકની પીડીએફ નકલ કેટલીક વેબસાઇટ્સ પર ઉપલબ્ધ
છે. ઉપરાંત, કેટલાક ઓનલાઇન માર્કાટિંગ પ્લેટફોર્મ્સે પુસ્તકનું
કવર એવું પ્રદર્શિત કર્યું છે કે જાણે તે વેચાણ માટે ઉપલબ્ધ હોય. દિલ્હી પોલીસના સ્પેશિયલ
સેલ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે સત્તાવાર મંજૂરી વિના
પુસ્તક કેવી રીતે ઓનલાઇન થયું અને શું તેમાં કોઈ સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન હતું.
આ ઘટનાનું કારણ અને તેના માટે જવાબદાર વ્યક્તિઓ શોધવા માટે હાલમાં તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે રાહુલ ગાંધી સંસદ પરિસરમાં પુસ્તકની
નકલ લહેરાવતા જોવા મળ્યા હતા. આ મુદ્દાએ હોબાળો
મચાવ્યો છે, જેના કારણે લોકસભાની કાર્યવાહીમાં વિક્ષેપ પડયો છે
અને ચાલુ બજેટ સત્રના બાકીના સમય માટે આઠ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.