ફરીદાબાદ, તા. 9 : હરિયાણામાં
ફરીદાબાદની જેલમાં 20 વર્ષીય આતંકવાદી અબ્દુલ રહેમાનની
હત્યા કરી દેવાઇ હતી. હત્યાના આરોપમાં કેદ અરુણ ચૌધરી ઉર્ફે અબ્બુ જટ નામના કેદીએ રહેમાન
પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ગુજરાત એટીએસ અને આઇબીની મદદથી રહેમાનની બીજી
માર્ચ, 2025ના દિવસે ધરપકડ
કરાઇ હતી. અબ્દુલ રહેમાને અયોધ્યામાં રામમંદિર પર હુમલો કરવાનો કારસો રચ્યો હતો, જ્યારે પકડાઇ ગયો ત્યારે તેની પાસેથી વિસ્ફોટક સામગ્રી કબજે કરાઇ હતી. રવિવારની
મોડી રાત્રે હત્યા બાદ આજે પોલીસે અબ્દુલ રહેમાનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો
હતો. અબ્બુના ઘાતક રીતે હુમલાથી ગંભીર હદે ઘાયલ રહેમાનને હોસ્પિટલ લઇ જવાયો હતો,
જ્યાં તેને મૃત ઘોષિત કરાયો હતો. નાયબ પોલીસ કમિશનર અશોક વર્માએ કહ્યું
હતું કે, અરુણ ચૌધરી સામે હત્યાનો વધુ એક ગુનો નોંધી તપાસ આદરી
છે. આ મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ તેમજ જેલની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાનો પણ આદેશ
અપાયો છે.