• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

જી-20માં ભારતીય અર્થતંત્ર ટોચે

નવી દિલ્હી, તા. 9 : ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસની ગતિ જી-20 દેશોમાં સૌથી મોખરે રહેશે, તેવો વર્તારો વૈશ્વિક રેટિંગ `મૂડીઝ'ના અહેવાલમાં અપાયો છે. આ અહેવાલ અનુસાર 2026-27ના નાણાવર્ષ દરમ્યાન ભારતનો જીડીપી 6.4 ટકાના દર સાથે આગળ વધવાનું પૂર્વાનુમાન કરાયું છે. રેટિંગ એજન્સીએ કહ્યું હતું કે, દુનિયાની પ્રમુખ અર્થવ્યવસ્થાઓવાળા જી-20 જૂથમાં ભારત ટોચે રહેવા પાછળ મજબૂત ઘરેલુ ખપત, સરકારના નીતિગત ફેંસલા અને દેશની સ્થિર બેંકિંગ પ્રણાલીને મુખ્ય પરિબળો લેખાવ્યા હતા. જો કે, મૂડીઝનું આ અનુમાન ભારત સરકાર અને રિઝર્વ બેન્કના અનુમાન કરતાં થોડું ઓછું છે. વીતેલા મહિના ભારતીય સંસદમાં રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણમાં 6.8થી 7.4 ટકાના વિકાસદરનું અનુમાન કરાયું હતું. એ જ રીતે રિઝર્વ બેન્કે તેની આર્થિક નીતિ સમિતિમાં 2027ના નાણાવર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે સાત ટકા વિકાસદરની આશા વ્યક્ત કરી હતી. મૂડીઝના અહેવાલ મુજબ જીએસટી ઘટાડા અને આવકવેરા મર્યાદા વધારાતાં લોકોના ગજવામાં પૈસા બચશે, જેથી બજારની માંગ વધશે, જેના પગલે ભારતીય અર્થતંત્રને બળ મળશે.

Panchang

dd