કોલંબો, તા.9 : પાકિસ્તાન
ટીમ મંગળવારે અહીં જ્યારે ટી-20 વિશ્વ
કપમાં અમેરિકા સામે મેદાને પડશે ત્યારે 20 મહિના
અગાઉ આ ટીમ સામે મળેલ શરમજનક હારનો હિસાબ ચૂકતે કરવાનું લક્ષ્ય રાખશે. વર્ષ 2024 ટી-20 વર્લ્ડ
કપમાં પદાર્પણ કરતા અમેરિકાએ પાક. વિરુદ્ધ યાદગાર જીત નોંધાવી મોટો ઉલટફેર કર્યો હતો.
વર્તમાન ટૂર્નામેન્ટની પહેલી મેચમાં ભારતના હાથે હાર સહન કરનાર અમેરિકી ટીમ હવે પાકિસ્તાન
સામે વિજયના ઇરાદા સાથે ઉતરશે. કોલંબોમાં મંગળવારે સાંજે 7 વાગ્યે બંને ટીમ વચ્ચે ટક્કર થશે. પાક. ટીમની બેટિંગ-બોલિંગ
સારી સ્થિતિમાં નથી. નેધરલેન્ડ સામે 148 રનના
વિજય લક્ષ્યનો પીછો કરતા પણ પાક. ટીમના પગે પાણી આવી ગયા હતા અને અંતિમ ઓવરમાં જીત
નસીબ થઈ હતી. બીજી તરફ અમેરિકા ટીમે ખિતાબની પ્રબળ દાવેદાર ભારતીય ટીમને દબાણમાં લાવી
દીધી હતી. જો કે ભારતના પ્રભાવશાળી બોલિંગ દેખાવને લીધે 29 રને અમેરિકાએ હાર સહન કરી હતી. પાક. કપ્તાન સલમાન આગાએ
સ્વીકાર્યું છે કે તેના ખેલાડીઓ દબાણની સ્થિતિમાં સારો દેખાવ કેમ કરવું તે શીખવાની
જરૂર છે. અમેરિકી ટીમે વર્લ્ડ કપ અગાઉ શ્રીલંકામાં બે સપ્તાહની શિબિર કરી હતી. આથી
તે અહીંની પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે.