અમેરિકા જેટલી ભૌતિક-આર્થિક સમૃદ્ધિ હજુ ભારતે ભલે
નથી મેળવી, પણ વૈચારિક સમૃદ્ધિ અને
ખાસ કરીને સૌને સાથે લઈને આગળ વધવાની વસુધૈવ કુટુંબકમ્ની ભાવના હિન્દુસ્તાનને દુનિયામાં
મુઠ્ઠીઊંચેરું સ્થાન આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની મલેશિયા યાત્રાથી
બન્ને દેશના દ્વિપક્ષીય સંબંધ સુદૃઢ થયા છે. મોદી અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહીમ
વચ્ચેની શિખર બેઠકમાં ત્રણ મુદ્દા પર સહમતી રચાઈ, ઉપરાંત અગત્યનાં
ક્ષેત્રોમાં કરાર થયા છે, જેમાં ઓડિયો વિઝ્યુઅલ સહઉત્પાદન,
આપત્તિ વ્યવસ્થાપનમાં સહયોગ, ભ્રષ્ટાચાર વિરોધક
કરાર, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષામાં સહયોગ, સેમિકંડક્ટર ક્ષેત્રે સમજૂતી રચવા માટે એમઓયુ વગેરેનો સમાવેશ થાય છે. વિશ્વ
અત્યારે આતંકવાદના ગંભીર રૂપનો સામનો કરી રહ્યું છે. મધ્ય-પૂર્વ અને યુરોપ પ્રલંબિત
યુદ્ધથી ગ્રસ્ત છે. એવામાં જુદા-જુદા દશો વચ્ચેની એક્તા મહત્ત્વની છે. મલેશિયા ભારતનું
સમુદ્રી પાડોશી છે અને આસિયાન સંગઠનનું મહત્ત્વનું સભ્ય છે. ભારતના પૂર્વાભિમુખ નવી
નીતિ અંતર્ગત પણ તેની ભૂમિકા નોંધનીય કહી શકાય. થોડા સમય પહેલાં મલેશિયા પાકિસ્તાનના
રવાડે ચડયું હતું. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનાં વલણનું સમર્થન કરતાં ભારતે લાલઆંખ કરવી
પડી. નવી દિલ્હીએ નાળિયેર તેલની આયાત સાવ ઘટાડી નાખવા જેવો સામાન્ય નિર્ણય લીધો ને
મલેશિયાનું અર્થતંત્ર પ્રભાવિત થયું. ભારત આજે એક વિશાળ અર્થતંત્ર છે અને સૌથી વધુ
વસ્તી ધરાવતો દેશ હોવાના લીધે અહીં ગ્રાહક બજાર ખૂબ મોટી છે. ભારતીય ઉપભોક્તા બજારની
વધતી ખરીદશક્તિને લીધે પણ વિકાસશીલ દેશો આકર્ષાઈ રહ્યા છે. ભારતને તેના પાડોશીઓની નકારાત્મક
ગરજનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાન સાથે કોઈ જાતના સંબંધો જ નથી, છતાં જુદા-જુદા દેશ સાથે નવી દિલ્હીના વ્યવહાર પર ક્યાંક ને ક્યાંક નાપાક અસર
વર્તાયા વિના રહેતી નથી. ભારતે 1971નાં
યુદ્ધમાં જેને સ્વતંત્રતા અપાવી એ બાંગલાદેશ આપણે દુશ્મન હોઈએ એ રીતે વર્તી રહ્યું
છે. અલબત્ત પાક પોતે કંગાળ હાલતમાં છે અને તુર્કી સિવાય કોઈ દેશ તેને દાદ આપતો નથી.
મલેશિયા પાકના ઓછાયામાંથી ખૂબ ઝડપથી બહાર આવી ગયું એ તેના માટે ફાયદાકારક છે. મોદી
મુલાકાત લે એ ઘટના દુનિયાને સ્પષ્ટ સંદેશ છે. મલેશિયામાં ભારતીયોની સંખ્યા મોટી છે, કવાલાલંપુરમાં હજારો ભારતીય સમુદાયના લોકો વડાપ્રધાનને સત્કારવા આવ્યા હતા.
મોદીએ ભારતના આતંકવાદ પર કોઈ બેવડાં ધોરણ નથી એમ કહીને પાકને પરોક્ષ જાંસો આપ્યો છે
કે, કોઈ ઊંબાડિયું થશે તો ઓપરેશન સિંદૂરની સ્વિચ ઓન કરવામાં વાર
નહીં લાગે. ભારત-મલેશિયાએ આતંકવાદ સામે સાથે મળીને લડવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
મોદીની આ મુલાકાત મલેશિયાને આર્થિક-વૈચારિક સ્થિરતા પ્રદાન કરશે, સાથે ભારતને પણ ફાયદો થશે. બન્ને રાષ્ટ્રનો વેપાર તો વૃદ્ધિ પામશે,
સાથે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સહયોગે વધશે. કોઈ દેશ ગમે તેટલો સમૃદ્ધ
કે સશક્ત હોય, `વૈશ્વિક
ગામડું'ની અવધારણામાં બધાના સાથ-સહકારની જરૂર પડે છે, કોઈ એક દેશ પોતાની જરૂરત પૂરી કરી શકે તેમ નથી. મોદીની મલેશિયા યાત્રા આપણી
વિચારશીલતા અને રાજદ્વારીનું પ્રમાણ છે.