• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

ગ્રામીણ વિસ્તારમાં દેશી ચૂલા, બળતણ હજુ અડીખમ

કોટડા (ચકાર), તા. 9 :  આધુનિકતા અને ઝડપી જીવનશૈલીના દબાણ વચ્ચે ગેસ સ્ટવ અને ઇલેક્ટ્રિક ચુલાનો વ્યાપ સતત વધી રહ્યો છે, ત્યારે પણ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં દેશી ચૂલાની પરંપરા આજે પણ અડીખમ રીતે જીવંત જોવા મળે છે. કોટડા ચકાર, કુકમા તથા આસપાસના વિસ્તારોમાં શ્રમજીવી અને ગ્રામ્ય મહિલાઓ છાણ અને માટીથી લિંપીને તૈયાર કરાયેલા દેશી ચૂલાઓ પર રસોઈ બનાવવાની જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારોમાં દેશી ચૂલા પર ખિચડી, રોટલા કે અન્ય પરંપરાગત વાનગીઓ સ્વાદિષ્ટ બનતી હોવાથી મહિલાઓ ગેસ કે ઇલેક્ટ્રિક ચૂલાની બદલે માટીના ચૂલાને વધુ મહત્ત્વ આપે છે. ઉપરાંત આરોગ્ય માટે પણ લાભદાયી હોવાનું ગ્રામ્ય મહિલાઓનું માનવું છે. ગેસ યોજના બાદ ગામડાંઓમાં ગેસ ચૂલા સામાન્ય બન્યા છે, તેમ છતાં જીવનના ત્રણ દાયકાથી વધુ સમય વિતાવી ચૂકેલાં એક કુંભાર મહિલાએ જણાવ્યું હતું કે અગાઉ માથે કે ખભે લાકડાંના ભારા સાથે પગપાળા ઘરે પરત ફરતી મહિલાઓનું દ્રશ્ય અવિભાજ્ય ભાગ હતો. આ લાકડાંને જ છાણ અને માટીથી તૈયાર કરાયેલા દેશી ચૂલાઓ સળગાવવા ઉપયોગમાં લેવાતા. બીજી તરફ હાલના સમયમાં માટી શોધવી, વગડામાં મળવી મુશ્કેલ બની છે તેવું આ કામગીરી સાથે જોડાયેલા કારીગરોએ જણાવ્યું છે. ખુલ્લી જમીન પર બેસી ને એક કારીગર કુંભાર મહિલા માટી અને છાણ ગુંથીને પોતાના હાથથી દેશી ચૂલાઓ તૈયાર કરે છે. સમયની સાથે માટીકામ કરતા કારીગરોની સંખ્યા ઘટી રહી છે, છતાં કેટલીક મહિલાઓ આજે પણ પરંપરાગત કલાને જીવંત રાખી ચૂલા બનાવવાનું કામ કરી રહી છે. દેશી ચૂલો ગરીબ અને મધ્યમ વર્ગ માટે સરળ અને સસ્તું સાધન છે, જે રૂા. 80થી 100ની કિંમતે ઉપલબ્ધ થાય છે. ખાસ કરીને શિયાળાની શરૂઆત સાથે તેની માંગમાં વધારો થાય છે તેવુ જણાવ્યું હતું. આજે પણ ભુજ પંથકના અને જિલ્લાના  કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આવા દ્રશ્યો જોવા મળે છે, જ્યાં મહિલાઓ લાકડાં ભેગાં કરવાથી લઈને ચૂલો સળગાવવાની સમગ્ર પ્રક્રિયા મહેનત, સહનશીલતા અને આત્મનિર્ભરતાનું પ્રતાબિંબ છે.

Panchang

dd