• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

ભારાપરની કંપનીમાં ચોથા માળેથી પટકાતા શ્રમિકે જીવ ખોયો

ગાંધીધામ / ભુજ, તા. 9 : તાલુકાના ભારાપર ખાતે આવેલી કંપનીમાં ચોથા માળેથી નીચે પટકાતા તાહીર સલીમમિયાં અલી (ઉ.વ. 24) નામના યુવાને જીવ ખોયો હતો. બીજી બાજુ આદિપુરમાં મુકેશ સીધાભાઈ ઠાકોર (ઉ.વ. 26) તેમજ ગાંધીધામમાં ભરત નારણદાસ મારાજ (ઉ.વ. 25) નામના યુવાને તથા માધાપરના ગોકુલધામમાં 35 વર્ષીય યુવાન પ્રેમભાઈ નારાણભાઈ મહેશ્વરીએ ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા. જયારે બળદિયામાં 69 વર્ષીય વડીલ ગોપાલભાઈ લાલજીભાઈ પટેલ ખાટલા ઉપરથી પડી જતા મૃત્યું થયું હતું. જયારે ભુજની જી.આઈ.ડી.સી.માં 17 વર્ષીય યુવક જીતેશ રાજી કોળીનું મોત થયું હતું  ગાંધીધામમાં ગણેશનગર નજીક રહેનાર તાહીર નામનો યુવાન ભારાપર સ્થિત સાલ કંપનીમાં કામ કરતો હતો. તે ગઈકાલે સવારે કંપનીના ફેરો પ્લાન્ટમાં હતો દરમ્યાન ત્રીજા-ચોથા માળેથી અકસ્માતે નીચે પટકાતા તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ઘવાયેલી હાલતમાં તેને સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. શ્રમિકના મોતને પગલે કચ્છમાં ફરીથી શ્રમિકોની સુરક્ષાનો મુદ્દો સપાટી ઉપર આવ્યો હતો. બીજી તરફ આદિપુરના વોર્ડ-3-એમાં રહેનાર મુકેશ ઠાકોર નામના યુવાને ગઈકાલે અંતિમ પગલું ભરી લીધું હતેં. પ્લોટ નંબર 165માં ઓરડીમાં રહેનાર આ યુવાન ઓરડીમાં હતો દરમ્યાન અકળ કારણે તેવો પંખામાં ઈત્રીનું વાયર બાંધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. તેમજ અપમૃત્યુનો વધુ એક બનાવ ગાંધીધામના ગણેશનગર નજીક કંડલા વાવાઝોડા કેમ્પ શેડ નંબર 11માં બન્યો હતો અહીં રહેનાર ભરત મારાજ નામનો યુવાન ગઈકાલે સવારે પોતાના ઘરે હતો દરમ્યાન તેવો કોઈ કારણોસર બાથરૂમમાં જઈ સાડી વડે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. આ બંને બનાવોમાં બનાવ પાછળનું કારણ જાણવા સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. દરમ્યાન માધાપર નવાવાસ ગોકુલધામમાં રહેતા 35 વર્ષીય યુવાન પ્રેમભાઈ નારણભાઈ મહેશ્વરીએ ગઈકાલે બપોરે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. જયારે ભુજ તાલુકાના બળદિયા ગામે રહેતા 69 વર્ષીય વડીલ ગોપાલભાઈ લાલજીભાઈ પટેલ ગઈકાલે રાતે પોતાના ઘરે ખાટલા ઉપર સુતા હતા અને રાતે 11 વાગ્યાના અરસામાં ખાટલા પરથી નીચે પડી જતા તેના પુત્ર ગિરીશભાઈ તેને સારવાર ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઈ આવતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. આ બનાવ અંગે હોસ્પિલની પોલીસ ચોકીમાં વિગતો જાહેર કરાઈ હતી અને માનકુવા પોલીસને જાણ કરાઈ છે. બીજી તરફ ભુજના જીઆઈડીસીમાં શિવાલય મીલમાં રહેતો 17 વર્ષીય યુવક જીતેશ રામજી કોલી આજે સવારે બેશુદ્ધ હાલતમાં મળતા તેનો ભાઈ નાનજી તેને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાવી હતકી. પ્રાથમિક તપાસમાં કોઈ ઝેરી દવા-પદાર્થ પીવાથી તેનું મોત થયાની વિગતો સામે આવી હોવાનું સંબંધિતોમાં ચર્ચાયું હતું. જો કે મૃત્યુ પાછળના કારણો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Panchang

dd