ભુજ, તા. 9 : કચ્છ
કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિકાસશીલ તાલુકાઓ રાપર અને લખપત
માટે `સંપૂર્ણતા અભિયાન 2.0' ના અમલીકરણ અંગે બેઠક યોજાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા આ તાલુકાને એસ્પિરેશનલ તાલુકાની કેટેગરીમાં આવરી લેવાતા
28 જાન્યુઆરીથી આ 14 એપ્રિલ સુધી બંને તાલુકામાં 06 ઈન્ડીકેટર્સ
સાથે વિકાસ માટે યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે. બેઠકના
પ્રારંભે શ્રી પટેલે ગત વર્ષના `સંપૂર્ણતા અભિયાન 1.0'માં
રાજ્યકક્ષાએ ગોલ્ડમેડલ પ્રાપ્ત કરવા બદલ ટીમ કચ્છને અભિનંદન પાઠવ્યા હતા. આ વર્ષે
પણ નાગરિકોના હિતમાં નવા ઈન્ડીકેટર્સમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરીને
વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી હતી. નવા લક્ષ્યાંકો માટે એક્શન પ્લાન તૈયાર કરવા, સૂચારૂ પ્લાનિંગ કરવા
અને સમયાંતરે રિવ્યૂ કરવા પર ભાર મૂક્યો હતો. બીજા ફેઝમાં કરવાની કામગીરીનું યોગ્ય
રિપોર્ટિંગ થાય આ અંગે બંને તાલુકામાં પ્રાંત અધિકારીને જિલ્લા આયોજન અધિકારી
જિતેન્દ્ર રાવલે જણાવ્યું હતું કે, ટીમ વર્કથી કોઈપણ
પ્રકારના લક્ષ્યાંકોને હાંસલ કરી શકાય છે તેમ જણાવી બંને તાલુકામાં ગ્રાઉન્ડ પર
જઈને ખુટતી કડીઓ શોધીને તેને પૂર્ણ કરવા સૂચન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના નીતિ આયોગ દ્વારા દેશમાં 513 એસ્પિરેશનલ
તાલુકાની પસંદગી કરવામાં આવી છે. જેમાં કચ્છમાંથી રાપર અને લખપત તાલુકાને આવરી લેવાયા
છે. આ અભિયાનનો બીજો તબક્કો 28મી જાન્યુઆરી 2026થી 14મી
એપ્રિલ 2026 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન 6 નવા
સૂચકાંકોને નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 6 મહિના થી 6 વર્ષના
બાળકોને નિયમિત પૂરક પોષણ આપવું. આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના પ્રવેશને પ્રાધાન્ય, આંગણવાડીઓમાં તથા
શાળાઓમાં શૌચાલય અને પીવાના પાણીની સુવિધા અને પશુઓમાં એફ.એમ.ડી. રસીકરણની
કામગીરીનો સમાવેશ થાય છે. 100 ટકા કામગીરી થાય તે માટે પ્લાન
તૈયાર કરી અમલીકરણ કરાશે તેવું જણાવ્યું હતું. એક્શન પ્લાનના માધ્યમથી તાલુકાના
નાગરિકોને મહત્તમ યોજનાઓનો લાભ પહોંચે તાલુકાઓમાં આયોજન, અમલીકરણ, ક્ષમતાઓનું નિર્માણ અને સેવાઓ ઉપલબ્ધ થાય એ પ્રકારે વિકાસલક્ષી રણનીતિ
તૈયાર કરાઈ હોવાનું ઉમેર્યું હતું. આ બેઠકમાં મદદનીશ કલેક્ટર અને નખત્રાણા પ્રાંત
અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ, ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિ ગોહેલ,
નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિજયા પ્રજાપતિ, આંગણવાડી
પ્રોગ્રામ ઓફિસર દશરથ પંડ્યા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
પૃથ્વીરાજાસિંહ ઝાલા, સંશોધન મદદનીશ બિનલબેન સુથાર વિ.
ઉપસ્થિત રહ્યા હતા.