• ગુરુવાર, 01 મે, 2025

આં.રાષ્ટ્રીય વિમાન સેવા કચ્છની જરૂરિયાત

વૈશાખની આગઝરતી ગરમી વચ્ચે વિમાન મુસાફરી કરનારાઓ માટે રાહતરૂપ વાદળી વરસી છે, ઇન્ડિયન એરલાઇન્સે ભુજ-મુંબઇ વચ્ચે 10મી મેથી બપોરની દૈનિક સેવા શરૂ કરવાની જાહેરાત કરતાં આનંદની લાગણી ફરી વળી છે. મુંબઇ અને કચ્છને સાંકળતું આ રોજનું ચોથું વિમાન થશે. કચ્છમિત્રએ કચ્છને પૂરતી વિમાન સેવા, ટિકિટ ભાવમાં શોષણ રોકવા તેમજ અખાતને જોડતી આંતરરાષ્ટ્રીય વિમાન સેવા માટે સમયાંતરે પ્રશ્ન વિવિધસ્તરે ઉઠાવ્યો છે. સાંસદ ઉપરાંત કચ્છ ગ્લોબલ ફેડરેશન, ફોકીઆ, ભુજ અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી પણ સઘન રજૂઆતો થતી રહી છે. એર ઇન્ડિયાનું મુંબઇ-ભુજ બપોરનું વિમાન આ સહિયારા પ્રયાસોનું પરિણામ છે. એક જમાનો હતો જ્યારે ભુજ-મુંબઇ વચ્ચે ઇન્ડિયન એરલાઇન્સનું એકમાત્ર વિમાન આવતું. વાયુ સેના હસ્તકના એરપોર્ટમાં સલામતીના કડક ધોરણોનું પાલન કરવું પડતું. 2001ના ધરતીકંપ બાદ અપાર ઔદ્યોગિક વિકાસ થતાં કચ્છ રાષ્ટ્રીય અને વિશ્વ ફલક પર મહત્ત્વપૂર્ણ સ્થાન બની ગયું છે. પ્રવાસનના નકશામાંય કચ્છ હવે હોટસ્પોટ છે. વળી વિમાન સેવા હવે માત્ર લકઝરી (વૈભવશાળી પરિવહન) ન રહેતાં જરૂરિયાતનું સાધન બની ગયું છે, મધ્યમ વર્ગ પણ વિમાનયાત્રાનો સહપરિવાર આનંદ ઉઠાવતો થયો છે. વિમાન સેવા માટે સંભાવના વધી, ખપત વધી છતાં તેનો ફાયદો કચ્છને જોઇએ તેવો નથી મળ્યો. કચ્છમાં અત્યારે ભુજ અને કંડલા (અંજાર તાલુકાની સીમમાં આવતું એરોડ્રોમ) એમ બે હવાઇ પટ્ટી છે. કંડલામાં હવાઇ પટ્ટી નાની હોવાથી મોટી ક્ષમતાનાં વિમાનનું ઊતરાણ કે ચઢાણ થઇ શકતું નથી. મુંબઇ, ભુજ અને દિલ્હીનાં વિમાન ભાડાં આકાશને આંબતાં હોય છે. યુરોપ અને પશ્ચિમના દેશો તથા આફ્રિકાથી હજારો કચ્છી એનઆરઆઇનું આવાગમન થતું હોય છે. અખાત (ગલ્ફ) દેશોમાંય લાખો કચ્છી કામકાજ અર્થે વસે છે કે ત્યાં હંમેશ માટે સ્થાયી થયા છે. માદરે વતન સાથેના લગાવને લીધે તેઓ  વરસમાં એક-બે કે વધુવાર કચ્છ તરફ મીટ માંડતા હોય છે. આમ વિમાન સેવાની ભારે ડિમાન્ડ રહેતી હોવાથી વિમાની કંપનીઓ મજબૂરીનો ફાયદો ઉઠાવતાં હજારોમાં ભાડાં વસૂલતી રહી છે એનો કચ્છીઓને ભારોભાર રોષ છે. હવે મુંબઇ સાથેની કનેક્ટિવિટી વધતાં પ્રવાસીઓને રાહત થવાની આશા છે. ટિકિટ ભાડાં કાબૂમાં રહેશે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, એનઆરઆઇ માટે સુગમતા વધી છે. અહીં એ નોંધનીય છે કે, યુ.કે., આફ્રિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશો ઉપરાંત અખાતી દેશોમાં હજારો-કચ્છી -ગુજરાતી પરિવાર વસે છે. એનઆરઆઇ ત્યાં કમાણી કરીને નાણું કચ્છમાં ઠાલવતા હોય છે. ચોવીસીનાં ગામોની બેન્કોમાં અને પોસ્ટ ઓફિસોમાં મબલખ થાપણો પડી છે. દેશને વિદેશી હૂંડિયામણમાં ફાયદો થઇ રહ્યો છે. એ નાણું વિકાસ કામોમાં વપરાય છે. પૂરતી વિમાન સેવાના અભાવે એનઆરઆઇની નવી પેઢી કચ્છ આવવા તૈયાર નથી થતી. એ રીતે વતન, ધર્મ, સમાજ અને સંસ્કૃતિ સાથેનું તેમનું જોડાણ હંમેશ માટે તૂટી જવાનો ભય તોળાઇ રહ્યો છે. કચ્છમિત્રએ યોજેલી એનઆરઆઇ મીટમાં આવી વાતો બહાર આવી હતી. એટલે જ કચ્છના અને દેશના વિકાસમાં યોગદાન આપી રહેલા બિનરહીશ ભારતીયોની તકલીફ, તેમની ભાવનાનું સન્માન થવું જોઇએ. એર ઇન્ડિયાના ભુજ-મુંબઇ વચ્ચેના બપોરનાં વિમાનથી આવાગમન માટે બહુ સારો વિકલ્પ મળ્યો છે. એ માટે રજૂઆતકર્તા સૌ કોઇને અભિનંદન ઘટે છે. કચ્છનું હવે પછીનું લક્ષ્ય છે આંતરરાષ્ટ્રીય વિમાનમથક મળવું અને એ માંગ સંતોષાય નહીં ત્યાં સુધી ઓમાન-ગુજરાત વચ્ચે સીધી વિમાન સેવા ચાલુ કરવામાં આવે એ વિશેષ જરૂરી છે. મસ્કતથી કચ્છી-ગુજરાતીઓને વતન આવવા માટે મુંબઇ કે હૈદરાબાદ કે દિલ્હીના રૂટ લેવા પડે છે જે આર્થિક રીતે અને સમયની દૃષ્ટિએ ખર્ચાળ પુરવાર થાય છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સંસદમાં કચ્છને આંતરરાષ્ટ્રીય વિમાન સેવાની ઉપલબ્ધતાનો મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે, ભુજ એરપોર્ટ પાસે એ માટેની તમામ ક્ષમતા છે. લાંબો રનવે અને પૂરતો વિસ્તાર છે. વિમાન મથકને કસ્ટમ-ઇમિગ્રેશનની સુવિધા અપાય તો આંતરરાષ્ટ્રીય વિમાન સેવા મુશ્કેલ નથી. આ સુવિધા માત્ર પ્રવાસી જ નહીં કાર્ગો હેરફેર-બાગાયત પેદાશો વિદેશ પહોંચાડવાના દૃષ્ટિકોણથી પણ ઉપયોગી નીવડી શકે છે. અહીં એ નોંધનીય છે કે, ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ફોકીઆ) દ્વારા પણ પૂર્વ કચ્છમાં ગ્રીન ફિલ્ડ અદ્યતન એરપોર્ટના પ્રયાસો થઇ રહ્યા છે. ફોકીઆની સત્તાવાર માહિતી પ્રમાણે કંડલા નજીક રાત્રિ લેન્ડિંગ સહિતની સુવિધા સાથે અદ્યતન એરપોર્ટનું નિર્માણ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ)એ 600 એકર જમીનની જરૂરિયાત દર્શાવી છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ જમીન પૂરી પાડવા તૈયારી દર્શાવી છે. કચ્છનો જે રીતે વિકાસ થઇ રહ્યો છે એ જોતાં બીજું મોટું એરપોર્ટ ઉપયોગી બનશે. કંડલા બંદરથી 25-30 કિ.મી. દૂરના વિસ્તારમાં એરપોર્ટ માટે બે-ત્રણ જમીન તારવવામાં આવી છે એ ડીપીટી જમીન નિ:શુલ્ક પૂરી પાડે તો એરપોર્ટ ઓથોરિટી આખા પ્રોજેક્ટ માટે સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવા તૈયાર છે એમ `ફોકીઆ'ના સૂત્રો જણાવે છે. નવું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ મળશે તો કચ્છને જબ્બર ફાયદો થશે. કહેવાનું તાત્પર્ય એ છે કે, કચ્છનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે, એને ધ્યાનમાં રાખીને વિમાન સેવા તથા એરપોર્ટ સુવિધા ઉચ્ચસ્તરની બનાવવાની જરૂર થશે. એર ઇન્ડિયાની મુંબઇ-ભુજ બપોરની સેવા શરૂ થવાથી એલાયન્સ એરનું વિમાન બંધ ન થઇ જાય એ પણ જોવું રહ્યું. ગાંધીધામની દિલ્હી સેવા ઘણા સમયથી બંધ છે. ભુજ-અમદાવાદ વિમાન સેવાનો કરાર પૂરો થવામાં છે. કચ્છની હવાઇ સુવિધા સતત વધવી જોઇએ, ઘટે નહીં એ માટે સૌએ તકેદારી રાખવી રહી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd