આઇસીસી આયોજિત ચેમ્પિયન્સ
ટ્રોફી ક્રિકેટ સ્પર્ધા માટે નાપાક પડોશમાં ટીમ મોકલવાના ભારત સરકારના ઇન્કારથી ધૂંધવાયેલું
પાકિસ્તાન ઊંચું-નીચું થઇ રહ્યું છે. આગામી બધી સ્પર્ધા હાઇબ્રિડ મોડેલ પર જ રાખવાનો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ?કાઉન્સિલ સમક્ષ આગ્રહ રાખી રહ્યું છે. પાક ક્રિકેટ?બોર્ડની દલીલ
એ છે કે, પાકિસ્તાની ટીમ ભારત રમવા જાય છે, તો ટીમ ઇન્ડિયા તેમને ત્યાં કેમ ન આવે
? આ પ્રશ્નનો જવાબ પાકિસ્તાનને ઇમરાન ખાન તરફી દેખાવો અને દેખાવકારો પર દમનની કાર્યવાહીમાંથી
મળી ગયો છે. પાકિસ્તાન અરાજકતાથી સળગી રહ્યું છે. કોઇની સલામતીની ગેરંટી નથી. બોંબ
ધડાકા, જીવલેણ હુમલા સાહજિક વાત છે.. ભારતના દુશ્મન એવા મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ બેરોકટોક
ફરી રહ્યા છે, એવામાં સુરક્ષાની કોઇ?ગેરંટી જ નથી. ચોમેર અનિશ્ચિતતા વ્યાપી છે. આખો
દેશ ગભરાયેલો છે કે, આવનારાં અઠવાડિયાં કે મહિનામાં ન જાણે શું થશે? રાજધાની ઇસ્લામાબાદને
છાવણીમાં પરિવર્તિત કરી દેવું અને શૂટ એટ સાઈટના ઓર્ડર દેખાડે છે કે, પરિસ્થિતિ હાથની
બહાર જઈ રહી છે. બીમારી જૂની છે, પાકિસ્તાન સેનાની પોલિટિકલ સિસ્ટમ અને સરકારને પોતાના
ઈશારા પર નચાવવાની પરંપરા. પાકિસ્તાનમાં ઈમરાન ખાનના રાજકીય પક્ષ પીટીઆઈના સમર્થક માને
છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન સાથે દગો થયો છે. પહેલાં તો 2020માં અવિશ્વાસ દરખાસ્ત
દ્વારા તેમને હટાવવામાં આવ્યા, પછી તેમના પર સાચા-ખોટા સેંકડો કેસ લગાડી તેમને જેલમાં
નાખવામાં આવ્યા અને પક્ષને ચૂંટણી લડવા દેવાઈ નહોતી. ઈમરાન ખાનનો આક્ષેપ છે કે, સેનાને
ઈશારે જનમતની લૂંટ થઈ રહી છે. જે પ્રકારનું જનસમર્થન તેમને મળી રહ્યું છે, તેનાથી સ્પષ્ટ
થાય છે કે, જનતા પણ દેશમાં જે ચાલી રહ્યું છે, એનાથી સંતુષ્ટ નથી. કેટલાંક પ્રસાર માધ્યમોનો
દાવો છે કે, ઈસ્લામાબાદમાં સુરક્ષા કર્મચારીઓએ ભીડ પર ગોળીબાર કર્યો છે, જેમાં મોટી
સંખ્યામાં લોકોના જીવ ગયા છે. માનવ અધિકાર સંસ્થા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ અને અમેરિકાએ
પણ પાકિસ્તાનમાં માનવાધિકાર ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરી છે. શક્તિનો ઉપયોગ કરીને
પાકિસ્તાને હાલ ભલે દેખાવો અને લોકપ્રદર્શનો રોકી દીધાં હોય, પણ આ કાયમી ઉકેલ નથી.
ઈમરાન ખાન સેનાની નજરોમાંથી ઊતરી ગયા, ત્યાર પછી આ પ્રકારની સ્થિતિ વારંવાર ઊભી થઈ છે. પાકિસ્તાનના નાણાપ્રધાન મોહમ્મદ ઔરંગઝેબના
જણાવ્યા પ્રમાણે વિરોધ-દેખાવોનાં કારણે રોજ આશરે 518 મિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું
છે. જે દેશ કરજના સહારે જ ચાલી રહ્યો હોય, તેના માટે આ રકમ ખૂબ મોટી છે. ઇન્ટરનેશનલ
મોનિટરિંગ ફંડે ઇસ્લામાબાદને સાત મિલિયન ડોલરની નવી લોનનું આશ્વાસન આપ્યું છે, પણ સાથે
જ આકરી આર્થિક સુધારની શરતો પણ મૂકી છે. સરકાર સામે પડકારો અનેક છે. પહેલાંથી જ મોંઘવારીથી
ત્રાહિમામ પોકારી ગયેલી જનતા પર વધુ બોજો કેવી રીતે લાદવો અને રાજકીય અસ્થિરતા હવે
આ મુશ્કેલીઓ ઓર વધારી મૂકશે. સરકાર માટે દુકાળ અને તેમાં અધિક માસ જેવું થયું છે. સરકાર
અને સેનાની સાંઠગાંઠને કારણે પાકિસ્તાનની જનતા સામે મૂળભૂત સુવિધાઓની સમસ્યાઓ છે. પ્રજામાં
અસંતોષ વધી રહ્યો છે અને આ જ કારણે હવે સીધા ટકરાવના માર્ગે આગળ વધી રહી છે. આ સ્થિતિ
પાકિસ્તાનનાં હિતમાં બિલકુલ નથી. પાકિસ્તાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. હવે જોવાનું
એ રહે છે કે, ઈમરાન ખાન તર્કસંગત માર્ગ અપનાવે છે કે સરકાર પર દબાણ બનાવવા માટે વિપક્ષો
સાથે મંત્રણા કરે છે. કેમ કે, આ પ્રકારનાં પ્રદર્શનોને કારણે જો પરિસ્થિતિ હાથમાંથી
બહાર ગઈ, તો ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાતાં વાર નહીં લાગે. જો કે, એક વાત નક્કી છે
કે, દોષપૂર્ણ નિવેદનબાજી છતાં જેલમાં બંધ ઈમરાન ખાન હાલ પાકિસ્તાનના સૌથી શક્તિશાળી
નેતા જણાય છે.