• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

કેનેડા સામે દ. આફ્રિકાનો 57 રને સંગીન વિજય

અમદાવાદ તા. 9 : ટી-20 વિશ્વ કપની વર્તમાન ઉપવિજેતા ટીમ દ. આફ્રિકાનો બિન અનુભવી કેનેડા ટીમ સામે પ7 રને વિજય થયો હતો. દ. આફ્રિકાના 4 વિકેટે 213 રનના જવાબમાં કેનેડાના 20 ઓવરમાં 8 વિકેટે 16 રન થયા હતા. કેનેડા તરફથી ભારતીય મૂળના ખેલાડી નવનીત ધાલીવાલે 49 દડામાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાથી 64 રનની આકર્ષક ઈનિંગ રમી હતી. જયારે હર્ષ ઠાકરે 33 રનનું યોગદાન આપ્યું હતું. કપ્તાન દિલપ્રિત સિંઘ ગોલ્ડન ડક થયો હતો. તે ઇનિંગના પહેલા દડે જ આઉટ થયો હતો. આફ્રિકા તરફથી લૂંગી એનડિગીએ 4 અને માર્કો યાનસને 2 વિકેટ લીધી હતી. અગાઉ દ. આફ્રિકાએ કેનેડાની નબળી બોલિંગ-ફિલ્ડીંગનો ફાયદો ઉઠાવીને 20 ઓવરમાં 4 વિકેટે 213 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. આફ્રિકાની શરૂઆત સંગીન રહી હતી. કપ્તાન એડન માર્કરમ અને કિવંટન ડિકોક વચ્ચે પહેલી વિકેટમાં 41 દડામાં 70 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. ડિકોક 22 દડામાં 2 ચોક્કાથી 2પ રને અને કપ્તાન માર્કરમ 32 દડામાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાથી આક્રમક પ9 રને આઉટ થયા હતા. રિયાન રિકલટને 21 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી 33 રનનું યોગદાન આપ્યું હતું. પાવર હિટર ડેવાલ્ડ બ્રેવિસ ફકત 6 રને આઉટ થયો હતો. ઇજા બાદ વાપસી કરનાર અનુભવી ડેવિડ મિલરે 23 દડામાં 1 ચોગ્ગા-3 છગ્ગાથી 39 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના અને ટ્રિસ્ટન સ્ટબ્સ વચ્ચે પાંચમી વિકેટની અતૂટ ભાગીદારીમાં 39 દડામાં 7પ રનનો ઉમેરો થયો હતો. સ્ટબ્સે 19 દડામાં અણનમ 34 રન કર્યાં હતા. કેનેડા તરફથી અંશ પટેલને 3 વિકેટ મળી હતી.

Panchang

dd