દયાપર (તા. લખપત), તા. 28 : લખપત તાલુકામાં
અનિયમિત વીજ પુરવઠાથી વીજ ઉપકરણોને નુકસાન થઇ રહ્યું છે ત્યારે ત્રસ્ત ખેડૂતોએ આજે
પી.જી.વી.સી.એલ.ની કચેરીમાં આવેદનપત્ર આપી સૂત્રોચ્ચાર કર્યો હતો. ભારતીય કિસાન સંઘની
આગેવાની હેઠળ ખેડૂતોએ કહ્યું હતું કે, 30 વર્ષ જૂની વીજ લાઇનો છે. છેલ્લા
એક વર્ષમાં ખેતીવિષયક ફીડરો વારંવાર બંધ થઇ જાય છે. મોન્સૂન કામગીરી કરાઇ નથી. અધિકારીઓના
ફોન બંધ આવે છે. બળી ગયેલા ટ્રાન્સફોર્મર જલ્દી બદલાતાં નથી તેથી ખેડૂતોને નુકસાન વેઠવું
પડે છે. બધા જરૂરી કાગળો આપી દીધા પછી પણ નવાં જોડાણના કોલ લેટર મળતા નથી અને જે રદ
થયા છે તેની સિક્યુરિટી ડિપોઝિટ પરત નથી મળતી. અહીં કચેરીમાં રજૂઆતો કરવા આવ્યા છીએ
તો અધિકારી હાજર નથી. અનિયમિત વીજ પુરવઠાની ફરિયાદ ક્યાં કરવી તેવા પ્રશ્નો સાથે ખેડૂતોએ
સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું હતું. રમેશભાઇ પારસિયા, બાબુભાઇ પટેલ, કિશોરભાઇ
સાંખલા, વીરેન્દ્રભાઇ રૂડાણી, ગ્રામ સમિતિના
પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.