ભુજ, તા. 28 : કચ્છ-બૃહદ કચ્છમાંથી જ્યાં
દરરોજ મોટી સંખ્યામાં ખરીદારો ઊમટતા હોય છે તેવી ભુજ શહેરની વાણિયાવાડ બજારના વેપારીઓ
લાંબા સમયથી જર્જરિત માર્ગ અને ઊભરાતી ગટરનાં પાણીથી પરેશાન બન્યા છે. ભુજની મુખ્ય
બજાર વાણિયાવાડ ખાતે ગટરનાં પાણી મોટી માત્રામાં ઊભરાઈને માર્ગો પર ફરી વળતાં અહીં
ખરીદી અર્થે આવતા ગ્રાહકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડતો હોવાની વ્યાપક ફરિયાદો
ઊઠી છે. ખાસ કરીને દેશ-વિદેશથી આવતા ગ્રાહકો શહેરની ખોટી છાપ લઈને જાય છે. આ ઉપરાંત
બજારના માર્ગો પણ સમયાંતરે જર્જરિત બની જાય છે. એક તરફ ગટરનાં દૂષિત પાણી તેમજ બીજીતરફ
ખાડાવાળા માર્ગથી પસાર થનારા ગ્રાહકો-વાહનચાલકો તોબા પોકારી ઊઠે છે. અત્રે ઉલ્લેખનીય
છે કે આ બજારમાં સમયાંતરે ગટરની સમસ્યા માથું ઊંચકતી હોય છે. ગટર ઊભરાય એટલે સુધરાઈની
ટીમ આવે, સફાઈ કરે પ્રશ્ન હલ થાય અને થોડા દિવસો બાદ
ફરી એ જ સ્થિતિ નિર્માણ પામે. આ સમસ્યાનો અહીંના વેપારીઓ કાયમી ધોરણે હલ ઈચ્છી રહ્યા
છે.