ભુજ, તા. 18 : શહેરના વોર્ડ નં. છમાં આવેલી
નવી ઉમેદનગર કોલોનીમાં રહેવાસીઓ દૂષિત પાણીનો અસહ્ય ત્રાસ ભોગવી રહ્યા હોવાની ફરિયાદ
ઊઠી છે. ઉપરોકત કોલોનીમાં લાંબા સમયથી પીવાનાં પાણીને બદલે ગટરનું પાણી વિતરિત થઇ રહ્યું
છે. આશ્ચર્યની વાત એ છે કે, આ જ વિસ્તારના
પ્રતિનિધિઓ નગરપાલિકામાં સત્તા સ્થાને હોવા છતાં છેલ્લા એકાદ મહિના કરતાં પણ વધુ સમયથી
પીવાનાં પાણીની લાઇનમાં ગટરનું કાળું અને અત્યંત દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે.
જો કે, લોકોના આક્રોશને પગલે હવે તંત્ર દ્વારા ફોલ્ટ શોધવાની
કામગીરી શરૂ કરાઇ હોવાની વાતો થઇ રહી છે, પરંતુ સવાલ એ છે કે,
આટલા દિવસો સુધી નગરપાલિકા દ્વારા શા માટે કોઇ કાર્યવાહી કરવામાં ન આવી
તેવો સવાલ રહેવાસીઓમાં ઊઠયો છે.