ભુજ, તા. 18 : ભાદરવા માસના આરંભે વરસેલી
મેઘકૃપાએ કચ્છના મધ્યમ સિંચાઇના ડેમોમાં એક જ દિવસમાં 11 ટકા નવી જળરાશિ ઠાલવતાં જિલ્લામાં
તોળાતું જળસંકટ આંશિક હળવું થયું છે. આમ છતાં કચ્છના મોટાભાગના ડેમ જળ તરસ્યા રહ્યા
છે. મધ્યમ સિંચાઇના 20માંથી માત્ર
બે જ ડેમ ઓવરફ્લો થયા છે. જિલ્લાના મધ્યમ સિંચાઈના 20 ડેમમાં હાલ 29 ટકા પાણીનો જથ્થો બચ્યો
છે. 20 પૈકીના ત્રણ ડેમ તળિયાઝાટક
થઈ ગયા છે. ગત વર્ષની તુલનાએ કચ્છના ડેમોમાં 30 ટકા ઓછો જળસંગ્રહ થયો છે. - રાજ્યમાં સૌથી ઓછો જળસંગ્રહ કચ્છમાં : સિંચાઈ વિભાગમાંથી
મળેલી સત્તાવાર વિગત અનુસાર રાજ્યના પાંચ ઝોન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત,
સૌરાષ્ટ્ર અને કચ્છ પૈકી સૌથી ઓછો જળસંગ્રહ કચ્છ ઝોનમાં થયો છે. કચ્છના
20 ડેમની 32પ.26 મિલિયન ક્યુબિક મીટરની કુલ જળસંગંહ ક્ષમતા સામે હાલ ડેમોમાં
92.85 મિલિયન ક્યુબિક મીટર પાણીનો
જથ્થો જ સંગ્રહિત છે. ગત વર્ષે આ જ સમયગળામાં કચ્છના ડેમોમાં 200 મિલિયન ક્યુબિક મીટર સાથે 62 ટકા જેટલો પાણીનો જથ્થો સંગ્રહ
થયેલો હતો. આ સમયગાળામાં પાંચ ડેમ ઓવરફ્લો થયા હતા. આ વર્ષે બે ડેમ જ ઓવરફ્લો થયા છે.
મધ્યમ સિંચાઈના તળિયાઝાટક આઠ ડેમમાં કાસવતી, રુદ્રમાતા, કાલિયા, નિરોણા,
મથલ, સાનધ્રો, ગજોડ,
કનકાવટીનો સમાવેશ થાય છે. ત્રણ ડેમ એવા છે કે જેમાં 1થી 6 ટકા પાણી જ બચ્યું છે, છ ડેમ એવા પણ છે કે જેમાં 40થી લઈ 94 ટકા જેટલો
પાણીનો જથ્થો હાલની સ્થિતિએ ઉપલબ્ધ છે.