ગાંધીધામ, તા. 24 : દર વર્ષે ચોમાસાં પહેલાં લાખો રૂપિયાના ખર્ચે
પ્રિ-મોન્સૂન કામગીરીના મોટા બોર્ડ મારીને પ્રજાની તિજોરીમાંથી નાણાંનો ધૂમાડો કરતું
તંત્ર આ વખતે ફરી એકવાર પહેલા જ સામાન્ય વરસાદમાં ઉઘાડું પડી ગયું છે. ગાંધીધામ શહેર
અને આસપાસના સંકુલમાં પડેલા અતિ નજીવા વરસાદે જ વહીવટી તંત્રની પોલ ખોલી
નાખી છે. ચોમાસું હજુ તો માંડ બેઠું છે ત્યાં જ રોડ, ગટર વ્યવસ્થાની કમરતોડ વાસ્તવિકતા
સામે આવી છે. વરસાદી પાણીના નિકાલ અને ભ્રષ્ટચારની વાર્તા કહેતા દૃશ્યો દર વર્ષે સરદાર
વલ્લભભાઇ પટેલ સર્કલ પાસે જોવા મળે છે. આ વખતે અહીં વેલસ્પનની ગટરની લાઇન બેસી ગઇ હોવાનું
સૂત્રોએ જણાવ્યું હતું. લેવલિંગ વગરના માર્ગોના કામો પણ જાણે સ્વીમિંગ પુલ બન્યા હોય
તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં આ નજીવા વરસાદને પગલે પાણી ભરાઇ
રહ્યાં હતાં. લાખોના ખર્ચે નાળાં સફાઇની કામગીરીમાં લોટ-પાણી ને લાકડા જેવી કામગીરી
કરાઇ હોય તેવા આક્ષેપો પણ ઊઠયા હતા. અનેક જગ્યાએ નાળાં બંધ હોવાનું સામે આવ્યું હતું,
જેના કારણે પાણીનો નિકાલ થયો નહોતો. રસ્તાઓ પર પડેલા ખાડા અને ભરાયેલા પાણીના કારણે અનેક જગ્યાએ વાહનચાલકો ફસાયા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા હતા.
રસ્તો ક્યાં છે અને ખાડો ક્યાં છે તે ઓળખવું મુશ્કેલ બનતાં માંડ બચ્યા હતા. ગત મોડી
રાત્રે ધીમી ધારે આવેલો મેહુલિયો આજે સવારથી મોડી સાંજ સુધી વરસતો રહ્યો હતો. જેના
કારણે અનેક બાળકોએ શાળાની છૂટ્ટી રાખીને આ વરસાદનો લ્હાવો લીધો હતો. કાર્મચારીઓ પલળતા-પલળતા
કચેરીઓમાં પહોંચ્યા હતા. એકબાજુ માર્ગો પર
પાણી ભરાયા હતા, તો બીજી બાજુ વીજકંપનીની પણ નબળી કામગીરી
છતી થઇ હતી. આખો દિવસ વીજળીરાણીએ રૂસણા લીધા
હોય તેમ વારંવાર વીજળી ગૂલ થતાં લોકો ભારે ઉકળાટ અને અંધારપટથી તોબા પોકારી ગયા હતા. તંત્રના પાપે પહેલા જ સામાન્ય
વરસાદમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ જતાં લોકોમાં
ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આટલા નજીવા વરસાદમાં જ જો આ હાલત થતી હોય તો જો કાલે સવારે
ધોધમાર કે આકાશી આફત જેવો વરસાદ ખાબકે તો શહેર-સંકુલનું શું થાય ? એ વિચારીને જ કંપારી છૂટી જાય છે. ગત રાત્રિથી આજે સાંજ સુધી વરસાદ પડતાં અહીં સિઝનનો કુલ વરસાદ રાત્રે 8 વાગ્યા સુધીમાં 59 મિ.મી. નોંધાયો હતો.