મુંદરા શહેર-તાલુકામાં ઝડપી ઔદ્યોગિક ગતિવિધિ અને
પોર્ટ કનેક્ટિવિટીને કારણે કચ્છભર સાથેનો તેનો વ્યવહાર વધી રહ્યો છે. માંડવી-ગાંધીધામ
સાથેનું ફોરલેન જોડાણ તો નેશનલ હાઈ-વે દ્વારા સિક્સ લેનમાં પરિવર્તિત થશે, પરંતુ જિલ્લાનાં પાટનગર ભુજ સાથેનો વ્યવહાર વધી રહ્યો છતાં હજુ ફોરલેન માટેની
કોઈ વાત નથી. હા, કેરા,
બળદિયા, ભારાપર અને બીજો કેરા - નારણપર એમ બે બાયપાસને
સરકારમાંથી સૈદ્ધાંતિક મંજૂરી મળી છે, પરંતુ એ કામ હજુ પ્રક્રિયા
હેઠળ છે. જમીની કામ શરૂ થવાને તો હજુ એક વર્ષ લાગી જાય તેવી સ્થિતિ છે. આ દરમિયાન,
બળદિયા પાસે વાહનો ફસાઈ જવાનાં અને તેને પગલે માથાકૂટ અને લાંબા સમય
સુધી ટ્રાફિક અવરોધાઈ જવાના બનાવો રાજિંદા છે. મીઠાંનું પરિવારન, ભેડિયા , ક્રશર
પ્લાન્ટનાં વાહનો, ખનિજ ભરેલી ટ્રકો - ડમ્પરો અને લાંબા કન્ટેનરો
અહીંથી પસાર થાય છે, જે આ રોડની પહોળાઈ અને ક્ષમતાથી ઉપર છે.
આ દૃશ્યમાં સર્જાયેલો ટ્રાફિક અને બે ભારે વાહન કેટલા કસોકસ રીતે પસાર થાય છે,
તે દેખાય છે. આ પરિસ્થિતિ હાલના ખાડી યુદ્ધ દરમિયાન રોજ સાંભળવામાં આવતા
શબ્દ `સ્ટ્રેટ
ઓફ હોર્મુઝ 'નું સ્મરણ કરાવે છે. દરમિયાન, આ સંબંધે આર. એન્ડ બી. (રાજ્ય)નાં અધિકારીઓને પૂછતાં તેમણે કહ્યું કે,
મંજૂરી પછી વધુ લંબાયેલી ડિટેઇટલ સર્વેની પ્રક્રિયા પૂરી થઈ અને બંન્ને
સૂચિત બાયપાસ માર્ગ માટે હવે જમીન સંપાદન કરવા માટે કન્સલ્ટેશન નિમવા ટેન્ડર બહાર પડી
ગયાં છે. 28મી જુલાઈના પ્રિ બીડ મિટિંગ છે. આ સંપાદન પ્રક્રિયાની
સમાંતર ડીપીઆર ફાઈનલ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે અને એ પૂર્ણ થયા પછી બંનેની વહીવટી
મંજૂરી સરકાર પાસેથી માગવામાં આવશે. બાકી, તંત્ર ઝડપ કરી રહ્યું છે અને કોન્ટ્રાક્ટર એજન્સી નક્કી કરવા સહિત વાસ્તવિક
કામ એકાદ વર્ષમાં શરૂ કરી દેવાની શક્યતા છે. (તસવીર
- અહેવાલ : દિવ્યેશ વૈદ્ય)