નવી
દિલ્હી, તા.
24 : નીટ પેપર લીક અને દેખાવકાર છાત્રો પર પોલીસ
કાર્યવાહીના વિરોધમાં આક્રમક બનતાં કોંગ્રેસ આવતીકાલે શનિવારે આ મામલે દેશવ્યાપી આંદોલન
છેડશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિર્દેશ પર કોંગ્રેસ મહામંત્રી કે.સી.
વેણુગોપાલે એક ઔપચારિક આદેશ જારી કર્યો હતો. આ આદેશ હેઠળ દેશભરની તમામ પ્રદેશ કોંગ્રેસ
સમિતિઓ અને જિલ્લા સમિતિઓને શનિવારે આંદોલન સફળ બનાવવા માટે એકઠા થવા જણાવાયું છે.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતના નિર્દેશ મુજબ શનિવારે દેશના દરેક જિલ્લામાં કેન્ડલ માર્ચ
અને સત્યાગ્રહનું આયોજન કરાશે. કોંગ્રેસ સ્પષ્ટ કર્યું હતું કે, આ આંદોલનનો મુખ્ય હેતુ પેપર
લીકથી પ્રભાવિત લાખો તેજસ્વી છાત્રો, તેમના વાલીઓ, યુવાનોના અવાજને મજબૂત બનાવવાનો છે. પરીક્ષા પ્રમાણીમાં કમજોરી અને વહીવટી
વિફળતાઓ માટે નૈતિક જવાબદારી લેતાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપી
દેવું જોઈએ, તેવી માંગ આંદોલન દરમ્યાન કરાશે. દેશવ્યાપી સત્યાગ્રહને
જન આંદોલનનું રૂપ આપવા માટે કોંગ્રેસે સમાજના તમામ વર્ગોને જોડાવાની અપીલ કરે છે.