• શનિવાર, 25 જુલાઈ, 2026

બન્ની વિસ્તારમાં પ્રથમ વખત પુસ્તક મેળો

ભુજ, તા. 24 : બન્નીના આ વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે જેટલું થઈ શકે તેટલું વધુ કાર્ય કરવું હિતાવહ છે. શિક્ષણ હશે તો બીજું બધું થઈ જશે.  વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટયૂટ, માંડવી તથા સારસ્વતમ્ સંચાલિત ખાવડા હાઈસ્કૂલના સંયુકત ઉપક્રમે ખાવડા હાઈસ્કૂલના પરિસરમાં બે દિવસીય પુસ્તક મેળાના પ્રારંભે તાલુકા પંચાયત સદસ્ય ઈશાભાઈ સમા દ્વારા સૂર વ્યકત કરાયો હતો. શ્રી હરિહીરા તર્પણ ટ્રસ્ટ, મુંબઈ અને એગ્રોસેલ ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલા પુસ્તક મેળાના પ્રારંભ પ્રસંગે ગોરધન પટેલ `કવિ'એ પુસ્તક મેળા અંગે માહિતી આપી હતી. ખાવડા ગ્રામ પંચાયતના સરપંચ જેસંગ રાણા કોલી તથા ઉપસરપંચ સુરેશભાઈ મારવાડા, રતડિયાના અગ્રણી જીલાની જુમા અલીમામદ, અદાણી ફાઉન્ડેશન પ્રોજેકટ ઓફિસર યુવરાજાસિંહ જાડેજા, એગ્રોસેલ ફાઉન્ડેશનના સી.એસ.આર. મેનેજર જિગરભાઈ વૈદ્ય, ખાવડા લોહાણા મહાજનના પ્રમુખ વિપુલ ઠકકર તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સારસ્વતમ્ના વહીવટી અધિકારી મૂલેશ દોશીએ સંસ્થાની વિવિધ  શાળાઓમાં યોજાયેલ વિવિધ પુસ્તક મેળાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, પુસ્તકો વિદ્યાર્થીની કારર્કિદી ઘડવા માટે મહત્ત્વનું માધ્યમ છે. વી.આર.ટી.આઈ.ના સી.ઈ.ઓ. વિનયભાઈ ઐયરએ પુસ્તકોને સ્પર્શ કરવા, જોવા અને વાંચવાથી જીવન બદલી શકાય છે તેમ જણાવીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ખાવડા સી.આર.સી. પરેશભાઈ છત્રોડિયાએ આયોજનને બિરદાવ્યું હતું. સામાજિક અગ્રણી અને કચ્છમિત્રના પ્રતિનિધિ હીરાલાલ રાજદેએ સારસ્વતમ સંસ્થાના ઝુમખભાઈ, વિજયાબેનને યાદ કરીને કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો પહેલાં કપરા સમયમાં માધ્યમિક  શાળાઓ શરૂ કરવામાં સારસ્વતમ્ની પહેલને બિરદાવી હતી. સમારંભની સાથે જાણીતા કેળવણીકાર હરેશભાઈ ધોળકિયાનું `વાંચનનું મહત્ત્વ' વિષયક માર્ગદર્શક વ્યાખ્યાન યોજાયું હતું તેમજ ઈન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલોપમેન્ટના પ્રમુખ રસનિધિ અંતાણીએ બોર્ડની પરીક્ષામાં વધુ ગુણ મેળવવા માટેની તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષણ-સાહિત્ય પ્રોત્સાહક પ્રવીણભાઈ વીરાએ સારસ્વતમ્ની ખાવડા હાઈસ્કૂલને કાંતિસેન શ્રોફ - ચંદાબેન શ્રોફની સ્મૃતિમાં તેમજ નિરોણા હાઈસ્કૂલને ટી.એમ. શેઠની સ્મૃતિમાં દસ-દસ હજારની કિંમતનાં પુસ્તકો ભેટ આપ્યાં હતાં.  પુસ્તક મેળામાં આસપાસની શાળાના વિદ્યાર્થીઓએ મુલાકાત લઈને આ નવતર પ્રયોગને માણ્યો હતો. પુસ્તક મેળાનો લાભ દસ શાળાઓએ લીધો હતો. પ્રથમવાર યોજાયેલા આ પ્રયોગાત્મક પુસ્તક  મેળામાં રૂા. પાસઠ હજારની કિંમતના પુસ્તકોનું વેચાણ થયું હતું. શાળાના ઈન્ચાર્જ આચાર્ય સ્વેનીબેન ગોસ્વામી તથા શિક્ષક કરણભાઈ ઠકકરનું વી.આર.ટી.આઈ. દ્વારા અભિવાદન કરાયું હતું. વી.આર.ટી.આઈ.ના ટ્રસ્ટી પ્રીતિબેન શ્રોફ અને એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝના એમ.ડી. દીપેશભાઈ શ્રોફએ આ આયોજનને બિરદાવ્યું હતું. 

Panchang

dd