મુંદરા, તા. 24 : મુંદરા તાલુકામાં ખેડૂતો માટે આધારભૂત બની શકે એવી ભૂખી નદીના પુનર્જીવનનો
પ્રોજેક્ટ ગ્લોબલ કચ્છ-કચ્છમિત્ર દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના આર્થિક સહકારથી હાથ
ધરાઈ રહ્યો છે. તે વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે 11,980 કિલો સાદી રેતી (ખનિજ) ભરેલા ત્રણ ટ્રેક્ટર
પ્રાગપર પોલીસે ઝડપી પાડયા હતા. આ કાર્યવાહીથી ભૂખી નદીની રેતીને ગેરકાયદેસર રીતે ચોરી
કરવા ઈચ્છતા ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. પોલીસે આપેલી વિગતો મુજબ, હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપી
ડ્રાઈવર મુન્ના મોતિયા ખરાડીના જીજે 12 એફઈ 7489 નંબરના ટ્રેક્ટરમાંથી 4,690 કિલો રેતી, જ્યારે ખાલસિંહ રતનભાઈ ખરાડીના જીજે
12 બીજે 0237 નંબરના ટ્રેક્ટરમાંથી 4,440 કિલો
રેતી જપ્ત કરાઈ હતી. આ બંને વાહન અર્જુનસિંહ નારુભા સોઢાના હોવાનું આરોપીઓએ જણાવ્યું
હતું, જ્યારે
આરોપી સંજયસિંહ પ્રતાપસિંહ ચૂડાસમાના જેજે 12 એચ 8633 નંબરના ટ્રેક્ટરમાંથી 2,850 કિલો
રેતી કબજે લેવાઈ હતી. આ વાહન રણજિતસિંહ દેશરભાઈ સમાનું હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે ત્રણેય વાહન કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અહીં એ નોંધનીય
છે કે, મુંદરા
તાલુકાની પ્રાચીન અને ખેડૂતો માટે આધારભૂત ભૂખી નદીના પુનર્જીવનનો પ્રોજેક્ટ ગ્લોબલ
કચ્છ-કચ્છમિત્ર દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના આર્થિક સહકારથી હાથ ધરાઈ રહ્યો છે.
વાંકી પત્રીથી નાના કપાયા સુધીના લગભગ 11 ગામોને આવરી લેતા આ પ્રોજેક્ટનું કામ ધમધોકાર રીતે આગળ વધી રહ્યું છે. નદીનું
સફાઈ, સમથળ
અને બિનજરૂરી કચરો દૂર કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એ પછી વોક વે
અને બગીચા જેવા ઐતિહાસિક કામ હાથ ધરાશે, પણ આસપાસના કેટલાક ખનિજચોર
પ્રકૃતિના લોકોની દાઢ સળકી હતી અને રાત દરમિયાન જ્યારે કામ બંધ હોય ત્યારે ટ્રેકટરો
લઈને નદીમાં ખનિજ ચોરી કરવાનું વલણ વધ્યું હતું. આ એવો જથ્થો છે જે આસપાસ પાળા બનાવવામાં
અને ભવિષ્યમાં વોક વે દરમિયાન કામમાં આવે, પરંતુ તાલુકાના હિતમાં
આ ગામમાં ચોરીનું તત્ત્વ શરૂઆતમાં આંશિક રહ્યા બાદ ધીરે ધીરે પ્રમાણ વધતું ગયું.આ પછી
કચ્છ સરહદી રેન્જ પોલીસ મહાનિર્દેશક અને પશ્ચિમ કચ્છ પોલીસવડા સુધી આ વાત પહોંચતાં
તેમણે કાર્યવાહીની કડક સૂચનાઓ આપી હતી. હવે નજીકના ત્રણેય પોલીસ મથકો તેમજ ખાણ ખનિજ
વિભાગને કાર્યવાહીના નિર્દેશ આપી દેવાયા છે. આ ચોરી રોકવા પોલીસ અધિકારીઓના નિર્ધાર
બાદ તેના ભાગરૂપે પ્રાગપર પોલીસમાં કડક કાર્યવાહી હાથ ધરી દાખલો બેસાડયો છે. જેથી ભૂખી
નદી પર ચોરીનો ડોળો માંડનારા તત્ત્વો બીજીવાર આ પ્રકારનું કૃત્ય ન કરી શકે.