ભુજ, તા. 24 : મુંદરા તાલુકાના ચકચારી પત્રી ખૂનકેસમાં ફરિયાદીનું અપહરણ કરી અને ફરિયાદ
પાછી ખેંચી લેવા આપવામાં આવેલી ધમકીના કેસમાં આરોપીઓ વેજીબેન વાલજી ચાડ અને તેના પુત્ર
નંદવીર વાલજી ચાડની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી હતી. પત્રીમાં ગેરકાયદેસર રીતે
રેતી ચોરી બાબતે કરાયેલી દરખાસ્તોનું મનદુ:ખ રાખી આરોપીઓ વેજીબેન, તેના પતિ વાલજી કરસન ચાડ અને
તેમના સંતાનો તેમજ મળતિયાઓએ મળીને ઓક્ટોબર-2023ના પૃથ્વીરાજસિંહ દિલીપસિંહ જાડેજાનું ખૂન કર્યું
હતું. આ બાબતે ફરિયાદી એવા મૃતકના ભાઈ રઘુવીરસિંહ દિલીપસિંહ જાડેજા સાથે આરોપીઓ વેજીબેન
અને તેના પુત્ર નંદવીરે ઝઘડો કરી બળજબરીથી પોતાની ગાડીમાં બેસાડી પોતાના કૂતરા વડે
બચકા ભરાવી માર માર્યો હતો અને આ કેસ પરત ખેંચી લેવા જોરજુલમ કર્યા હતા. જે અંગે પ્રાગપર
પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો હતો, જે પછી આ બાબતે આરોપીઓ વેજીબેન, નંદવીર
અને મુકેશ જેઠાભાઈ ડાંગરની અટક કરાઈ હતી. જે પૈકી હત્યાના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં
રહેલા વેજીબેન અને નંદવીરનો ગુનાહિત ઈતિહાસ, તેમનું અગાઉના વર્તન-વ્યવહાર,
ગુનામાં તેમની સક્રિયતા સહિતના પરિબળોની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓએ
કરેલી નિયમિત જામીન અરજી અદાલતે રદ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચકચારી પ્રકરણમાં અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ જામીન રદ કર્યા હતા. આ કેસમાં સરકાર તરફે એડિ. પી.પી. ડી. જે. ઠક્કર
તથા મૂળ ફરિયાદી તરફે વરિષ્ઠ ધારાશાત્રી ડી. વી. ગઢવી, વાય. વી. વોરા, એ. એન. મહેતા, એચ. કે. ગઢવી અને એસ. એસ. ગઢવી હાજર રહ્યા
હતા.