• રવિવાર, 26 જુલાઈ, 2026

વાગડમાં ગુરુવાર રાતથી મહેર; રાપર 7, ભચાઉમાં સાડા ચાર ઈંચ

રાપર/ભચાઉ, તા. 24 :  કચ્છમાં વરસાદ ખેંચાતાં સર્જાયેલા ઉચાટ વચ્ચે ગુરુવારે રાત્રિથી વાગડની વાટેથી મેઘરાજાએ કચ્છમાં એન્ટ્રી કરી હતી. અગાઉ પણ  રાપર તાલુકામાં ધમાકેદાર બેટિંગ બાદ  ગત રાત્રિથી આજે આખો દિવસ મેઘરાજાએ વાગડ ઉપર હેત વરસાવ્યું હતું.  ભચાઉ અને રાપરમાં સચરાચર વરસાદથી ગ્રામ્ય વિસ્તારનાં તળાવોમાં નવા નીર આવ્યાં હતાં, તો પ્રાંથળમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. ખેતી આધારિત વાગડમાં  વરસાદનાં આગમનથી ધરતીપુત્રોના ચહેરા મલકાયા હતા. - વાવણીલાયક  વરસાદથી લાપસીના આંધણ મૂકાયાં : વાગડના ખેડૂતની મેઘતૃષ્ણા છીપાવવા ગતરાત્રે સાડા નવ વાગ્યાથી શરૂ થયેલો ધીમીધારનો વરસાદ રાપર તાલુકામાં સાર્વત્રિક દોઢથી પાંચ ઈંચ વરસતાં રાપર તાલુકાના ખેડૂતોને ત્યાં લાપસીનાં આંધણ મૂકાયા હતાં. ખેડૂતો વાવેતર કરવામાં આવેલા પાક માટે આ વરસાદ કાચા સોના સમાન, તો વાવેતરથી વંચિત વિસ્તાર માટે વાવણીલાયક ગણાવી રહ્યા છે. આજના વરસાદથી તાલુકાનાં અનેક ગામોમાં નવા નીર આવ્યાં છે, તો ગાગોદરનું ખેંગારસર તળાવ ઓવરફ્લો થયું હોવાનું ગાગોદરથી દેવાભાઈ ભગતે જણાવ્યું હતું. - ગામનાં તળાવો-ચેકડેમ ઓવરફલો  : ભીમાસરનું તળાવ પણ ઓગની જતાં સવારે વાજતેગાજતે વધાવવામાં આવશે તેમ ભીમાસરથી રામજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું. નાની અને મોટી હમીરપુરને જોડતી માલણ નદી બંને કાંઠે વહી હતી. પ્રાંથળમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હોવાનું બાલાસરથી  અમારા પ્રતિનિધિ જયેન્દ્રાસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. બાલાસરનાં જળાશયોમાં નવા નીર આવ્યાં હતાં, તો બેલાની નદી પણ બે કાંઠે વહી હતી. બેલાની સારણ નદી પર આવેલા તમામ ચેકડેમ અને ગામ તળાવ ઓગની ગયાં હોવાનું બેલાથી ભૂપતાસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. મૌવાણામાં પણ જળાશયોમાં નવાં નીર આવ્યાં હોવાનું નવિન સાધુએ જણાવ્યું હતું. - આડેસર-મોડામાં ઘરમાં પાણી ઘૂસ્યા : તાલુકાના ઘણાખરા જળાશયોમાં નવાં નીરની આવક થઇ હતી, તો ઓવરફ્લો થવાની તૈયારી હોવાનું જાણવા મળ્યું હતું.  આડેસરના ફુલીવાસમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી  ભરાવાની સમસ્યા ત્રણ વર્ષથી સર્જાય છે. તાલુકા વિકાસ અધિકારીએ ગત રાત્રિના મુલાકાત લઈને  કાર્યવાહી કરવા જણાવ્યું  હતું, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોવાથી લોકોમાં આક્રોશ હોવાનું અમારા પ્રતિનિધિ ખેંગાર પરમારે જણાવ્યું હતું. મોડામાં ં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં મુશ્કેલીમાં મુકાયા હોવાનું પૂંજાભાઈ ઠાકોરે કહ્યું હતું. - ખડીરમાં એક જ રાતમાં સિનારિયો બદલાઈ ગયો : ખાસ કરીને વરસાદ અને નર્મદા કેનાલથી વંચિત ખડીરમાં મેઘમહેર થતાં લોકોમાં આશાનો સંચાર થયો હોવાનું જણાવી ધોળાવીરા સરપંચ જીલુભા સોઢાએ વધુમાં જણાવ્યું હતું કે, કાલે સાંજે તો ભચાઉ મામલતદાર સાથે ઘાસચારા માટે વાટાઘાટો ચાલતી હતી અને એક રાતમાં જ આખો સિનારિયો ફરી ગયો હતો અને અછત ભુતકાળ બની ગઈ હતી. - રાપરમાં રાત્રિથી આજે સાંજ સુધી છ ઈંચ : રાપરમાં ગતરાત્રે 9.30થી શરૂ થયેલો શાંતિપૂર્ણ વરસાદ આજે સાંજે છ વાગ્યા સુધીમાં 140 મિમી જેટલો નોંધાયો હોવાનું કંટ્રોલરૂમમાંથી મામલતદાર એચ. બી. વાઘેલાએ જણાવ્યું હતું. આ સાથે મોસમનો કુલ વરસાદ 244 મિમી (10 ઈંચ જેટલો) થયો હતો, જે જિલ્લામાં સૌથી વધુ હતો. સવારથી જ વરસાદી માહોલ હોવાથી અને ગામડાંઓમાં પણ વરસાદ હોવાથી બજારમાં ઘરાકી નહિવત હોવાથી છૂટીછવાઈ દુકાનો સિવાય બજાર સ્વૈચ્છિક બંધ રહી હતી. બજારમાંથી પાણી વહેતું હોવાથી રસ્તો નદીમાં ફેરવાયો હતો. આંઢવાળા તળાવમાં સારું એવું પાણી આવ્યું હોવાનું નગરપાલિકા પ્રમુખ ચાંદ ઠક્કરે જણાવ્યું હતું. - ભચાઉ શહેર ગ્રામ્યમાં બે ઈંચ જેટલી મહેર : દરમ્યાન ભચાઉ ખાતે પણ ગઈકાલ રાત્રે 10 વાગ્યા બાદ શરૂ થયેલી મેઘસવારી આજે દિવસભર ધીમેથી ભારે વરસાદ સ્વરૂપે ચાલુ રહી હતી . તાલુકામાં સરેરાશ બે ઇંચ જેવો વરસાદ પડયો હતો. ખડીર પંથકમાં પડેલો વરસાદ કાચા સોના સમાન સાબિત થશે. - અબોલ જીવ, રામમોલ માટે સમયસરનો વરસાદ : ખડીરની ધરતી ખડની ધરતી કહેવાય છે. અહીં ચારેક દિવસે નાના જીવને ચરિયાણ મળી રહેશે એવું એડવોકેટ લક્ષ્મણભાઈ વરચંદે જણાવ્યું હતું. કાંઠા વિસ્તારમાં આ વરસાદ અબોલ જીવ અને રામમોલ માટે સમયસરનો હોવાથી ઉપયોગી થશે એવું કાંઠા ચોવીસી  આહીર સમાજના પ્રમુખ રણછોડભાઈ આહીરે જણાવ્યું હતું. - ગ્રામ્ય વિસ્તારમાં માગ્યા મેઘ વરસ્યા : આધોઇમાં અને કંથકોટ, વામકા, હલર સહિતનાં ગામમાં વાવણીલાયક ઉપયોગી વરસાદ આવી ગયો છે.  માગ્યા મેઘ વરસ્યા એમ કહી શકાય એવું આધોઈના ખેડૂત આગેવાન અને વેપારી મંડળ પ્રમુખ ભીમજીભાઈ પટેલે જણાવ્યું હતું.  ભચાઉમાં વહેલી સવારથી વરસાદ ચાલુ હોવાથી  ગ્રામ્ય પ્રજાની ગેરહાજરી હતીશાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી  જણાઈ હતી, નાના શાકભાજીવાળા ઓછા કામે લાગ્યા હતા, લોકો સાવચેતી સાથે બહાર નીકળતા હતા, અંડરગ્રાઉન્ડ વીજવાયર પાથરવાનાં કામને લઈ ગાડીઓ ફસાતી હતી, વીજ કચેરી વરસાદમાં તકલીફ ન પડે તે માટે મોબાઈલ વાન સાથે ફરતી દેખાઈ હતી સાથે વરસાદ દરમ્યાન સ્થાનિક-સોશિયલ મીડિયામાં અકસ્માત ન સર્જાય તે માટે સાવચેતી રાખવા આગેવાનોનાં માધ્યમથી સંદેશ વહેતા કરાયા હતા. વાગડમાં હજુ પણ સાંજ સુધી વરસાદી માહોલ બરકરાર રહ્યો હતો.  

Panchang

dd