ભુજ, તા. 24 : અડધો અષાઢ વીતવા છતાં સચરાચર મેઘકૃપાથી વંચિત રહેલું કચ્છ વરસાદના ધોધમાર
રાઉન્ડની વાટ જોઈ રહ્યું છે ત્યારે રાજ્ય પર સર્જાયેલી ચાર જેટલી સક્રિય વરસાદી સિસ્ટમના
પ્રભાવથી કચ્છમાં પણ વરસાદની સાર્વત્રિક ધીમીધારે હાજરી જોવા મળી હતી. દિવસે અંધારપટ
સર્જતા મેઘાડંબરના માહોલ વચ્ચે વાગડમાં મેઘરાજાએ પોતાનું વહાલ વધુ વરસાવ્યું હતું.
રાપરમાં 24 કલાકના ગાળામાં સૌથી વધુ સાત, તો ભચાઉમાં સાડા ચાર ઈંચ જેટલો
વરસાદ વરસતાં જગતનો તાત રાજી થયો હતો. લખપત અને અબડાસામાં સામાન્ય ને ઝરમર બાદ કરતાં
બાકીના છ તાલુકામાં સરેરાશ અડધોથી સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે મધ્યમથી
ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે ત્યારે કચ્છી માડુઓ મેઘરાજા મન મૂકીને ધરાને જળતરબોળ
કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. બે-ત્રણ દિવસના ધીમીધારના વરસાદથી જિલ્લાની સરેરાશ
ટકાવારીમાં થોડોક સુધારો થયો છે. રાપર તાલુકામાં ગત રાત્રિથી વરસતા વરસાદનાં કારણે
કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. સામાન્ય વરસાદમાં પણ અનેક સ્થળે
વીજ વિક્ષેપની સમસ્યા સર્જાઈ હતી. મગફળી સહિતના વાવેતર થયેલા પાકને વરસાદથી જીવતદાન
મળ્યું છે. - ભુજમાં
દિવસભર ધીમીધારે : જિલ્લા
મથક ભુજમાં વહેલી પરોઢથી સતત ક્યારેક ઝરમર તો ક્યારેક હળવા ઝાપટાં રૂપે ધીમીધારે વરસાદ
વરસ્યો હતો. સાંજ સુધી સત્તાવાર રીતે પોણો ઈંચ વરસાદ વરસ્યાના અહેવાલ વચ્ચે વાતાવરણ
ગોરંભાયેલું રહેતાં વધુ વરસાદ વરસવાની આશા જળવાયેલી રહી હતી. સવારે છ વાગ્યા આસપાસ
મેઘાડંબર વચ્ચે હળવું ઝાપટું વરસ્યા બાદ સાંજ સુધી ઝરમર છાંટારૂપે વરસાદની હાજરી જોવા
મળતાં શહેરના માર્ગો પર પાણી ભરાયેલાં જોવા
મળ્યાં હતાં. સવારના સમયે વરસાદ પડવાના કારણે શાળામાં બાળકોની હાજરી પાંખી જોવા મળી
હતી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવો જ વરસાદી માહોલ રહ્યાના અહેવાલ મળ્યા છે. ધીમીધારના
વરસાદનાં કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરેલી જોવા મળી હતી. - ભુજના ગ્રામ્ય વિસ્તારમાં હાજરી : કોટડા ચકારથી રફીક ચાકીના અહેવલા અનુસાર ભુજ તાલુકાના કોટડા, લેર, રેહા, ચકાર, લક્કી ડુંગર વિસ્તાર,
પદ્ધર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. લાંબા
સમયથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો અને માલધારીઓમાં વરસાદ શરૂ થતાં ખુશીની
લાગણી જોવા મળી હતી. - દહીંસરા
પંથકમાં ઝરમર
: ગઈરાતથી આ વિસ્તારમાં મેઘરાજા રીમઝીમ - ઝરમર
હેત વરસાવી રહ્યા છે. પુનડી, સરલી, ધુણઈ, મેઘપર,
ગોડપર, ચાવડા રખાલમાં વરસાદી માહોલ જોવા મળ્યો
હતો. ધરતીને ભીંજવતો મેહુલિયો વાવણીલાયક પડયો નથી તેથી ખેડૂતોની આશા અધૂરી છે. કુકમામા
સવારથી જ વરસાદી વાતાવણ રહ્યું હતું, દિવસ દરમ્યાન તડકો નીકળ્યો
જ ન હતો. સવારના ઝરમરિયા વરસાદ પછી સાંજે કોઇ સારો વરસાદ પડયો નહોતો. સાવ સામાન્ય છાંટાઓ
વચ્ચે પણ કુકમામાં વીજ વિક્ષેપ સતત ચાલુ રહ્યો હતો. સવારથી ભેજવાળા વાતાવરણ સાથે વારંવાર
લાઇટની આવ-જાથી કોમ્પ્યુટર સહિતના અનેક ઉપકરણોને નુકસાન પહોંચ્યું હતું. - માંડવીમાં અડધો ઇંચ : રાજ્યના મોટા ભાગના ધરવ કરાવતા દક્ષિણ ગુજરાતમાં જલપ્રલય જેવી આફત ઉતારનારા
મેઘરાજાએ મધ્ય- પશ્ચિમ કચ્છ ઉપર મીઠી નજર કરવાનું
જાણે બાકી રાખ્યું હોય તેમ બંદરીય માંડવી શહેર-
પંથક ઉપર વીતેલા 36 કલાક
માં માત્ર 18 મિ. મી.નો છંટકાવ કર્યો છે. નિરાશ કિસાન વર્ગ
આતુરતાથી વર્ષારાણીનો ઈંતજાર કરતાં કરતાં અધીરો છે કંટ્રોલ રૂમમાંથી ભૂપેન્દ્ર સલાટે આપેલી જાણકારી
પ્રમાણે ગત મોડી રાતથી આજે બપોર સુધી 11 મિ. મી. ઝરમરિયા રૂપે, હળવું ઝાપટું છાંટતાં મોસમનો એકંદર આંકડો મેઘરાજા એ 18 મિ.મી. લગભગ પોણો ઈંચ પહોંચાડ્યો હતો. ગોરંભાયેલાં
આસમાને આશા બરકરાર રખાવી છે. ચારેકોર વાદળોને
જમાવડો, અંધારિયો
માહોલ મહદઅંશે તાલુકામાં હોવાના અહેવાલ મળ્યા હતા. - બન્નીમાં આશા જગાવી : ગત વહેલી પરોઢે ચાર વાગ્યાની આજુબાજુ બન્નીના તમામ ગામોમાં ઝરમર વરસાદ પડયાનું
ભીરંડિયારાના રાયશી અલીમામદ જુમાએ જણાવ્યું હતું. સૂકા મુલકમાં ગત રાત્રિએ છાંટાએ સારા
વરસાદનદી આશા જગાવી છે. સારો વરસાદ પડતાં પશુધનને રાહત મળશે, પણ બીજી બાજુ ઝરમર-ઝરમર વરસાદમાં
વીજળી વેરણ બનતાં લોકો અકળાઇ ઊઠયા હતા - નખત્રાણા તાલુકામાં અડધો ઇંચ : નખત્રાણા તાલુકામાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડયો, તો મોટી વિરાણી, સુખપર, વાંઢ, રામેશ્વર,
ખુથા વિસ્તારમા ઝાપટાંરૂપી વરસાદ પડતાં પાણી વહી નીકળ્યાંનું પ્રતિનિધિ
ઉમર ખત્રીના અહેવાલમાં જણાવાયું હતું. જિયાપરના માજી સરપંચ વિજયાબેન ગોસ્વામીએ કહ્યું,
મધરાત્રે જિયાપર, કુરબઇ વિસ્તારમાં હળવો વરસાદ
પડયો હતો. બાંડિયારાથી મામદ સંગારએ જણાવ્યું કે, મધરાત્રિઅએ આવેલી
મેઘસવારીએ અડધા ઇંચ જેટલો વરસાવતાં મગફળીને જીવતદાન મળ્યું છે. બાંડિયારા, નેત્રા, રસલિયા, રામપર વિસ્તારમાં
વરસાદના વાવડ નેત્રાના વિજયભાઇ સીજુએ આપ્યા હતા.ભડલીના માજી સરપંચ ગુલામ મકવાણાએ કહ્યું
કે, મધરાત્રે વરસાદી નેવા વહ્યા હતા. હાજીપીરમા મુજાવર અબ્દુલા
બાવાએ હાજીપીર વિસ્તારમાં અમીછાંટણા પડયાનું કહ્યું હતું. વિથોણથી શાંતિલાલ લીંબાણીના
અહેવાલ મુજબ વિથોણ પંથકમાં વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ વરસાદનું આગમન થયું હતું, જેમાં અડધા ઇંચથી વધુ વરસાદ
પડતાં પિયત ખેતી પેદાશોને થોડી રાહત મળી છે. ચાવડકા, લાખિયારવીરા,
ધાવડા, દેવપર, યક્ષ,
સાંયરા, આણંદસર, પલીવાડ,
નાની મંજલ, મોરજર, આણંદસર
ભડલી, થરાવડા, રાણારા, કોટડા (થ.), આધોછની વિગેરે વિસ્તારોમાં 14 મિ.મી. વરસાદ પડયો હોવાનું સ્થાનિક ખેડૂતોએ
જણાવ્યું છે. સાંગનારાના ખેડૂત મનોજભાઇ લીંબાણીના જણાવ્યા મુજબ સમગ્ર્ર પંથક વધુ વરસાદની
રાહ જુવે છે. ભુજ તાલુકાના સામત્રા, વાડાસર, ચાડવા રખાલ, ફોટડી, નાગિયારી, દેશલપર-વાંઢાય
સહિતના ગામોમાં ઝરમર વરસાદ પડયાનું સામત્રાના સરપંચ મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું
હતું. કોડકી, મખણા, પીરવાડી, કમાગુના, મેડીસર, ટાંકડાસર,
પાયચ્કા વિસ્તારમાં પણ છાંટા પડયા હતા. સૂર્યનારાયણનાં દર્શન નથી થયાં
તેવું કોડકીના કેસરાભાઈ ખેડૂતે જણાવ્યું હતું. માનકૂવા, સુખપર,
કલ્યાણપરના વિસ્તારમાં ઝરમરે હાજરી પુરાવ્યાનું કિશોર ગોરસિયાએ કહ્યું
હતું. વહેલી સવારે નખત્રાણા પંથકમાં મોટા ભાગના ગામોમાં ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી
થઈ હતી. વર્ષાઋતુ પુષ્ય સુકનવંત નક્ષત્ર (જાવક) વરસાદ પડતાં પાછોતરો સારો વરસાદ થવાની
આશ બંધાઈ છે. - મુંદરા
તા.માં માહોલ જામ્યો, પણ પડયો ઝરમર : શુક્રવારે સવારથી બદલાયેલાં વાતાવરણમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયેલાં
રહ્યાં હતાં અને ગમે ત્યારે વરસાદ તૂટી પડશે એવું લાગતું હતું, પણ દિવસભર ઝરમર વરસાદથી વિશેષ કોઈ હાજરી નહોતી રહી.
સાંજે કંટ્રોલરૂમના અહેવાલ મુજબ સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં આઠ એમએમ પાણી
પડયું હતું. જો કે, આ ઝરમરમાં પણ સતત ભીના રસ્તાઓ અને કાદવ-કીચડ, પાણીનાં ખાબોચિયાંથી સમસ્યાનો શહેરીજનોએ
સામનો કર્યો હતો. ખેડૂતો ચાતક નજરે આકાશ ભણી મીટ માંડી રહ્યા છે, પણ મેઘરાજા હજી મન મૂકીને ખુલ્યા નથી. હવે કચ્છના કાંઠાળ વિસ્તારમાં આગાહી
છે, ભારે વરસાદની આશા સેવાઈ રહી છે. અંજાર પંથકમાં છેલ્લા બે
દિવસ દરમિયાન ધીમીધારે વરસેલા વરસાદે લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી તેમજ ખેતીલાયક
વરસાદથી ખેડૂતોમાં સારા પાકની નવી આશાનો સંચાર
થયો હતો. આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કુલ 19 એમ.એમ. વરસાદ નોંધાયો હતો. જ્યારે ગતરાત્રિ
સુધી શરૂ થયેલા વરસાદ સાથે કુલ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. કપાસ, મગફળી, તલ, બાજરી સહિતના વિવિધ પાકોના વાવેતર અને વિકાસ માટે
અનુકૂળ વાતાવરણ ઊભું થયું હોવાની આશા ખેડૂતોએ વ્યક્ત કરી આગામી દિવસોમાં પણ નિયમિત વરસાદ ચાલુ
રહેશે, તો કૃષિ ઉત્પાદન સારું રહેશે, તેવું
જણાવ્યું હતું. ખેડૂતોના જણાવ્યા મુજબ આ વરસાદ ખેતી માટે અત્યંત લાભદાયી સાબિત થશે.
લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોએ આ વરસાદને `કાચું સોનું' ગણાવ્યું હતું. વરસાદી માહોલ દરમિયાન
શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.
કલાકો સુધી વીજળી ગુલ રહેતાં ઘરેલુ તેમજ વેપારી પ્રવૃત્તિઓને અસર થઈ હતી. ધીમીધારે
વરસેલા વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી હતી. સાંજના
સમયે ઠંડા પવનો અને વરસાદી વાતાવરણનો લોકોએ આનંદ માણ્યો હતો.