દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા, તા. 17 : દેશનો સૌથી ઝડપી વિકસિત વિસ્તાર
કચ્છ અને તેમાં આવેલું દેશનું સૌથી મોટાં અત્યાધુનિક વાણિજ્ય બંદર અદાણી મુંદરા પોર્ટને
તેને જોડતો જિલ્લાના સૌથી ઝડપી ઔદ્યોગિક વિકસિત વિસ્તાર એવા મુંદરાએ હવાઈ ઉડ્ડયન સેવામાં
પ્રારંભે જ મોટી છલાંગ લગાવી દીધી છે. આગામી સપ્તાહે તા. 23મી જૂનના મંગળવારે નવનિર્મિત આધુનિક સુવિધાઓ
સાથે સજ્જ મુંદરા એરપોર્ટ ટર્મિનલનું તેમજ સ્ટાર એરની એક સાથે આઠ હવાઈ સેવાનું મંગળાચરણ
થશે. આમ, સમુદ્રી માર્ગે વિશ્વ સાથે જોડાયેલું મુંદરા
હવે દબદબાભેર આરંભ સાથે દેશના શહેરોથી હવાઈ માર્ગે જોડાશે. નાના - મધ્યમ કક્ષાના શહેરોને
પણ હવાઈ સેવામાં જોડાણ વધારવા પ્રોત્સાહન આપતી `ઉડાન'
યોજનાનાં બળે અને દેશમાં ઝડપી પોતાનું નેટવર્ક વધારતી સ્ટાર એર એરલાઇન્સના
સંગાથે અદાણી એરપોર્ટ કંપની જોડાતાં આગામી સપ્તાહે કચ્છમાં સીમાચિહ્નરૂપ હવાઈ સેવાઓનો
દબદબાભેર પ્રારંભ થઈ જશે, જેનો સત્તાવાર નગારે ઘા તો અગાઉ વાગી
ચૂક્યો છે અને `સ્ટાર એર'એ તેનો આઠ શહેરને સીધા કે વાયા જોડાણ સાથેનો
ફ્લાઇટ સમય કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. બીજી તરફ, મુંદરા
અદાણી પોર્ટ ક્ષેત્રમાં મહાનગરના એરપોર્ટ જેવી ભવ્ય અને શુશોભિત તૈયારીઓ ચાલી રહી છે.
હાલની મિની સુવિધાઓ સાથેના સીટિંગ સંકુલ નજીક જ વિશાળ ટર્મિનલનું નિર્માણ થયું છે,
જેનું બાંધકામ તો લાંબા સમયથી જારી હતું, હવે ફર્નિચર,
પીઓપી સહિત આખરી ઓપ અપાઇ રહ્યો છે. સ્થળ પર અધિકારીઓ પણ નજર રાખી રહ્યા
છે. 1900 મીટરના વિશાળ લાંબા રન-વે સાથેના
આ આધુનિક એરપોર્ટ ટર્મિનલમાં પ્રથમ તબક્કે બે પ્રવેશ ગેટ બનાવાયા છે, પરંતુ રન-વેની ક્ષમતાની દૃષ્ટિએ આ કચ્છ માટે
મુંદરા એરપોર્ટ લાંબી રેસનો ઘોડો સાબિત થશે, એવું આયોજન નજરે
પડે છે. આ રન-વે પર વિશ્વના સૌથી મોટા જમ્બો વિમાનો હોય કે વિશાળ કાર્ગો વિમાનો હોય, લેન્ડ કરી શકવાની ક્ષમતા છે. મુંબઈ
અને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં સંચાલનમાં કાબેલ રહી ચૂકેલું અદાણી ગ્રુપ જ્યાંથી
ઝડપી વિકસ્યું એ કર્મભૂમિ મુંદરામાં એરપોર્ટ ટર્મિનલમાં હવાઈ મુસાફરો માટે આધુનિક સુવિધા
ઊભી કરી રહ્યું છે. પ્રવેશદ્વારમાં પ્રવેશતાં
જ ભવ્યતાનો અહેસાસ થાય છે. વિશાળ પાર્કિંગ, એ પછી વિમાનમાં સામાન
મૂકવાનું ચાકિંગ મશીન, હેન્ડબેગ ચાકિંગ મશીન, વિશાળ વેઈટિંગ રૂમ, ગેટ નજીક જ કાર ડ્રાપિંગ સુવિધા, વ્હીલચેર, લોન્જ, કાફેટેરિયા, એરકન્ડિશન્ડ ફૂડ ઝોનની સુવિધાઓ પણ
ઊભી કરી દેવાઈ છે અને આસપાસ મનમોહક હરિયાળી વિસ્તાર દેખાઈ રહ્યો છે. એરપોર્ટને જોડતા
રસ્તાઓની ખૂટતી કડીઓ પૂરવામાં આવી રહી છે. આગામી તા. 23 - 6ના મંગળવારે સવારે પહેલા ઉડ્ડયન
સાથે વિશિષ્ટ રાજકીય પદાધિકારીઓ, વહીવટી
તંત્રના તેમજ અદાણી ગ્રુપ અને સ્ટાર એરના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવ્ય સમારોહ
યોજવા તખતો ઘડાઈ રહ્યો છે, એ સાથે જ કચ્છ હવાઈ ઉડ્ડયન સુવિધાઓનાં ક્ષેત્રે એક મોટી હરણફાળ ભરશે. આ સાથે
એવી આશા છે કે, કચ્છમાં ઘણા સમયથી હવાઈ સેવાઓ ઓછી પડે છે તેવું
મહેણું પડે છે તેય ભાંગી જશે. - ભુજ, કંડલા (અંજાર) બાદ મુંદરા ત્રીજું વિમાની મથક
બનશે : ભુજ,
તા. 17 : કચ્છમાં હાલ
ભુજ અને કંડલા (અંજાર) ખાતે વિમાની મથક પર પ્રવાસીઓનું આવાગમન થાય છે. ભુજ એરપોર્ટ
પર મુંબઇ, સુરત અને દિલ્હીની પાંચ ફ્લાઇટનું સંચાલન થાય
છે. વર્તમાન સમયે કંડલા (અંજાર) એરપોર્ટ પર એક પણ ફ્લાઇટનું સંચાલન થઇ રહ્યું નથી.
મુંદરા કચ્છનું ત્રીજું એવું એરપોર્ટ બન્યું છે કે જ્યાંથી વિમાની સેવાનો પ્રારંભ થવા
જઇ રહ્યો છે. માંડવી પાસે પણ એર સ્ટ્રીપ વિકસાવવાનું આયોજન પણ હાલ ચાલી રહ્યું છે.