• ગુરુવાર, 18 જૂન, 2026

નવી શાળાઓમાં પણ રાજ્યમાં કચ્છનો ડંકો.. સર્વાધિક માધ્યમિક શાળાઓ મંજૂર

ભુજ, તા. 17 : નવી શાળાઓમાં પણ રાજ્યમાં કચ્છનો ડંકો વાગ્યો હોય તેમ રાજ્યમાં સર્વાધિક માધ્યમિક શાળાઓની મંજૂરી મળતાં બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કચ્છને વધુ 37 ઇન્ટિગ્રેટેડ શાળાના હુકમ જિલ્લા શિક્ષણાધિકારીને એનાયત કરાયા હતા. ગાંધીનગર ખાતેથી પરત ફરતાં જિલ્લા શિક્ષણાધિકારી  સંજય પરમારે જણાવ્યું હતું કે, અગાઉ 11 તેમજ આજે 37 એમ કુલ 48 માધ્યમિક શાળાની ફાળવણી કચ્છ જિલ્લાને કરવામાં આવી છે, આ ઇન્ટિગ્રેટેડ શાળાઓ વિશે વિગતે જણાવતાં શ્રી પરમારે કહ્યું કે, આ પ્રકારની શાળાઓમાં ધોરણ 1થી 12 સુધી બાળકો અભ્યાસ કરી શકશે, પ્રાથમિકના અભ્યાસ બાદ અન્યત્ર જવું પડશે નહીં, જેથી વાલીઓને સંતાનોના અભ્યાસ માટે સરળતા થઈ જશે, વળી માધ્યમિક શાળામાં મળતી તમામ સુવિધાઓ જેમ કે, સ્ટેમ લેબ, સ્માર્ટ ક્લાસ, રમતગમતનાં સાધનો વિગેરેનો લાભ ઇન્ટિગ્રેટેડ શાળાઓને મળશે. આ બાબતે મુખ્યમંત્રીનો આભાર માનતાં તેઓએ જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં તાલુકાઓ વચ્ચેનું ભૌગોલિક અંતર વધારે હોઈ નવી શાળાઓ મળવાથી ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટશે અને કન્યાઓનો અભ્યાસ પણ નિર્વિઘ્ને ચાલુ રહેશે. ઇન્ટિગ્રેટેડ શાળાઓ થકી ગ્રામ્યકક્ષાએ અભ્યાસનું સ્તર સુધરશે. તાલુકાવાઈઝ મળેલી નવી શાળાઓ મુજબ ભુજ-7, માંડવી-1, મુંદરા-1, લખપત- 3, નખત્રાણા-8, અબડાસા-8, અંજાર-3, ગાંધીધામ-1, ભચાઉ-6 અને રાપર-9નો સમાવેશ થાય છે. 

Panchang

dd