• ગુરુવાર, 18 જૂન, 2026

આદિપુર-ભુજ સેક્શનમાં ડબલિંગ ટ્રેક યોજના મંજૂર

ગાંધીધામ, તા. 17 : તાજેતરમાં ભારતીય રેલવ દ્વારા    પશ્ચિમ કચ્છમાં નવી રેલવે લાઈનને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત  પૂર્વ કચ્છમાં પણ લાઈનના વિસ્તૃતીકરણનાં કામોનો ધમધમાટ ચાલુ  છે. તેની વચ્ચે   સિંગલ લાઈન છે  તેવા આદિપુર-ભુજ સેક્શનને ડબલ લાઈન કરવા માટેના પ્રકલ્પને રેલવે  દ્વારા મંજૂરી આપી કચ્છમાં રેલવેના  માળખાકીય કાર્યની મોટી ભેટ આપવામાં આવી છે. આ સુવિધાથી કચ્છમાં રેલવેની સુવિધા વધુ ગતિશિલ બનશે. - પ્રવાસી માલ પરિવહનની વધતી માંગ પૂરી થશે : અમદાવાદ  ડિવિઝનના ડી.આર.એમ. વેદપ્રકાશે  આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, 49 કિલોમીટરના   આ પ્રકલ્પ માટે 493 કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. રેલવે દ્વારા   નેટવર્ક ક્ષમતાના વિસ્તાર માટે ચલાવવામાં આવી રહેલા ડબાલિંગ, ટ્રિપાલિંગ અને અન્ય આધારભૂત સંરચના વિકાસ કાર્યક્રમો હેઠળ મંજૂર કરવામાં આવી છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ આ રેલખંડના ડબાલિંગથી  ભવિષ્યમાં પ્રવાસી અને માલ પરિવહનની વધતી માંગને મહત્તમ રીતે પૂરી કરી શકાશે. ભુજ-નલિયા  ગેજ પરિવર્તનની કામગીરી પૂર્ણ થયા  બાદ નલિયા-જખૌ, વાયોરદેશલપર-હાજીપીર, લુણા, ધોળાવીરા ખાતે રેલવે ટ્રેક મંજૂર કરાયા છે અને તેની કામગીરી પણ ચાલુ છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ગાંધીધામ-નલિયા સેક્શનમાં ટ્રાફિકનું દબાણ વધશે તે બાબતને ધ્યાનમાં રાખીને આદિપુર-ભુજ વચ્ચે રેલવે લાઈનના ડબલિંગના પ્રકલ્પને મંજૂરી આપવામાં આવી છે. - ટ્રેકની ઉપયોગિતા 2030 સુધી 123 ટકા થશે : આદિપુર-ભુજ સેક્શનની લાઈન ક્ષમતા ઉપયોગિતા વધી રહી છે. વર્ષ-2029-30માં  તેની ઉપયોગિતા 123 ટકા સુધી પહોંચવાનો  અંદાજ રેલવે દ્વારા લગાડવામાં આવ્યો છે, તેથી સમય મુજબ ટ્રેકની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે. ડબલિંગ યોજના દ્વારા રેલ માર્ગની ભીડમાં ઘટાડો થશે. મુસાફર અને માલ પરિવહનમાં વૃદ્ધિ થવાથી ભારતીય રેલવેની આવક વધશે તેમજ કચ્છના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે. - દરરોજ બે નવી ટ્રેન દોડાવી શકાશે : ગાંધીધામ સુધી આવતી  લાંબા અંતરની ટ્રેનોને ભુજ સુધી લઈ જવાની માંગ  લાંબા સમયથી   પ્રવાસીઓમાં પ્રબળ બની છે અને સમયાંતરે રજૂઆત થતી રહી છે. સિંગલ લાઈન સેક્શનમાં  વધારાની રેલવે લાઈન પથરાયા બાદ  ટ્રેન સંચાલન વધ સૂચારુ બનશે. બે વધારાની  પ્રવાસી ટ્રનો શરૂ કરી શકાશે, જેથી કારણે વિસ્તારના મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી અને પ્રવાસ સુવિધાઓ મળશે. - વધારાના 12 મિલિયન ટન માલ પરિવહન વધશે : માલ પરિવહનમાં કચ્છ એરિયા વ્યાપક આવક અમદાવાદ ડિવિઝનને રળી આપે છે, ત્યારે આ બાકી સેક્શનમાં ડબલ લાઇનના નિર્માણથી દર વર્ષે વધારાના 12 મિલિયન ટન માલ પરિવહન શક્ય બનશે, જેના કારણે પશ્ચિમ ગુજરાતમાં લોજિસ્ટિક્સ વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને ઔદ્યોગિક વિસ્તારોને વધુ સારો રેલ સંપર્ક પ્રાપ્ત થશે. - કચ્છમાં અબજોની કિંમતના રેલવેના ચાલતાં કામો  : અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં અબજોની કિંમતના હાલ રેલવેના માળખાકીય કાર્યો ચાલી  રહ્યા છે. તાજેતરમાં ગાંધીધામ-આદિપુર વચ્ચે તાજેતરમાં જ ચાર લાઈનને કમિશન કરવામાં આવી  હતી.  આ ઉપરાંત  સામખિયાળી-ગાંધીધામ વચ્ચે પણ ડબલ ઉપરાંત વધારાની  ચાર લાઈનનું કામ હાલ તેજ ગતિથી ચાલી રહ્યું છે.   સામખિયાળીથી વિરમગામ  અને સામખિયાળીથી પાલનપુર સેક્શન પણ ડબલ ટ્રેક છે. આ ઉપરાંત પશ્ચિમ કચ્છમાં નવી  રેલવે લાઈન પ્રોજેક્ટનો ધમધમાટ ચાલુ છે. ગાંધીધામ-આદિપુર રેલવે સ્ટેશન વચ્ચે આવેલા ગોપાલપુરી રેલવે સ્ટેશનનનું પણ માતબર રકમના ખર્ચે નવનિર્માણ કરાયું છે જે ભવિષ્યમાં કાર્યરત કરાયા બાદ નવી  સુવિધા  ઊભી થશે તેમજ આદિપુર ખાતે વાય કનેક્ટિવિટી  અને વધારાના પ્લેટફોર્મ નિર્માણની  કામગીરી ચાલી  રહી છે. આ પ્રકલ્પની ટેન્ડરિંગ  પ્રક્રિયા તુરંતમાં હાથ ધરાશે. - આદિપુર-ભુજ ડબલિંગથી ટ્રેનોની સમયબદ્ધતા સુધરશે : સાંસદ : ગાંધીધામ, તા. 17 : આદિપુર-ભુજ વચ્ચે રેલવે લાઈનના ડબલિંગ  માટે કેન્દ્ર સરકાર દ્વારા 493 કરોડની રકમની ફાળવણીના નિર્ણયને કચ્છના સાંસદે આવકાર્યો હતો. સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, 49 કિલોમીટરનો રેલવે ટ્રેક ડબલ થતા  રેલવે કનેક્ટિવિટીની ક્ષમતા  વધશે  અને બંને દિશામાંથી વધુ ટ્રેનો દોડાવવાનો માર્ગ મોકળો થશે.  ટ્રાફિક ભારણ ઘટવાની સાથે ટ્રેનોની સમયબદ્ધતા પણ સુધરશે  અને ઔદ્યોગિક, આર્થિક વિકાસને વેગ મળશે.   આ પ્રકલ્પથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નવ ભારત નિર્માણનું સૂત્ર સાર્થક થશે તેવું કહી વડાપ્રધાન અને રેલવે મંત્રાલય પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. 

Panchang

dd