ગાંધીધામ, તા. 13 : ગાંધીધામ મહાનગરપાલિકામાં કોંગ્રેસના
11 કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા
છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ
કમિટીના ચેરમેનની નિમણૂક થઈ ગઈ છે, હવે વિપક્ષના નેતા કોણ બનશે
એ એક પ્રશ્ન ઊભો થયો હતો તે વચ્ચે કોંગ્રેસના પ્રદેશના હોદ્દેદારોએ ગાંધીધામ આવીને
કોંગ્રેસના ચૂંટાયેલા 11 કોર્પોરેટરની
સેન્સ લઈને કાર્યકર્તાઓનાં સૂચન લીધાં હતાં. આગામી પ્રથમ સામાન્ય સભા પહેલા વિપક્ષના
નેતા નક્કી થાય તેવી સંભાવના છે. શહેરના સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી
વિભાગના પ્રમુખ મહેશભાઈ રાજપૂત અને જીવણભાઈ કુંભારવાડિયા એ ચૂંટાયેલા કોર્પોરેટરોને
શુભેચ્છાઓ આપીને સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. કોર્પોરેટરોની સેન્સ લીધા પછી
કાર્યકર્તાઓનાં સૂચનો લેવામાં આવ્યાં હતાં. શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઇ ગુપ્તા પણ
એક કોર્પોરેટર છે તેમનું નામ પણ વિપક્ષના નેતા તરીકે ચર્ચામાં છે, હાલ તો પ્રદેશના બંને હોદ્દેદારે તમામ કોર્પોરેટરોની
સેન્સ લીધી છે અને કાર્યકર્તાઓનાં મંતવ્ય લીધાં છે. આગામી મહાનગરપાલિકાની સામાન્ય સભા
પહેલાં વિપક્ષના નેતા જાહેર થાય તેવી સંભાવના છે. આ સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન
અસંખ્ય કાર્યકર પહોંચ્યા હતા, ખુદ કોંગ્રેસના નેતાઓ પણ કાર્યકર્તાઓને
જઈને ચોંકી ઉઠયા હતા. કોંગ્રેસ દ્વારા કોઈ પણ કાર્યક્રમ અથવા તો રેલી હોય કે વિરોધ
પ્રદર્શન હોય, તેમાં કાર્યકર્તાઓની પાંખી હાજરી હોય છે,
પરંતુ સર્કિટ હાઉસ ખાતે મહાનગરપાલિકાના વિપક્ષના નેતા માટે સેન્સ લેવામાં
આવી રહી હતી, ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઊમટી પડયા હતા.
શહેર તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉપરાંત મહામંત્રીઓના મંતવ્યો લેવામાં આવ્યા છે,
હવે કોંગ્રેસ કોને વિપક્ષના નેતા બનાવે છે તેની ઉપર બધાની નજર છે,
પરંતુ મહાનગરપાલિકામાં મજબૂત વિપક્ષની ભૂમિકા નિભાવાય તેવી અપેક્ષા શહેરીજનો
પણ રાખી રહ્યા છે.