કોડાય, તા. 13 : માંડવી તાલુકાના મોટા રતડિયા
ખાતે ભગવતી કૃપાધામ ખાતે હાંસબાઈ માના મંદિરે
સોનલ શતાબ્દી વર્ષ નિમિત્તે અખિલ કચ્છ ચારણ સભાના સંકલ્પ અનુસંધાને `100 સોનલ સરોવર તથા સ્મૃતિવન' અભિયાન ભાગરૂપે રામાયણી સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સંતો, સમાજના આગેવાનો, ગ્રામજનો
ઉપસ્થિત રહ્યા હતા. હાંસબાઈ માના પ્રાગટય દિવસના શતાબ્દી વર્ષ અંતર્ગત મોટા રતડિયા
ખાતે નિર્માણ પામનાર ભગવતી સરોવર માટે સત્સંગ મંડળ દ્વારા તુલસીપત્રરૂપે રૂા. એક લાખનું
અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટા રતડિયા ભગવતી ધામના ખીમશ્રી મા,
ધનબાઈ મા તથા મહંત અર્જુનનાથ
બાપુ (રાજડા ટેકરી)એ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, જળસંચય
અને પ્રકૃતિ સંવર્ધન આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. તેમણે સૌને આવા લોકહિતકારી
કાર્યોમાં સહભાગી બનવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, `જળ એ જ જીવન છે' અને પાણીના સંગ્રહ વિના ભવિષ્યની કલ્પના શક્ય
નથી. અખિલ કચ્છ ચારણ સભાના ઉપપ્રમુખ દેવરાજભાઈ ગઢવીએ જણાવ્યું કે, સોનલ સરોવર અને સ્મૃતિવન જેવા પ્રકલ્પો સમાજમાં સેવા, સંકલ્પ અને સહયોગની ભાવનાને વધુ મજબૂત બનાવશે. જળસંચય અભિયાનના દેવાંગભાઈ ગઢવીએ
પાણીના સંગ્રહની આવશ્યકતા સમજાવતાં જણાવ્યું હતું કે, તળાવો અને
જળાશયો માત્ર માનવજાત માટે જ નહીં, પરંતુ પશુ-પક્ષીઓ અને સમગ્ર
પર્યાવરણ માટે પણ જીવનદાયી છે.સામાજિક અગ્રણી શામળાભાઈ ગઢવીએ સોનલ સરોવર તથા સ્મૃતિવનની
જાગૃતિ ગામેગામ પહોંચાડવા હાકલ કરી હતી. ભજનીક નીલેશભાઈ ગઢવી, માવજીભાઈ બારૈયા સહિતના અગ્રણીઓએ પણ પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે સૌએ
આગળ આવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. પાલુભાઇ ગઢવી (ભજનાનંદી) દ્વારા રૂપિયા 51,000 દાનની જાહેરાત કરવામાં આવી
હતી. સરપંચ હરદાસભાઈ ગઢવી, પુનશીભાઈ ગઢવી, ચતુરસિંહ
જાડેજા, હરિભાઈ ગઢવી, વાલજીભાઈ પટેલ,
મુલગિરિ ગુસાઈ તેમજ દરેક સમાજના અગ્રણીઓ સહિતે સરોવર નિર્માણ અને પર્યાવરણલક્ષી
કાર્યોમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન રામાયણી સત્સંગ મંડળ દ્વારા ભજન-કીર્તન
તથા રામાયણ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ભજન સત્સંગમાં મંગા ભગત, વિશ્રામભાઈ, શામળાભાઈ, નીલેશભાઈ,
કલ્યાણભાઈ, ગાવિંદભાઈ, માણશીભાઈ
સહિતનાએ ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. ઝરપરા, મોટા ભાડિયા,
કરોડિયા, માંડવી, હાલાપર,
કોડાય, નાની રાયણ, ભાડા,
મોટી સિંધોડી, નાના ભાડિયા સહિતના ગામોના ભાવિકોએ
સત્સંગનો લાભ લીધો હતો. સંચાલન ખીમરાજભાઈએ અને આભારવિધિ મૂળજીભાઈ ગઢવીએ કરી હતી.