ભુજ, તા. 13 : રાજ્યની સાથે કચ્છમાં પણ ચોમાસાંનાં
મંગલ આગમનની ચાતક નયને વાટ જોવાઇ રહી છે. અલ નીનોના પ્રભાવથી ચોમાસું થોડું મોડું બેસે
અને સામાન્યથી ઓછો વરસાદ વરસે તેવી સંભાવનાએ ચિંતા જગાવી છે. જિલ્લામાં મહત્તમ પારો
ફરી 40 ડિગ્રીએ પહોંચતાં જનજીવન આકુળવ્યાકુળ
બન્યું છે. હજુ આગામી દિવસોમાં તાપ-ઉકળાટમાંથી રાહત મળે તેવા કોઇ અણસાર દેખાતા નથી.
અંજાર-ગાંધીધામમાં મહત્તમ તાપમાન ફરી 40 ડિગ્રીએ પહોંચતાં ખાસ કરીને બપોરના સમયે આભમાંથી અગનવર્ષા વરસી
હતી. જિલ્લામથક ભુજ અને કંડલા પોર્ટમાં 37 ડિગ્રી તાપમાને ગરમી-ઉકળાટે લોકોને પરસેવે રેબઝેબ કર્યા હતા.
લઘુતમ પારો 28થી 29 ડિગ્રી જેટલો ઊંચો નોંધાવવા
સાથે ભેજનું પ્રમાણ વધુ રહેતાં બફારાનું જોર વધુ જોવા મળ્યું હતું. હવામાન વિભાગના
આગામી સાત દિવસના વર્તારામાં મહત્તમ તાપમાન સરેરાશ 40 અને લઘુતમ પારો 28થી 30 ડિગ્રી વચ્ચે
રહેવાની સંભાવના દેખાડાઇ છે. પ્રિ-મોન્સૂન ગતિવિધિ આ અઠવાડિયાંમાં શરૂ થવાની ખૂબ ઓછી
સંભાવનાનાં કારણે તાપ-ઉકળાટનો સકંજો કચ્છ પર કસાયેલો રહેવાની પ્રબળ શક્યતા હવામાનશાત્રીઓ
વ્યક્ત કરી રહ્યા છે. કચ્છમાં અગાઉ જૂનના અંતિમ સપ્તાહમાં ચોમાસું બેસે તેવું અનુમાન
વ્યક્ત કરાયું હતું, હવે જુલાઇના
આરંભ સુધી ચોમાસાંનું આગમન લંબાય તેવીય એક શક્યતા દેખાડવામાં આવી રહી છે.