• રવિવાર, 14 જૂન, 2026

નર્મદાનાં વધારાનાં પાણી આવશે, પણ ખાટલે ઘણી ખોટ !

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 13 : ન કરે નારાયણ ને કોઇ ચોમાસું નબળું આવે તો છેવાડાના જિલ્લા કચ્છના ખેડૂતો, પશુપાલકોને તો મોજ થાય, પણ નર્મદાનાં એક મિલિયન એકર ફૂટ વધારાનાં પાણીની યોજનાએ એવો વિશ્વાસ જગાવ્યો છે કે, કચ્છ મુશ્કેલ સ્થિતિમાંય તરસ્યું નહીં રહે. સરદાર સરોવર બંધ ભરાયેલો હશે તો કચ્છના ડેમ-તળાવોમાં પાણી નહીં ખૂટે. આ મહત્ત્વાકાંક્ષી યોજનાઓનાં કામ કચ્છના સિંચાઇ વિભાગને સોંપવામાં તો આવ્યા છે, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, આ વિભાગના મુખ્ય વડા નથી, ઇન્ચાર્જના ભરોસે છે ને આખા વિભાગને બેસવા માટે ખુદની કચેરી પણ નથી ! - કામો અંતિમ તબક્કે : નોર્ધન, સધર્ન લિંક કેનાલ અને સારણ જળાશયની યોજના અંતર્ગત એક મિલિયન એકર ફૂટનાં કામો કચ્છના જુદા-જુદા વિસ્તારમાં ચાલી રહ્યાં છે અને જમીન ચીરીને મહાકાય પાઇપલાઇન પાથરવામાં આવે છે ત્યારે આ એક મિલિયન એકર ફૂટનું તમામ કામ કચ્છના સિંચાઇ વિભાગ હસ્તક હોવાથી મોટાભાગની કામગીરી અંતિમ તબક્કે છે, ત્યારે ખુદ તંત્રને સવાલ એ થાય છે કે, સતત વધતી જતી ખાલી જગ્યાઓની સ્થિતિના કારણે ભવિષ્યમાં સંભાળશે કોણ ? - સધર્ન લિંક ફેઝ-1 : સધર્ન લિંક યોજના ફેઝ-1ના કામો અત્યારે ચાલી રહ્યા છે અને ટપ્પરથી માંડવી તાલુકાના દરશડી થઇ મુંદરા તાલુકામાં કારાઘોઘા સહિતના ડેમોમાં પાણી ઠલાવાશે અને ત્યાંથી ભુજ તાલુકાના ગજોડ-વડઝર વિસ્તારની ખેતીવાડીને પણ લાભ મળશે. સિંચાઇ વિભાગના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ કામ 2011 કરોડનું છે, જેમાં 25 નાના-મધ્યમ કક્ષાના જળાશયો એક મિલિયન એકર ફૂટ પાણીમાંથી ભરવામાં આવશે. 90 ટકા કામ અત્યારે પૂર્ણ છે. કુલ 38824 હેક્ટરને પિયતનો લાભ મળવાનો છે. - સધર્ન લિંક ફેઝ-2 : જ્યારે કચ્છ માટે એક મિલિયન એકર ફૂટ પાણી આપવાનું નક્કી થયું ત્યારે કચ્છ માટે સાત લિંક યોજના બનાવવામાં આવી હતી તે પૈકી પાંચ યોજનાનું કામ પૂર્ણતા તરફ આગળ વધે છે. સધર્ન લિંક ફેઝ-2 હેઠળ ચાલતી કામગીરીમાં ટપ્પરથી છેક લખપત તાલુકાના સાનધ્રો સુધી પાણી પહોંચાવામાં આવશે, જેમાંથી 30 સિંચાઇ યોજનાને આવરી લેવામાં આવી છે. 1405 કરોડના કામ પૈકી 75 ટકા કામ પૂર્ણ છે અને 44417 હેક્ટરને સિંચાઇનો લાભ મળવાનો છે. - નોર્ધન લિંક ફેઝ-1 : જો કોઇ સંજોગોમાં કચ્છમાં દુષ્કાળ પડશે અને પાણી વગર ડેમો ખાલી હશે, સામે નર્મદા ડેમ ઓવરફ્લો થઇ જતાં આ પૂરનાં પાણીમાંથી કચ્છના જળાશયોને ભરી દેવામાં આવશે. નોર્ધન લિંકના પ્રથમ તબક્કાના કામ અંગે મળેલી માહિતી પ્રમાણે ટપ્પરથી કાસવતી, રૂદ્રમાતા, કાયલા, નિરોણા સહિત 12 યોજના છલકાઇ જશે. 36392 હેક્ટરના પિયતવાળી આ યોજનાઓ અંતર્ગત અત્યારે કામ 91 ટકા થઇ ચૂક્યું છે અને ખર્ચ 1394 કરોડ થનાર છે. - નોર્ધન લિંક યોજના ફેઝ-2 : 32 હજાર હેક્ટરની સિંચાઇ થઇ શકે એવા 12 જળાશયોવાળી આ નોર્ધન લિંક યોજના હેઠળના કામની આપવામાં આવેલી વિગતો પ્રમાણે કામ લગભગ 82 ટકા થઇ ચૂક્યું છે. ભૂખી, મથલ, ગજણસર, નરા સહિતના નાના-મોટા 13 ડેમ છલકાઇ જવાના છે, જેની પાછળ રૂા. 900 કરોડની ફાળવણી કરવામાં આવી છે. - સારણ લિંક પ્રકલ્પ : રાપર તાલુકાના મોટા એવા સારણ જળાશયને નર્મદાનાં પૂરનાં પાણીથી ભરવાના ભાગરૂપે સારણ લિંક યોજના બનાવવામાં આવી છે. કચ્છ શાખાની મુખ્ય નહેરમાંથી આ જળાશય ભરવા પાઇપલાઇનનું જોડાણ આપવામાં આવ્યું છે. રૂા. 800 કરોડના ખર્ચે ચાલતાં કામો પૈકી 96 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. આ જળાશય ભરાઇ ગયા બાદ આસપાસમાં 20 હજાર હેક્ટર ખેતીને ફાયદો થશે. ઉપરાંત ખડીર લિંકની પણ યોજના રૂા. 500 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. - વર્ષાંતે કામો પૂર્ણ : સિંચાઇ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ તમામ યોજનાઓના કામ ડિસેમ્બર-26 સુધી અલગ-અલગ તબક્કે પૂર્ણ થવાના છે અને આવતા ચોમાસે તેનો સંપૂર્ણપણે લાભ મળશે તે હકીકત છે. - ચિંતાનો વિષય : યોજનાઓ તો સારી છે, પરંતુ જે વિભાગની જવાબદારી છે એવા કચ્છ સિંચાઇ વર્તુળ વિભાગમાં ખાટલે મોટી ખોટ સ્ટાફની છે. કેમ કે, મૂળ અધીક્ષક ઇજનેર કક્ષાની મહત્ત્વની જગ્યા ખાલી પડી છે અને છેલ્લા બે વર્ષથી ઇન્ચાર્જના હવાલે તંત્ર ચાલે છે. અત્યારે જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર શ્રી ચૌધરી પાસે ચાર્જ છે, તેઓ ચાલુ મહિનાની અંતિમ તારીખે નિવૃત્ત થઇ રહ્યા છે. નાયબ કાર્યપાલક ઇજનેરની 24માંથી 9 જગ્યા ખાલી પડી છે. 164 સેક્શન ઓફિસર હોવા જોઇએ તેની સામે 64 જણ છે, 100 વણપૂરાયેલી છે. સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, વર્ક આસિ., ચોકીદાર, પટાવાળા આ બધાનો સરવાળો ખાલીમાં છે. આટલું મોટું કચ્છનું આયોજન છે અને એમ કહેવાય છે કે, નર્મદા એ કચ્છ માટે જીવાદોરી સમાન છે. પાણી માટે જીવાદોરીની દોરી પકડવા માટે સ્ટાફ જોઇએ અને એ જ ખાલી જગ્યાઓ હોવાથી ભવિષ્ય માટે થોડો ચિંતાનો વિષય છે. કેમ કે, સરકાર દ્વારા ભરતી કરાતી જ નથી. - પાંચ હજાર કરોડની યોજના છતાં બેસવા કચેરી નથી ! : ભુજ, તા. 12 : કચ્છ સિંચાઇ વિભાગ હસ્તક વધારાનાં પૂરનાં એક મિલિયન એકર ફૂટ પાણીની જવાબદારી છે. સ્ટાફ ઘટનો વિષય તો મોટો છે પણ બેસવા કચેરી પણ નથી. સિંચાઇ વિભાગના અધીક્ષક ઇજનેરની મુલાકાત લીધી તો કચેરી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી પોપડી પડી રહ્યા છે, ત્યારે બાજુમાં અધિકારીના બંગલામાં કચેરી ખસેડવામાં આવી છે. અહીં અતિથિગૃહ પણ છે, તેમાં અત્યારે આખા કચ્છનો અને પાંચ હજાર કરોડથી વધુના ખર્ચવાળી મહત્ત્વાકાંક્ષી યોજનાઓનો વહીવટ ચાલે છે. આ વિભાગ હસ્તક બેસવા છત નથી ! 

Panchang

dd