રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 24 : કૃષ્ણ આહીર કુળમાં પધાર્યા
હોવાથી આ કુળ ભાગ્યવાન થયો છે. જ્યાં પણ શ્રીમદ્
વ્રજપ્રભા ગ્રંથ પારાયણનું વર્ણન થતું હોય, ત્યાં સ્વયં પ્રભુ પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે
કોઈ પણ સ્વરૂપમાં ઉપસ્થિત હોય છે, પ્રભુના આશીર્વાદ વિના આવાં
ભગીરથ કાર્યો ન થઈ શકતાં હોવાનું વૃંદાવનધામના ફોગલા આશ્રમ મધ્યે શ્રીમદ્ વ્રજપ્રભા
ગ્રંથ પારાયણના પાંચમા દિવસે વ્યાસાસનેથી વક્તાએ જણાવ્યું હતું. ભજન, કીર્તન, છંદો અને ગોપી ગીતોની રમઝટ વચ્ચે સમગ્ર વાતાવરણ
ભક્તિરસમયીમાં તરબોળ બન્યું હતું. - ચૂંદડી મનોરથ યાદગાર : મનોરથી વાસણભાઈ વિશાભાઈ રણમલ પરિવાર દ્વારા આયાજિત કથાના પાંચમા દિવસે રસિકજનોને અમૃતપાન કરાવતા ત્રિકમદાસજી મહારાજે મનોરથી પરિવાર અને રસિકજનો
દ્વારા ઊજવવામાં આવેલ `ચૂંદડી મનોરથ` ઉત્સવ યાદગાર રહ્યો હોવાનું
કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, શ્રીકૃષ્ણના જન્મ નિમિત્તે વ્રજમાં `નંદ મહોત્સવ'માં વ્રજવાસીઓમાં અદ્ભુત અને ઉત્સાહનો સંચાર થયો હોવાનું કહી આહીરો હંમેશાં ઉત્સવપ્રિય રહ્યા હોવાનું જણાવ્યું
હતું. - વિવિધ પ્રસંગોનું વર્ણન : માતા યશોદા દ્વારા બાળ ગોપાલનું સ્નાન, બ્રહ્માજી દ્વારા બ્રાહ્મણના પરિવેશમાં,
વિષ્ણુજી દ્વારા બ્રહ્મચારીના વેશમાં તેમજ 27મા દિવસે મહાદેવના વ્રજમાં બાળ ગોપાલનાં
દર્શન માટેનો પ્રસંગ, શિવજીએ બાળ
ગોપાલને કેડમાં લઈને તાંડવનૃત્યનો પ્રસંગ, મથુરામાં વાસુદેવ અને
નંદબાબાની મુલાકાત અને સંવાદનો પ્રસંગ, રાક્ષસી પૂતનાનો ગોકુળમાં
પ્રવેશ અને પ્રભુ દ્વારા તેને મુક્તિ પ્રદાનનો
પ્રસંગ, શંકાશૂરના વધ સહિતના પ્રસંગોનું વર્ણન કરાયું હતું. - કુનીતિ હંમેશાં પીડાદાયક નીવડે
છે : વ્યાસાસનેથી ત્રિકમદાસજી મહારાજે વર્તમાન
સમયમાં ભૂમાફિયાઓ દ્વારા જે ગૌચર જમીનો પર દબાણો કરીને પચાવી પાડવામાં આવતાં કૃત્યને
વખોડી અને કટાક્ષ કરતાં જણાવેલું કે, કુનીતિ હંમેશાં કષ્ટકારી અને પીડાદાયક
નીવડે છે. - રસિકજન ઘરમાં એક ગાયનું પાલન
કરે : રસિકજનોને પ્રભુનો મહિમા વર્ણવતા જણાવ્યું
કે, રસિક સંપ્રદાયમાં પ્રભુની માળા અને ગુરુમંત્રના
જાપનો મહિમા અનેરો છે, ભગવત ક્યારેય પણ કોઈ ભક્તનો ત્યાગ કરતા નથી તેમજ ભગવાનની લીલાનું
ધ્યાન કરવાથી દિવ્યધામની પ્રાપ્તિ થતી હોવાનું જણાવ્યું હતું તેમજ સર્વે રસિકજનોને
પોતાનાં ઘરમાં ઓછાંમાં ઓછી એક ગાયનું પાલન કરવાનું સૂચન કર્યું હતું. બાળકોમાં માતા-પિતાનો આદર, વડીલોને નમન, મંદિરોમાં ભગવાનાં દર્શન, તેમજ ધર્મગ્રંથનાં વાંચન સહિતના સંસ્કારો આપવા એ વર્તમાન સમયની જરૂરિયાત જણાવી
હતી. રતનાલ ગામમાં દર રવિવારે યોજાતી બાળ સભામાં સચ્ચિદાનંદ સંપ્રદાય વિશે બાળકોને
શિક્ષણ આપવાની પહેલને આવકારી હતી. બાળ રાધારાણી
અને બાળ કૃષ્ણનો એકમેકને દૂધપાન (દૂધ પીવડાવવાનો) પ્રસંગનું વર્ણન કરી રસિકજનોને અભિભુત
કર્યા હતા. - ગોપી ગીતનું
દૃશ્ય વર્ણવાયું : ગોપી સખીઓ દ્વારા કથા મંડપમાં ગોપિકા ગીતનું
સાદૃશ્ય વર્ણન કરેલું હતું, જેમાં ભગવાને
શરદઋતુમાં નટવર વેશ ધારણ કરી બંસીવડ નીચે ઊભા રહી ત્રિભંગી સ્વરૂપે અલૌકિક મુરલી વગાડી
ગોપીઓને મંત્રમુઘ કરવાનો પ્રસંગ ઉલ્લેખિત હતો. વક્તાએ ગોપિકા ગીતનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે, ગોપિકા ગીતનાં
નિત્ય ભજનથી ગૌહત્યા, બ્રહ્મ હત્યા જેવા અનેક પાપો ભસ્મ થાય છે.
- રસિકજનો રાસના રંગે રંગાયા
: કથાના પાંચમા દિવસે ત્રિકમદાસજી મહારાજ
અને સાધુ ભગવાનદાસજી મહારાજ દ્વારા અદ્ભુત ગોપી ગીત,
યમુનાજી સ્તુતિ, રાધા-કૃષ્ણ ભજન અને કીર્તન વડે
રસિકજનાને રાસના રંગે રંગ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા મનોરથી વાસણભાઈ વિશાભાઈ
રણમલ માતા પરિવારનાં માર્ગદર્શન હેઠળ યુવા ટીમ જહેમત ઉઠાવી રહી છે.