નિરોણા (તા. નખત્રાણા), તા. 9 : પાવરપટ્ટીના
પાલનપુર -બાડીની સીમમાં છેલ્લાં દોઢેક માસથી નર-માદા દીપડાની જોડી ભારે આતંક બચાવી
17 જેટલા
નાનાં-મોટાં પશુઓનું મારણ કરી નાખતાં માલધારી વર્ગમાં ભારે પરેશાની ફેલાઇ છે. વન
વિભાગ વહેલી તકે આ દીપડાને પિંજરે પૂરી ભોગ બનનાર માલધારીઓએ વળતર આપવાની માંગ કરી
છે. પાલનપુર-બાડી ગામની દક્ષિણનો સીમાડો ડુંગરાળ પ્રદેશથી ઘેરાયેલો છે. જ્યાં
દીપડો અવારનવાર પશુધનને પરેશાન કરે છે. છેલ્લાં દોઢેક માસથી બાડી નજીક આવેલાં તળાવ
પાસે પડાવ નાખી 12 ઘેટાં અને પાંચ ભેંસો પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતાં
માલધારી વર્ગમાં ભારે ચિંતા ફેલાઇ છે. આ ગામના માલધારીઓ લખાના અયુબ મુતવા, સુરૂભા હરિસિંહ સોઢા,
ગુલાબસિંહ જાડેજા વગેરેના જણાવ્યા મુજબ આ પર્વતીય પ્રદેશમાં ચરિયાણ
માટે ફરતાં પશુઓ પર ઘાત લગાવી હુમલો કરે છે. થોડા દિવસ પહેલાં ગોવિંદ ખમુ
મહેશ્વરીના 12 જેટલાં ઘેટાં થોડા-થોડા અંતરે મારી નાખતાં આ માલધારીને મોટી
આર્થિક નુકસાની ભોગવવી પડી છે. યુવા માલધારી સુરૂભા સોઢાના કહેવા મુજબ ગઇકાલે
પોતાની કિંમતી ભેંસ આ રાની જાનવરનો ભોગ બની છે. આ અગાઉ મુતવા લખાનાની 1, ગુલાબસિંહ
જાડેજાની 2 અને નોડે અભરામની 1 ભેંસ દીપડાનો શિકાર બની ચૂકી છે.
માલધારી અસ્પાક મુતવાના જણાવ્યા મુજબ આ ડુંગરાળ પંથકમાં નર-માદા એક બચ્ચાં સાથે ફરે છે. ચરિયાણ માટે વિચરતાં
પશુઓ પર માલધારીની હાજરી વચ્ચે હુમલો કર્યા પછી માલધારી તેને છોડાવવા પ્રયત્ન
કરતાં આ દીપડા સાથેની માદા માલધારી ઉપર પણ હુમલો
કરવાની કોશિશ કરતાં ભયના કારણે માલધારીઓ પોતાના પશુઓને બચાવી શકતાં નથી.
છેલ્લા કેટલાક સમયથી દીપડાના ભારે આંતકથી આ વિસ્તારના માલધારીઓ ભારે પરેશાન બન્યા
છે. પોતાના અબોલા જીવોને બચાવવા વહેલી તકે વનવિભાગ આ પંથકમાં દીપડાને ઝબ્બે કરવા
યોગ્ય કાર્યવાહી કરી સાથે આ દીપડાના હુમલામાં ભોગ બનનાર તમામ પશુઓના માલધારીઓને
યોગ્ય વળતર મળે તેવી માંગ પણ કરી છે.