• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

વંચિત સમુદાયોના પ્રશ્નો ઉકેલવા સહિયારા પ્રયાસ કરાશે

ભુજ, તા. 16 : વંચિત સમુદાયને સ્પર્શતા વિવિધ પ્રશ્નો ઉકેલવા માટે સહિયારા પ્રયાસો કરાશે તેવું ગ્રામ સ્વરાજ સંઘ નીલપર આયોજિત કાર્યક્રમમાં ચર્ચા વિમર્શ કરતા અગ્રણીઓ દ્વારા જણાવાયું હતું. વંચિત સમુદાયોને ઓળખના પુરાવા અપાવવા માટે ગ્રામ સ્વરાજ સંઘ અને અન્ય સંસ્થાઓ દ્વારા ખાસ કેમ્પનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો. રાપર અને લખપત તાલુકા કે જ્યાં વિકાસ હજુ પૂર્ણરૂપે પહોંચ્યો નથી ત્યાં ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ ઉપરાંત વિવિધ પ્રકારની પાયાની સુવિધાના અભાવની સમસ્યા અંગે ઉપસ્થિતો દ્વારા મનોમંથન કરાયું હતું. ખાસ કરીને આરોગ્યની અપૂરતી સુવિધાના લીધે કુપોષિત માતા અને કુપોષિત બાળકોનું પ્રમાણ વધી રહ્યું છે. આ પ્રકરણને ઘટાડવા માટે કેવા પ્રકારના પગલાં ભરવા તેના અંગે ચર્ચા કરાઇ હતી. વિશેષ કરીને આ બંને તાલુકામાં તબીબો સહિતના સ્ટાફની ઘટ સહિતના કારણે આરોગ્ય સેવા ખોરવાઇ રહી છે ત્યારે સરકાર આરોગ્ય સેવાને સુધારવા તત્કાળ પગલાં ભરે તેવી લાગણી દોહરાવાઇ હતી. વિશેષમાં અનેકવિધ સરકારી યોજના અમલી હોવા છતાં તેનો લાભ વંચિત સમુદાયને મળતો નથી તે વાતને ધ્યાને લઇ આવા લાભાર્થી એવા આ પરિવારોને તમામ મહત્ત્વનો લાભ મળે તે માટે તેમને યોગ્ય આધાર પ્રમાણ કરી આપવા સહિતની તૈયારી ઉપસ્થિત સંસ્થાના અગ્રણીઓએ દેખાડી હતી. કાર્યક્રમમાં સરકારી તંત્રો સાથે સંસ્થાઓ સંકલનમાં રહી કાર્ય કરશે તેવો નિર્ણય લેવાયો હતો. બાળલગ્ન વિશે વિશેષ ચિંતા કરાઇ હતી. આઇસીડીએસના દશરથ પંડયા, નરેશ ચૌહાણ, મહિલા બાળ વિકાસ વિભાગના પૂજા પરમાર, ગ્રામ સ્વરાજ સંઘના દિનેશ સંઘવી, મનીષ આચાર્ય, જયેશ લાલકા, સેવા ઇન્ટરનેશનલ મહેન્દ્ર શ્રોફ ફાઉન્ડેશનના કોમલબેન, તેમજ કેઅમવીએસ અને ઉન્નતિ ભચાઉના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. સંચાલન ધર્મેન્દ્ર પટેલે કર્યું હતું. 

Panchang

dd