ભુજ, ત. 16 : આંધ્રપ્રદેશના વિશાખા પટ્ટનમ
ખાતે નીઓકોન પરિષદ 2025માં કચ્છના
તબીબોનું રાષ્ટ્રીયસ્તરે ગૌરવપૂર્ણ પ્રદાન રહેવા પામ્યું હતું. વિશાખા પટ્ટનમ ખાતે
તાજેતરમાં આયોજિત રાષ્ટ્રીયસ્તરની નીઓકોન 2025 પરિષદમાં કચ્છના તબીબોએ પોતાના અનુભવ-જ્ઞાનથી વિશેષ ઓળખ મેળવી
હતી. પરિષદમાં દેશભરમાંથી બાળરોગ અને નવજાત શિશુ સંભાળ ક્ષેત્રના અગ્રણી નિષ્ણાત તબીબો
ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગાંધીધામના
બાળરોગ અને નવજાત શિશુ તજજ્ઞ ડો. નવિન ઠક્કરને બાળરોગ અને નીઓનેટોલેજીમાં વર્ષો સુધી
આપેલાં યોગદાન બદલ લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. સાથે જ ડો. ઠક્કરની
પ્રોફાઇલ વિશ્વ વિખ્યાત `ધ લાન્સેટ' મેડિકલ જર્નલમાં પ્રકાશિત થઇ હતી જે કચ્છ માટે
ગૌરવની વાત હતી. ભુજના ડો. દેવેન્દ્ર ડાંગર અને ડો. સંદિપ તિલવાણીને પણ વિશેષ સન્માન
મળ્યું હતું. આ બન્ને ડોકટરને પેશનોટોલોજી ટ્રેઇનિંગ ઓફ ટ્રેર્ન્સ તરીકે ખાસ આમંત્રિત
કરાયા હતા, જે તેમની તબીબી કુશળતા અને અનુભવની રાષ્ટ્રીયસ્તરે સ્વીકાર્યતા દર્શાવે છે.
ડો. ડાંગરે નીઓનેટલ સ્કિનિંગ વિષય ઉપર યોજાયેલી પેનલ ચર્ચામાં પણ ભાગીદાર રહ્યા હતા,
જેમાં દેશભરમાં નવજાત બાળકોની આરોગ્ય સંભાળ અંગે પડકારો અને તેના શક્ય
ઉકેલ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ડો. સંદિપ તિલવાણીએ પણ વ્યાખાન આપ્યું હતું.
કચ્છ માટે વધુ એક આશાવાદ એ છે કે, આ તમામ ડોકટરોની ટીમ કચ્છ જિલ્લામાં
નવજાત મૃત્યુદર ઘટાડવા માટે વિશેષ કાર્યક્રમની યોજના બનાવી રહી છે. કાર્યક્રમ અંતર્ગત
ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત ડોકટરો-નર્સિંગ સ્ટાફ માટે વૈજ્ઞાનિક તાલીમ મોડેલ તૈયાર
કરવામાં આવી રહ્યાં છે. આ પ્રોજેક્ટને ટૂંક સમયમાં અમલમાં મુકવામાં આવશે તેવું જણાવાયું
હતું.