• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

ભીમાસરની કંપનીમાં ટાંકો સાફ કરવા ઊતરેલા યુવાનનું ગૂંગળામણથી મોત

ગાંધીધામ, તા. 16 : અંજાર તાલુકાના ભીમાસર નજીક આવેલી કંપનીના ટાંકામાં સફાઈ કરવા ઊતરેલ શંકરલાલ કોલ (ઉ.વ. 36) નામના યુવાનનું ગૂંગળાઇને મોત થયું હતું. બીજી બાજુ સામખિયાળીમાં રવિ યોગેન્દ્ર શર્મા (ઉ.વ. 21)એ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું તેમજ ગાંધીધામ શહેરના લીલાશાહ સર્કલ પાસે પાણીના ટાંકામાં ડૂબી જતાં વિજય દિનોભાઇ રાય (ઉ.વ. 44)નું મોત થયું હતું. ભીમાસરમાં રહેનાર શંકરલાલ કોલ નામના યુવાને ગઇકાલે સાંજે પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં આવેલી બી.એન. એગ્રોટેક કંપનીમાં આ યુવાન કામ કરતો હતો. તે ગઇકાલે સાંજે ટાંકો સાફ કરવા ટાંકામાં ઊતર્યો હતો. ટાંકામાં ખૂબ ગેસ હોવાથી આ યુવાન ગૂંગળામણથી બેભાન થયો હતો. બેભાન હાલતમાં તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. થોડા મહિના અગાઉ કંડલામાં પણ ટાંકામાં ચાર શ્રમિકનાં મોત થયાં હતાં. ધમડકામાં ધડાકાથી ત્રણેક મજૂરે જીવ ખોયા હતા. કચ્છમાં ઔદ્યોગિક એકમોમાં  શ્રમિકોનાં મોતના બનાવો જારી રહ્યા છે, ત્યારે તેમની સુરક્ષાનો મુદ્દો ફરી સપાટી ઉપર આવ્યો હતો. બીજી બાજુ સામખિયાળી લક્ષ્મી માર્કેટની બાજુમાં રહેનાર રવિ શર્મા નામના યુવાને જીવન ટૂંકાવી લીધું હતું. ખાનગી કંપનીમાં કામ કરનાર આ હતભાગી પોતાના ભાઇ, ભાભી સાથે રહેતો હતો, દરમ્યાન તેણે અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ અનંતની વાટ પકડી હતી. વધુ એક અપમૃત્યુનો બનાવ ગાંધીધામના લીલાશાહ નગર સર્કલ પાસે બન્યો હતો. અહીં શૌચાલય ઉપરના રૂમમાં રહેનાર વિજય રાય શૌચાલય પાસે આવેલા ભૂગર્ભ ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું. 

Panchang

dd