ભુજ, તા. 16 : પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, ભુજને ભારતીય પશુ ચિકિત્સા પરિષદ, નવી દિલ્હી તરફથી સત્તાવાર માન્યતા પ્રાપ્ત થતાં કચ્છ વિસ્તાર માટે એક ઐતિહાસિક
અને ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. આ માન્યતા અંતર્ગત આવતાં શૈક્ષણિક વર્ષ 2026-27થી ભુજ સ્થિત કોલેજમાં બી.વી.એસ.સી.
એન્ડ એ.એચ. (5.5 વર્ષ) અભ્યાસક્રમ માટે નિયમિત
રીતે 80 વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં
આવશે. હાલ ગુજરાત રાજ્યમાં આણંદ, દાંતીવાડા,
જૂનાગઢ, નવસારી અને હિંમતનગર ખાતે કુલ પાંચ વેટરનરી
કોલેજો કાર્યરત છે. ભુજ ખાતે આ માન્યતા પ્રાપ્ત થવાથી રાજ્યની છઠ્ઠી વેટરનરી કોલેજ
તરીકે ભુજનો સમાવેશ થશે, જે કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ
શિક્ષણની નવી તકો સર્જશે. આ કોલેજ હાલમાં ભુજમાં 36 ક્વાટર્સ સામે, ખાવડા રોડ ઉપર કાર્યરત છે, જ્યાં આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ પશુ સારવાર સંકુલ આવેલ છે. અહીં દરરોજ અંદાજે
20થી 25 પશુઓની સારવાર તેમજ જરૂરી શત્રક્રિયાઓ કરવામાં આવે છે. આ ઉપરાંત, પશુરોગ નિદાન માટે સુસજ્જ લેબોરેટરી દ્વારા
રોગનિદાન સેવાઓ પણ ઉપલબ્ધ છે. ગુજરાત સરકાર દ્વારા આ કોલેજને વર્ષ 2022માં મંજૂરી આપવામાં આવી હતી, ત્યારબાદ તાત્કાલિક ધોરણે જરૂરી માળખાંગત સુવિધાઓ
તથા માનવ સંસાધનની વ્યવસ્થા કરવામાં આવી. હાલમાં કોલેજમાં 54 પ્રાધ્યાપક અને અન્ય વહીવટી
સ્ટાફ કાર્યરત છે. કોલેજના સ્ટાફના અથાગ પ્રયત્નો,
યુનિવર્સિટીના કુલપતિનાં સતત માર્ગદર્શન અને ભુજના સંતો, મહંતો, સ્વૈચ્છિક સંસ્થાઓ, અન્ય
અગ્રણી સેવાભાવી સંસ્થાઓ અને તમામ નાગરિકોના સહયોગથી અલ્પ સમયગાળામાં કોલેજને સંપૂર્ણ
સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ તમામ કામગીરીને ભારતીય પશુ ચિકિત્સા પરિષદ દ્વારા સંતોષકારક
માનવામાં આવી અને અંતે 80 વિદ્યાર્થીના
પ્રવેશ માટે માન્યતા આપવામાં આવી છે. આ પ્રસંગે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડો. પી.એચ.
ટાંકે કચ્છના વિદ્યાર્થીઓને આ કોલેજમાં પ્રવેશ મેળવી પશુ ચિકિત્સા ક્ષેત્રમાં કારકિર્દી
ઘડવા અને કચ્છના વિશાળ વિસ્તારમાં પશુ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું
છે. ભારતીય પશુ ચિકિત્સા પરિષદની માન્યતા મળતાં યુનિવર્સિટી તથા કોલેજના કર્મચારીગણમાં
આનંદ અને ઉત્સાહની લાગણી વ્યાપી ગઈ છે અને સમગ્ર સંસ્થામાં ખુશીની ઉજવણીનું માહોલ જોવા
મળી રહ્યો છે.