પાણી માટે કચ્છ અને કચ્છીઓની ઝંખનાની તીવ્રતા માપીએ
તો બેરોમીટર તેની મેક્સિમમ મર્યાદા ઓળંગી જાય એમાં કોઇ મનમેખ નથી. કુદરતના પારાવાર
પડકાર, પ્રતિકૂળતા ધરાવતા મુલકની
ચિંતા કરવાની વાત આવે એટલે કચ્છી દિલદાર બની જાય...
કેન્દ્રીય
જળશક્તિ મંત્રી સી. આર. પાટિલની ઉપસ્થિતિમાં મુંદરા તાલુકામાં વહેતી ભૂખી નદીના પુનરોદ્ધાર
પ્રકલ્પમાં જે વાતો થઇ... આ ભગીરથ કાર્ય માટે પાંચ લાખથી લઇને 50 કરોડનું અનુદાન જાહેર થયું એ જ આ વાતનું પ્રમાણ છે.
વોટરમેન ઓફ કચ્છ તરીકે જાણીતા દામજીભાઇ એન્કરવાલાએ કચ્છનાં નર્મદા જળ માટેની લડતમાં
ભારોભાર યોગદાન આપ્યું હતું... નર્મદા સંઘર્ષનો ગાળો લાંબો છે એમાં બીજા પણ અનેક કચ્છપ્રેમીઓએ
ભૂમિકા ભજવી છે. દામજીભાઇએ જરૂર પડી ત્યારે તિજોરી ખુલ્લી મૂકી અને લાલઆંખ કરવાનો વખત
આવ્યો ત્યારે આંદોલનની તલવાર તાણી લીધી હતી. દામજીભાઇના પુત્રો સંજયભાઇ અને અતુલભાઇ
એન્કરવાલાએ કચ્છની બીજી નદીઓના પુનરોદ્ધાર કાર્ય માટે 50 કરોડનું અનુદાન જાહેર કર્યું એ કચ્છના વિકાસ માટે તેમજ
પાણી માટે કંઇ પણ કરી છૂટવાની તેમના પિતાની તાસીર અને પ્રતિબદ્ધતાને અનુસરે છે. આ યોગદાનની
કેન્દ્રીય મંત્રી ઉપરાંત ગુજરાત અને કચ્છે નોંધ લીધી છે.
સારા
વરસાદ, જળસંચય, કૂવા રિચાર્જ માટે આવેલી જાગૃતિ
ઉપરાંત નર્મદા યોજના કાર્યાન્વિત થવાને લીધે આજે પાણીની અછત અથવા તો પાણી વિના કચ્છ
ટળવળતું હોય એ દિવસો ભૂતકાળ બની ગયા છે.
ભૂખી
સહિતની નદીઓને પુનર્જીવિત કરવાના ગ્લોબલ કચ્છ-કચ્છમિત્ર-દીનદયાળ પોર્ટ ઓથોરિટીના સંયુક્ત
પ્રયાસોથી કચ્છનું ભવિષ્ય વધુ પાણીદાર-ઉજ્જ્વળ બનશે એ સુનિશ્ચિત થયું છે.
યોગાનુયોગ
ગુજરાત અને કેન્દ્ર સરકારનો અભિગમ પાણી માટે વધુ સંવેદનશીલ બન્યો છે. ગાંધીધામ ખાતેના
કાર્યક્રમમાં જળશક્તિ મંત્રીએ આ જ વાત કરી કે, વડાપ્રધાન મોદીએ
મનરેગા માટે 88 હજાર
કરોડ મંજૂર કર્યા એમાંના 32 હજાર
કરોડ વરસાદી પાણીના સંચય, ભૂગર્ભ રિચાર્જ માટે જ વપરાશે. શ્રી
પાટિલે કહ્યું કે, મોદી તો ગંગાનું અવતરણ કરાવનાર ભગીરથ કરતાંય
મોટું કામ કરી રહ્યા છે.
ભૂતકાળમાં
પાણીના અભાવે લોકો હિજરત કરીને દેશ-દેશાવરમાં રોજગારી અર્થે જઇ વસ્યા. હવે વિકાસના
રસ્તે અગ્રેસર કચ્છ સૌ કચ્છીઓને `યુ-ટર્ન' લેવા આહ્વાન કરી રહ્યું છે. જળશક્તિ મંત્રી શ્રી પાટિલે બહાર વસતા સમર્થ કચ્છીઓને
માતૃભૂમિ માટે ઉદાર દિલથી સહાયરૂપ બનવા આહ્વાન કર્યું છે. તેમણે અત્યાર સુધી મહદ્અંશે
ગાંધીધામ-કંડલા સંકુલ પૂરતી જવાબદારી નિભાવતાં ડીપીએએ ભૂખી પ્રકલ્પ માટે માતબર રકમ
ફાળવી એનીય નોંધ લીધી છે. ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ખાતે આયોજિત આ કાર્યક્રમનો
સ્પષ્ટ સંદેશ છે કે કચ્છડો એક અને અકબંધ છે. મુંદરાની યોજનાનાં કામનું પ્રતીકાત્મક
ખાતમુહૂર્ત ગાંધીધામમાં થાય... તમામ જનપ્રતિનિધિઓ, બબ્બે રાજ્યમંત્રી,
પૂર્વ સ્પીકર અને મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો,
અનેક ગામના સરપંચો, તાલુકા-જિલ્લા પંચાયતના પદાધિકારીઓ,
ચૂંટાયેલા સભ્યો, કચ્છના બિઝનેસ, વેપારધંધા ક્ષેત્રના અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહે... અને કચ્છને
નમૂનેદાર બનાવવાના સંકલ્પ લેવાય એ ઘટના જ ઐતિહાસિક છે.
પડકારભર્યું
કામ ઉપાડવા બદલ ગ્લોબલ કચ્છની ટીમને અભિનંદન... નદીઓના પુનરોદ્ધારનું કામ લીલાછમ-સમૃદ્ધ
કચ્છનું ઉજ્જ્વળ ભવિષ્ય સુનિશ્ચિત કરશે.
અને
છેલ્લે, એક અંદાજ મુજબ ભૂખી નદીનો કાયાકલ્પ થવાથી નદીના પટના 32 કિ.મી. વિસ્તારમાં આવતા 11 પ્રત્યક્ષ અને 14 પરોક્ષ
ગામોમાં પાણી, ખેતી, પર્યાવરણ, લોકોની આવકમાં વધારો જેવા વિવિધ ક્ષેત્રમાં ફાયદો થશે. ભૂગર્ભ જળ 15 મીટર સુધી ઊંચા આવશે, પાણીની સંગ્રહ ક્ષમતા 1.50 મિલિ.
ઘન લિટર થશે. સિંચાઇ વધતાં 9400 હેક્ટર
પ્રત્યક્ષ અને 9800 હેક્ટર પરોક્ષ
જમીનને ફાયદો થતાં ખેતીની આવક 20 ટકા
સુધી ઊંચી જશે. 50 હજારથી વધુ માનવ દિવસ અને કાયમી
નોકરીઓનાં સર્જન સાથે રોજગાર વધશે. સ્વચ્છ પાણી અને સ્વચ્છતાને લીધે 30થી 35 ટકા
પાણીજન્ય રોગો ઘટશે. આજીવિકા અને પાણીની ઉપલબ્ધતામાં સુધારા સાથે 25થી 30 ટકા
સુધી મોસમી સ્થળાંતર ઘટશે. આ પ્રકલ્પમાં સ્થાનિક યુવાનો અને મહિલાઓને સામેલ કરાશે.
ઉપરાંત રમતનાં મેદાનો, ગઝીબો અને એલઇડી લાઇટિંગ સાથેના 11 રિવરફ્રન્ટ પાર્ક, હજારો વૃક્ષોના
વાવેતરથી સમગ્ર વિસ્તારનો કાયાકલ્પ થવાની ઊજળી સંભાવના છે.
આ
પ્રકલ્પમાં રાજ્ય સરકાર દ્વારા ચેકડેમ તથા અન્ય કામો સાથે સામેલગીરી સુનિશ્ચિત કરવામાં
આવી છે. કચ્છમાં એક પણ બારમાસી નદી નથી. ચોમાસાંમાં ભારે વરસાદના સમયમાં થોડા દિવસો
નદી જીવંત થાય એ દૃશ્ય આહલાદક હોય છે. માનવીય અને પ્રાકૃતિક કારણો, દબાણ, ગાંડા બાવળ જેવા પરિબળોએ નદી અને તેના સ્રાવ વિસ્તારના
વહેણ છિન્નભિન્ન કરી નાખ્યા છે. ગ્લોબલ-કચ્છમિત્ર, ડીપીએ,
એન્કરવાલા તથા બીજા દાતાઓએ હાથ મિલાવતાં સારાં પરિણામની ઉમ્મીદ જાગી છે.