• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

કચ્છમાંથી 40 હજાર જેટલા વિદ્યાર્થી બોર્ડ પરીક્ષા આપશે

ભુજ, તા. 16 : આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ધોરણ 10 અને 12ની સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાની તૈયારીઓમાં તંત્ર વ્યસ્ત બન્યું છે, કચ્છના 39,500 વિદ્યાર્થી આ પરીક્ષા આપશે. જિલ્લા શિક્ષણ કચેરીમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આગામી 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે, જેના માટે ઝોનવાઈઝ કેન્દ્રો, બિલ્ડિંગો અને બ્લોકો નક્કી કરવામાં આવ્યા છે. ધોરણ 10માં 37 કેન્દ્રની 105 બિલ્ડિંગના 937 બ્લોકમાં 26,500 તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14 કેન્દ્રની 48 બિલ્ડિંગના 466 બ્લોકમાં 13 હજાર જેટલા વિદ્યાર્થી તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ચાર કેન્દ્રની આઠ બિલ્ડિંગના 75 બ્લોકમાં 1450 વિદ્યાર્થી પરીક્ષાની એરણે ચડવાના છે. જે પૈકી 2100 જેટલા વિદ્યાર્થી ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ હેઠળ નોંધાયેલા છે. વિશેષ વિગતો આપતા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષાનાં પરિણામમાં ઉત્તરોત્તર  સુધારણા માટે આ વખતે પાંચ  પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે, જેનો પ્રારંભ 23 ડિસેમ્બરથી થશે. વિદ્યાર્થીઓમાં ખાસ તો લેખનનો મહાવરો વધે અને બોર્ડની પરીક્ષાનો ખરેખરો અનુભવ મળે એ હેતુથી આ પરીક્ષાઓ યોજવામાં આવે છે. તેમજ દુર્ગમ વિસ્તારોમાં જ્યાં શિક્ષકો નથી, ત્યાંના બાળકોને તજજ્ઞ શિક્ષકોનો લાભ મળે તે હેતુથી કચેરી દ્વારા છેલ્લા બે વર્ષથી યુ-ટયુબ ચેનલ પણ શરૂ કરવામાં આવી છે, જેમાં મુખ્ય વિષયોના તજજ્ઞ અને અનુભવી શિક્ષકો દ્વારા મહત્ત્વના મુદ્દાઓ આવરી લેવામાં આવનારા છે. ચાલુ વર્ષે એસ.એસ.સી.ના બે અને એચ.એસ.સીનું એક એમ કુલ ત્રણ વધારાનાં પરીક્ષા કેન્દ્રની દરખાસ્ત શિક્ષણ બોર્ડ પાસે કરાઈ છે. ધોરણ 10માં ભુજ, નખત્રાણા અને ગાંધીધામ એમ ત્રણ ઝોન, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ભુજ અને ગાંધીધામ ઝોન તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ભુજ ઝોનથી પરીક્ષાઓનું સંચાલન થવાનું છે. તમામ ઝોનમાં ઝોનલ અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે, તમામ કેન્દ્રની ભૌતિક ચકાસણી પણ પૂર્ણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ સીસીટીવી હેઠળ કોઈ પણ ભય વિના પરીક્ષા આપે તેવો સજ્જડ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પરીક્ષા અગાઉ જિલ્લા કન્ટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવશે.  વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં કોઈ અગવડ ન પડે તે માટે એસ.ટી.તંત્ર સાથે પણ સંકલન સાધવામાં આવ્યું છે. તેમજ કલેક્ટરનાં માર્ગદર્શન હેઠળ સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ એક અધિકારીઓની સ્ક્વોર્ડ પણ ગોઠવવામાં આવશે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો હાઉ દૂર થાય તે માટે `મનોવૈજ્ઞાનિક' તજજ્ઞોના સેમિનારનું પણ આયોજન નજીકનાં ભવિષ્યમાં થનારું છે. મોટાભાગની સ્કૂલોમાં ધોરણ 10 અને 12ના ફોર્મ્સ ભરાઈ ગયાં છે અને હાલ લેઈટ ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુમાં હોવાનું કચેરીની યાદીમાં જણાવાયું છે. 

Panchang

dd