શિરાચા, 16 : શ્રીમદ્ ભાગવત મહાપુરાણ કથાના
ત્રીજા દિવસે આધ્યાત્મિક વાતાવરણ ભવ્ય, ભક્તિમય અને ઉલ્લાસમય બન્યું હતું. આ કથા સ્થળ
પર વિવિધ ક્ષેત્રોની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને વધુ પુનિત અને ગૌરવમય
બનાવ્યું હતું. લોકપ્રિય કથાકાર પૂ. કશ્યપભાઈ જોશીએ ગહન ઉપદેશો આપતાં જણાવ્યું કે,
મનુષ્ય જીવને પોતાની ચિંતાઓ, સમસ્યાઓ અને વ્યથાઓને
ભગવાનનાં ચરણોમાં સમર્પિત કરી દેવી જોઈએ. અખંડ શ્રદ્ધા રાખવી જરૂરી છે, કારણ કે શામળિયા જે કરશે તે તમારા હિતમાં અને સારું જ કરશે. તેમણે સાધુ-સંતો
અને મહંતોનું સમાજમાં અનન્ય મહત્ત્વ સમજાવતાં કહ્યું કે, તેઓ
આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે સમાજને નૈતિક મૂલ્યો અને ધાર્મિક માર્ગ પર ચાલવા પ્રેરિત
કરે છે. કથાના રસમાં ડૂબેલા શ્રોતાઓની ભક્તિ અને ઉલ્લાસ એટલા પ્રબળ બન્યા કે,એક સમયે વ્યાસપીઠની આસપાસ મોટી ભીડ થઈ ગઈ અને તેઓ ગરબા કરવા લાગ્યા હતા. ગરબાના
તાલે તાલ મિલાવતા ભક્તોના ચહેરા પરનો આનંદ અને ભાવવિભોરતા જાણે કથા સ્થળને વૃંદાવન
જેવું બનાવી દીધું હતું. આજે પણ ભક્તો અને શ્રોતાઓની અપાર સંખ્યાથી કથા મંડપ પૂરેપૂરો
ઊભરાઈ આવ્યો હતો. આજે પધારેલા મહાનુભાવોમાં સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત પૂ. ત્રિકમદાસજી મહારાજ, મહેશ્વરી
સમાજના પ્રસિદ્ધ ધર્મગુરુ પચાણદાદા માતંગ, રતાડિયાના આઈ ધનબાઈમા
(હાંસબાઈમા ભગવતી ધામ), કવિ માણેકભાઈ, કવિ
આલ, ભોપા વરજાંગ રામ
(વાંકોલધામ મુખ્ય પૂજારી), પૂ. ભીમસેનભાઈ શાસ્ત્રીજી, સંત
ચંદ્રકાંત ગોરડિયા (હંસ નિર્વાણ આશ્રમ, પ્રાગપર), પૂ. રતનગિરિ બાપુ (જૂના અખાડા), કચ્છ કસ્ટમ કમિશનર નીતિન સૈની, ભુજના ધારાસભ્ય
કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પી.એન. જાડેજા, ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, સરહદ ડેરીના
ચેરમેન વલમજી હુંબલ, ગિરીશ છેડા, મુંદરા નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી,
અગ્રણી હરિભાઈ જાટિયા તથા આસપાસના ગ્રામજનો સહિત અનેક વ્યક્તિઓએ આરતીમાં
જોડાઈને કથાને ભવ્યતા અર્પી હતી.