• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

મુદ્રા બજારમાં હાહાકાર રસાતાળ રૂપિયો @ 91

નવી દિલ્હી, તા.16 :મુદ્રા બજારમાં મંગળવારે ફરી એકવાર હાહાકાર મચી ગયો હતો. ડોલર સામે રૂપિયામાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક ધોવાણ આજે પણ આગળ વધ્યું હતું અને  ડોલર સામે રૂપિયો પહેલીવાર વિક્રમી 91 રૂપિયાનાં તળિયે પહોંચી ગયો હતો. રૂપિયા ઉપર આ દબાણની અસર માત્ર વિદેશી નહીં બલ્કે ઘરેલું રોકાણકારોનાં મનોભાવ ઉપર પણ પડી રહી છે. નિષ્ણાતો કહે છે કે, ચાલુ વર્ષમાં રૂપિયામાં થયેલો 6.6 ટકાનો તોતિંગ ઘટાડો સાધારણ નથી પરંતુ દાયકાઓથી ચાલ્યા આવતાં દબાણની અસર છે. વર્ષ 2012થી રૂપિયાનાં મૂલ્યમાં 90 ટકાથી વધારે તૂટયું છે. માળખાગત કમજોરીની અસરનાં હિસાબે રૂપિયાને જાળવવો રિઝર્વ બેન્કની તાકાત ઉપર પણ ભારે પડી રહ્યો છે. 2012માં ડોલર સામે રૂપિયાનું સ્તર 48નું હતું. કહેવાય છે કે, આગામી 12થી 14 માસમાં રૂપિયો વધુ 6થી 7 ટકા જેટલો ગગડી શકે છે. રૂપિયાને એશિયાનું સૌથી સ્થિર ચલણ માનવામાં આવતું રહ્યું છે. જેનું મુખ્ય કારણ રિઝર્વ બેન્કનો હસ્તક્ષેપ રહ્યો છે. 2017 બાદથી રૂપિયમાં વાર્ષિક સરેરાશ 4 ટકાનાં દરે નબળાઈ આવી છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફનું એલાન કર્યા પછી રૂપિયા ઉપર દબાણ ઓર વધી ગયું છે. આરબીઆઈનાં સપોર્ટ છતા 2025નાં ચોથા ત્રિમાસિકમાં પણ રૂપિયો નબળો જ રહ્યો છે. આમાં ચાલુ ખાતાની ખાધ વધવાની ભૂમિકા પણ   રહી છે.  ડોલર સામે રૂપિયો પ્રથમ વખત 91ના સ્તરને પાર કરતો જોવા મળ્યો છે ત્યારે ખાસ વાત એ છે કે માત્ર 10 કારોબારી દિવસોમાં જ ડોલર સામે રૂપિયો 90થી 91 સુધી પહોંચી ગયો  છે. ડોલર સામે રૂપિયો પ્રથમ વખત 2 નવેમ્બરે 90ને પાર ગયો હતો. નિષ્ણાતોના મતે, રૂપિયામાં ઘટાડાનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારોની નફાવસૂલી અને અમેરિકા તથા ભારત વચ્ચેના ટ્રેડ ડીલમાં થતો વિલંબ પણ છે. આશ્ચર્યની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો હોવા છતાં ડોલર સામે રૂપિયો દબાણ અનુભવી રહ્યો છે. નિષ્ણાતોના મતે, આ જ મહિનામાં રૂપિયો ડોલર સામે 92ના સ્તરને પણ પાર કરી શકે છે. આજનાં ટ્રેડિંગ સત્ર દરમિયાન રૂપિયો 36 પૈસા ઘટીને ડોલર સામે પ્રથમ વખત 91ને પાર પહોંચ્યો હતો. માત્ર છેલ્લા પાંચ સત્રોમાં જ સ્થાનિક કરન્સી ડોલર સામે 1 ટકા ઘટી ગઈ છે. સવારે 11:45 વાગ્યે, રૂપિયો ડોલર સામે 91.14 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે ગયા બંધ ભાવ કરતાં 36 પૈસા ઓછો હતો. ઇન્ટરબેંક ફોરેન કરન્સી એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો ડોલર સામે 90.87 પર ખુલ્યો અને સત્ર આગળ વધતા તેમાં સતત ઘટાડો થયો. સોમવારે રૂપિયો ડોલર સામે 90.78ના નવા સર્વકાલીન નીચા સ્તરે બંધ થયો હતો, જે ગયા બંધ ભાવ કરતાં 29 પૈસા ઓછો હતો.   

Panchang

dd