કોલકાતામાં આવેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ફૂટબોલ તારક લિયોનેલ
મેસ્સીના કાર્યક્રમમાં થયેલી ધાંધલ પણ વૈશ્વિક ચર્ચાનો વિષય બની છે. અનેક પ્રકારે ધાંધલ-ધમાલ
માટે જાણીતા કોલકાતામાં શનિવારે બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. પ્રશાસન, સરકાર અને ખેલક્ષેત્ર અચંબિત અને ક્ષોભિત થયા
છે. ઘટનાના 24 કલાક પછી
પણ માધ્યમો તેની ચર્ચા કરી રહ્યા છે. વિશેષત: ભારતની છબી વિશ્વના અન્ય દેશોમાં ખરડાઈ
હોવાની પણ સ્થિતિ ઊભી થઈ છે. દેશમાં ધાર્મિક સ્થળો,
ફિલ્મી હીરોના મેળાવડા વગેરેમાં જે કંઈ બને તે પણ દુ:ખદ હોય છે,
પરંતુ તે આંતરિક ઘટના ગણાય, પરંતુ શનિવારની ઘટના
ઘણા પ્રશ્નો ઉપસ્થિત કરે છે. કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં શનિવારે ઉત્સવનો માહોલ
હતો. ફૂટબોલપ્રેમીઓ જેની એક ઝલક જોવા માટે પણ સતત તરસતા હોય છે તે આર્જેન્ટિનાના ફૂટબોલ
ખેલાડી લિયોનેલ મેસ્સી `ગોટ ઈન્ડિયા
ટૂર 2025' અંતર્ગત આવ્યા હતા. હજારો લોકો
તેને જોવા ઉપસ્થિત થયા હતા. 45,000 રૂપિયા
જેટલી મોંઘી ટિકિટ ખરીદનાર વર્ગ પણ તેમાં હતો. સૌ કોઈ આ સ્ટાર પરફોર્મરને જોવા ઉત્સુક
હતા. તેઓ મેદાનમાં આવ્યા પણ ખરા અને હજી તો 10 મિનિટ પણ નહોતી થઈ ત્યાં પરત જતા રહ્યા. મેસ્સીને જોવા ઊમટી
પડેલો ચાહક સમુદાય રોષે ભરાય તે સ્વાભાવિક હતું. તેમનો આક્રોશ ભભૂક્યો અને સ્ટેડિયમમાં
તોડફોડ થઈ. સ્વાભાવિક રીતે આ જવાબદારી આયોજકની હતી અને આયોજક આવું ન કરે તે જોવાની
જવાબદારી સરકાર-તંત્રની હતી. મેસ્સી તરત જ જતા રહેવાનાં કારણે જે સ્થિતિ સર્જાઈ તેમાં
કોન્સ્ટેબલને પણ ઈજા થઈ. સદ્નસીબે જાનહાનિ નહોતી થઈ,
કારણ કે, ઉશ્કેરાયેલા લોકો ખુલ્લાં મેદાનમાં હતા.
ઘટનાની ગંભીરતા શું હશે તે એટલા માટે કહેવાની જરૂર નથી કે, પશ્ચિમ
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના સ્વભાવ વિરુદ્ધ જઈને ક્ષમા માગી તાત્કાલિક
તપાસ સમિતિ રચાઈ ગઈ. મમતાબેને ઊંડી તપાસ કરવાની અને આવી ઘટનાનું પુનરાર્વતન ટાળવા માટે
શું કરવું ? તેનું આયોજન કરવાની સૂચના આપી છે. બંગાળના રાજ્યપાલ
પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રવિવારે વિશેષ તપાસ સમિતિ પણ પહોંચી ગઈ છે. ઈવેન્ટના આયોજક
સતાદ્રુ દત્તાની ધરપકડ થઈ અને અદાલતે તેમના જામીન નકાર્યા છે. તેઓ 14 દિવસ પોલીસના કબજામાં રહેશે.
પશ્ચિમ બંગાળ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અસીમકુમાર બનાવની તપાસ કરી રહ્યા છે. આ બધું
જ તેનાં સ્થાને મહત્ત્વનું છે, પરંતુ
આવી ઘટના બનવી તે મોટી નાલેશી છે. હજારો-લાખો રૂપિયા લઈને આવાં આયોજન કરતા સૌ આયોજકો
ઉપર નિયંત્રણ હોવું જોઈએ. મેસ્સી આંતરરાષ્ટ્રીય ખેલાડી છે અને તેના કાર્યક્રમમાં આવું
થયું તેના સમાચાર પણ વિશ્વના અન્ય દેશોએ નોંધ્યા જ હોય. સામાન્ય જનતા જેને જોવા આવી
હતી. આગલા દિવસે એરપોર્ટથી શહેરના રસ્તે પણ હજારોની ભીડ મેસ્સીનાં વાહન સાથે દોડતી
હતી તેવા સંજોગોમાં સમજી શકાય કે લોકોને તેને જોવાનો કેટલો મોહ હતો, પરંતુ મેસ્સી નેતાઓથી ઘેરાયેલા રહ્યા. રાહુલ ગાંધી, શાહરુખ
ખાન જેવા સેલિબ્રિટીને મળ્યા, પરંતુ ખિસ્સાના ખર્ચે તેને જોવા
આવેલા લોકોને તેનાં `દર્શન' થયા નહીં. આવી ઘટના માટે જવાબદાર સામે અત્યંત
આકરાં પગલાં લેવાવાં જોઈએ અને તેનું પુનરાવર્તન ટાળવાના પ્રયાસ થવા જોઈએ. રાજકારણ આ
મુદ્દે શનિવારથી શરૂ થઈ ગયું છે, પરંતુ આપણા દેશમાં તેનો કોઈ
ઈલાજ નથી.