• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

સરકારી તંત્રમાં અરજીઓ કરી, તેને સોશિયલ મીડિયામાં નાખીને પૈસા પડાવવાનું ષડયંત્ર

ભુજ, તા. 16 : સરકારી તંત્રમાં અરજીઓ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરીને પૈસા પડાવવા-ખંડણી માગવાના બનાવો વધી રહ્યા છે. આ વચ્ચે આવો એક બનાવ સામે આવ્યો અને એલસીબીની ટીમ આરોપીને પકડવા જતાં પોલીસને પણ ગાળો આપી ફરજમાં રુકાવટ કરી હતી. આ બનાવના આરોપી સલીમ મામદ કુંભાર (રહે. ડી.પી. ચોક, કેમ્પ એરિયા-ભુજ) તથા ગુલામહુશેન ભાવનશા શેખ (મોમાઇનગર-2, અંજાર)ને ઝડપી લેવામાં આવ્યા છે. આ આખા બનાવની વિગત એવી છે કે, માધાપર પોલીસ મથકે હાર્દિક ઉમેદગર ગુંસાઇએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે અગાઉ દારૂનો ધંધો કરતો હતો, પરંતુ હમણા આ ધંધો છોડી દીધો છે. આમ છતાં આરોપી સલીમ કુંભારા મારા તથા બીજા વિરુદ્ધ દારૂ વેચવા અરજી કરી હતી અને આ અરજી ફેસબુકમાં પોસ્ટ કરી, વોટ્સએપના સ્ટેટ્સ મૂકી હતી. આ બાદ ફરિયાદને ગુલામહુશેન શેખનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, હું પ્રેસમાં છું, સલીમથી મારી  વાત થઇ છે, તારે 50 હજાર આપવા પડશે. ફરિયાદીએ કહ્યું કે, હું હવે દારૂનો ધંધો નથી કરતો, તો શા માટે રૂપિયા આપું. આથી ગુલામે કહ્યું કે, તું બુટલેગર છો એટલે તારે રૂપિયા તો આપવા પડશે. આથી ફરિયાદીએ કહ્યું કે, આટલા બધા ન હોય, થોડા ઓછા કરવાનું કહેતાં છેલ્લે 25 હજાર આપવા પડશે, તેવું જણાવ્યું અને 15/11ના સલીમને 25 હજાર ઓનલાઇન કરતાં સલીમનો ફોન આવ્યો ને જણાવ્યું કે, આ નાણાં હું પરત તારા ખાતાંમાં નાખું છું. તું આ નાણાં ગુલામનાં ખાતાંમાં નાખી દે. આ બાદ સલીમે આપેલાં નાણાં ગુલામનાં ખાતાંમાં ગૂગલ-પે કર્યા હતા. બાદમાં થોડા દિવસ પછી ફરીથી ફોન આવ્યો અને જણાવ્યું કે, ગયા મહિને તેં 25 હજાર આપ્યા હતા. આ મહિને 25 હજાર આપવા પડશે અને આ રીતે દર મહિને 25 હજાર નહીં આપ તો ફરી તારું નામ અરજીમાં આવી જશે. તારા વિરુદ્ધ દરોડા પડાવી, પાસામાં ધકેલાવી દેશું તેવી ધમકી આપી હતી. આથી ફરિયાદીએ એલસીબી પીઆઇને આ સમગ્ર ઘટના અંગે લેખિત અરજી કર્યા બાદ ગઇકાલે માધાપર પોલીસ મથકે બંને વિરુદ્ધ વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાયો હતો. આ ફરિયાદ બાદ તપાસ એલસીબીને સોંપાતાં ગઇકાલે સાંજે એલસીબીની ટીમ સલીમની અટક કરવા તેના ઘરે પહોંચતાં ત્યાં સલીમે પોલીસ ટીમને ગાળો આપી અને ઝપાઝપી કરી ફરજમાં રુકાવટ કરતાં આ અંગે પણ બી-ડિવિઝન પોલીસ મથકમાં સલીમ સામે ગુનો દાખલ કરી એલસીબીએ સલીમ અને ગુલામને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે. સલીમ વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાઇ ચૂક્યા છે. 

Panchang

dd